Wed Aug 19 2026

Logo

યે માટી સભી કી કહાની કહેગી...

2026-08-14 08:58:00
Author: Henry Shastri
Article Image

 

હેન્રી શાસ્ત્રી

આવતી કાલે 15 ઓગસ્ટ. બ્રિટિશ ગુલામીની નાગચૂડમાંથી આપણો દેશ સ્વતંત્ર થયો એને 79 વર્ષ પૂર્ણ થઈ 80મું વર્ષ બેસશે. આઝદીની ઉજવણીની શૈલીમાં ધરમૂળથી બદલાવ આવી ગયો છે. એકવીસમી સદીના ત્રીજા દાયકામાં તો 15મી ઓગસ્ટના સૂર્યોદય સાથે સ્વાતંત્ર્યના-આઝાદીના રંગે બધા રંગાઈ જાય છે અને સૂર્યાસ્ત સાથે એ રંગ ઊતરી પણ જાય એવી પરિસ્થિતિ છે. 

સોસાયટીમાં ધ્વજવંદન સાથે ચા-નાસ્તો, બપોરે ટીવી પર કોઈ દેશભક્તિની ફિલ્મ જોઈ નાખવાની અને દિવસ દરમિયાન દેશદાઝ-દેશભક્તિનાં ગીતો સાંભળવાનાં એ ઉજવણીનો ઉત્સાહ જોવા મળે છે. અમુક ગીત તો અનેક વાર સાંભળ્યા હોવા છતાં ફરી ફરી સાંભળવા ગમે છે, કારણ કે એનું કાવ્યતત્ત્વ અને એની સ્વરરચના શાશ્વત છે. આ કોલમમાં આજે આપણે દેશભક્તિને કેન્દ્રમાં રાખી તૈયાર થયેલાં કેટલાંક જાણીતાં અને અમુક ઓછાં જાણીતાં ગીતો વિશે જાણીએ. આવતી કાલે આ અને બીજા જે તમને પસંદ હોય, ખબર હોય એ ગીતો સાંભળવાનું ચૂકતા નહીં.

દૂર હટો અય દુનિયાવાલો હિન્દોસ્તાં હમારા હૈ: 
(કિસ્મત અમીરબાઈ કર્ણાટકી, ખાન મસ્તાના)

‘આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ’ પંક્તિથી શરૂ થતું આ ગીત કવિ પ્રદીપજીએ લખ્યું છે અને એનું સ્વરાંકન અનિલ વિશ્વાસનું છે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યું એ પહેલા લખાયેલું (1943) અને રૂપેરી પડદા પર રજૂ થયેલા આ ગીતમાં લોકોને લલકારવામાં આવ્યા છે. ગીત પર બ્રિટિશ સેન્સરની કાતર ન ફરી વળે એટલે પ્રદીપજીએ કુનેહ વાપરી ગીત જર્મની અને જાપાનનો કાન આમળતું હોવાનું આભાસી ચિત્ર ઊભું કરતું હતું. 

જોકે, આપણા દેશવાસીઓ સમજી ગયા કે બ્રિટિશરોને તગેડી મૂકવાની આ હાકલ છે. ગીતનું પિક્ચરાઈઝેશન તેમ જ એના ગીત-સંગીતમાં કોઈ અસાધારણ તત્ત્વ નથી, પણ ગીતનો ઉદ્દેશ સાંગોપાંગ પાર ઊતરે છે. જનતાને પોરસ ચડાવવાનું કામ કરવામાં એને સફળતા મળી હતી. ગાયકમાં એક નામ છે ખાન મસ્તાના જેનાથી બહુ ઓછા લોકો પરિચિત હશે. એમણે ગાયેલા ગીતોમાં ગણીને માત્ર બે ગીત લોકપ્રિયતાના લિસ્ટમાં આવે છે. એક છે ‘સિકંદર’ (1941)નું ‘ઝિંદગી હૈ પ્યાર સે પ્યાર મેં બિતાએ જા’ અને બીજું છે રફી સાથેનું ડ્યુએટ ‘શહીદ’ (1948)નું ‘વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો.’

હમ લાયે હૈં તૂફાન સે કિશ્તી નિકાલ કર: જાગૃતિ 
(મોહમ્મદ રફી) 

કવિ પ્રદીપજીની પહેલી જ પંક્તિ (સંગીતકાર હેમંત કુમાર) પરથી જ સ્પષ્ટ થાય છે કે દેશને આઝાદી મળી ગયા પછીનું આ ગીત છે. બ્રિટિશરોએ ચાલતી પકડી, દેશ સ્વતંત્ર થયો એટલે વાત થોડી પૂરી થઈ જાય? દેશના ભાગલા, રમખાણો અને યુદ્ધથી છિન્નભિન્ન થયેલા દેશને ફરી બેઠો કરવાની પ્રાથમિકતા હતી. ભાગલાના ઝખમો ભરાઈ જાય એ દિશામાં પ્રયત્નો કરવાના હતા.આ એક ભગીરથ કાર્ય હતું જે દેશના ટોચના નેતાઓ નિષ્ઠા અને સમર્પણ સાથે કરી રહ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ એમાં યથેચ્છ યોગદાન આપી રહી હતી. 

દેશને સ્વાતંત્ર્ય મળ્યું એના સાત વર્ષ પછી રિલીઝ થયેલી આ ફિલ્મના આ ગીતમાં રાષ્ટ્ર નિર્માણનો સંદેશો સ્પષ્ટ વર્તાય છે. ગીતની શરૂઆત દુશ્મનના પરાજયના ઉલ્લેખ સાથે થાય છે ‘પાસે સભી ઉલટ ગયે દુશ્મન કી ચાલ સે’ અને પછી આજનો બાળક જે આવતી કાલનો જવાબદાર નાગરિક છે એ કેન્દ્રમાં આવે છે. સમગ્ર ગીતમાં આવતી કાલને બહેતર બનાવવાની જવાબદારી ચેતવણી ઉછરી બાળકોના હાથમાં સોંપી દેવામાં આવી છે. ફિલ્મના અન્ય એક ગીત ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ’માં પણ દેશદાઝની જ વાત છે. અહીં ગાંધીજી કેન્દ્રમાં છે.

યે માટી સભી કી કહાની કહેગી: નવરંગ 
(મહેન્દ્ર કપૂર)

‘ઝનક ઝનક પાયલ બાજે’ અને ‘દો આંખે બારહ હાથ’ની અભૂતપૂર્વ સફળતા પછી વી. શાંતારામે અલગ પ્રકારની ફિલ્મ ‘નવરંગ’ બનાવી હતી. શાંતારામ બાપુનું આ રંગીન ચિત્રપટ જ્યેષ્ઠ મરાઠી સાહિત્યકાર ગ. દિ. માડગુળકરની કથા પર આધારિત હતું.18મી સદીનું જમીનદારશાહી વાતાવરણ, બ્રિટિશરોની નાનકડાં રાજ્યો હડપ કરવાની વૃત્તિનો થઈ રહેલો વિકાસ અને દરબારી કવિ તરીકે સ્થાપિત થયેલા લોકકવિની કલ્પનાની દુનિયાનું વિસ્તરણ ફિલ્મની કથાનું હાર્દ હતું. 

ગીતકાર ભરત વ્યાસ અને સંગીતકાર સી. રામચંદ્રની જોડીએ અફલાતૂન રોમેન્ટિક ગીત (તૂ છૂપી હૈ કહાં, આધા હૈ ચંદ્રમા રાત આધી, શ્યામલ શ્યામલ બરન, તુમ મેરે મૈં તેરી) બનાવ્યા હતા જે સુપરહિટ સાબિત થયાં અને આજે પણ યાદ કરવામાં આવે છે. ફિલ્મમાં દિગ્દર્શકે દેશભક્તિનો રંગ પણ ઉમેર્યો હોવાથી ‘ના રાજા રહેગા ના રાની રહેગી, તો માટી સભી કી કહાની કહેગી’ જેવા દેશભક્તિના ગીતને પણ સ્થાન મળ્યું. 

રાષ્ટ્રવાદને રેખાંકિત કરતા આ ગીતમાં કવિ દેશ બ્રિટિશરોની પકડમાં આવી ગયેલા અને ઈંગ્લેન્ડની રાણીના શાસન તળે આવી ગયેલો દેશ ગુલામીમાંથી મુક્ત થશે અને બ્રિટિશરોએ નીકળી જવું પડશે એવો આશાવાદ વ્યક્ત કરે છે. ફિલ્મના અન્ય ગીતોની સરખામણીએ આને ઓછી લોકપ્રિયતા મળી હતી, પણ ગીત સાંભળવામાં મજા આવે એવું છે. આ ગીત ખબર નહીં હો તો નવા ગીતનો પરિચય થશે.

ચીન - ઓ - અરબ હમારા: ફિર સુબહ હોગી 
(મુકેશ)

‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ જેવા યાદગાર ગીતના રચયિતા પ્રસિદ્ધ શાયર મોહમ્મદ ઈકબાલની બે રચના સામે વ્યંગ કરતી સાહિર લુધિયાનવીની આ રચના તે સમયે અફાટ લોકપ્રિયતાને તો વરી જ હતી, ખાસ્સી વિવાદાસ્પદ પણ સાબિત થઈ હતી. એક તબક્કે તો આ ગીત પર પ્રતિબંધ મુકાઈ જશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. દેશભક્તિના ગીતમાં સામાન્યપણે ભારતના-હિન્દુસ્તાનના ગુણગાન ગાવામાં આવતા હોય છે. સાહિરનું આ ગીત એ પંગતમાં બેસે એવું નથી. આ ટિપિકલ દેશભક્તિનું ગીત છે જ નહીં. હિન્દુસ્તાનની વાસ્તવિક હાલત પ્રત્યે વક્રદ્રષ્ટિથી જોવામાં આવ્યું છે. 

1962નું ચીન સામેનું યુદ્ધ ભારત માટે અત્યંત કપરું રહ્યું હતું અને દેશે પછડાટ ખાધી હતી. આવા યુદ્ધ પછી અને ત્યારના વાતાવરણમાં આદર્શવાદના દીવાની જ્યોત ટમટમતી રાખવી આસાન કામ નહોતું. સાહિરની તેજાબી કલમ નિરાશ થયેલા ભ્રમનિરસન થયેલા યુવાનનો અવાજ બની ગઈ હતી. નિરાશાની નદીમાં વહેતું ગીત જોકે અંતમાં આશાનું કિરણ દેખાડે છે અને ‘પતલા હૈ હાલ - એ -અપના, લેકિન લહુ હૈ ગાઢા, ફૌલાદ સે બના હૈ હર નૌજવાં હમારા, મિલ જુલકે વતન કો ઐસા સજાએંગે હમ, હૈરત સે મૂંહ તકેગા સારા જહાં હમારા’ પંક્તિઓ બધી નિરાશા ખંખેરી નાખે છે અને આશાનું રંગીન આસમાન નજરે પડે છે.

વંદે માતરમ્, વંદે માતરમ્: આનંદ મઠ 
(લતા મંગેશકર-હેમંત કુમાર)  

બંકિમચંદ્ર ચટ્ટોપાઘ્યાયની ઐતિહાસિક નવલકથા ‘આનંદ મઠ’ પરથી બનેલી આ ફિલ્મ હેમંત કુમારની સંગીતકાર તરીકે પ્રથમ ફિલ્મ હતી. આ નવલકથામાં 1770-1777 દરમિયાન દેશના કેટલાક વિસ્તારમાં (મુખ્યત્વે બંગાળ અને બિહાર) સંન્યાસીઓએ અંગ્રેજોના શાસન વિરુદ્ધ કરેલા આંદોલન કેન્દ્રમાં છે. ‘વંદે માતરમ’ ગીત સ્વાતંત્ર્ય ચળવળનું-લડાઈનું મુખ્ય પ્રતીક બની ગયું. 

લોકોમાં એવો જુવાળ પેદા થયો કે બ્રિટિશ શાસને પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો. ફિલ્મના ટાઈટલ આવે છે ત્યારે ‘વંદે માતરમ ગાતા ગાતા શહીદ થઈ ગયેલા લોકોને સમર્પિત’ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. ગીતની પહેલી બે કડી 1950માં ભારતના નેશનલ સોન્ગ તરીકે સ્વીકૃત થઈ હતી. ગીતનું ચિત્રીકરણ સામાન્ય છે પણ શબ્દોના ભાવને સમર્થપણે સાર્થક કરવામાં સફળ રહે છે.

આ સિવાય સાંભળવા જોઈએ- સાંભળવા ગમે એવાં ગીતોનો ઉલ્લેખ તો કરવો જ રહ્યો. ભારતની શ્રેષ્ઠતાના ગુણગાન ગાતું 1965માં આવેલી ‘સિકંદર - એ - આઝમમ’નું રફીસાબનાં સ્વરમાં રજૂ થયેલું ‘જહાં જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા’ (રાજીન્દર કૃષ્ણ - હંસરાજ બહલ), ઓ.પી. નય્યર - એસ. એચ. બિહારીની જુગલબંદીનું ‘નયા દૌર’ (1957)નું મોહમ્મદ રફી - એસ. બલબીરનું યુગલગીત ‘યે દેશ હૈ વીર જવાનો કા’, 

હિન્દી ફિલ્મ જગતના બે નાયાબ પુરુષ ગાયક રફી - મન્ના ડેના સ્વરમાં ‘શહીદ’ (1965)નું પ્રેમ ધવને લખેલું અને તેમણે જ સ્વરાંકન કરેલું ‘અય વતન અય વતન હમકો તેરી કસમ’ (રફી) તેમ જ બિસ્મિલ અઝિમાબાદી લિખિત ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ’, હૃદયસ્પર્શી યુદ્ધ ચિત્રપટ ‘હકીકત’ (1962)નું કૈફી આઝમી-મદન મોહન સાહેબની જુગલબંદીને આઠ ચાંદ લગાડતા રફીસાબના સ્વરમાં પ્રસ્તુત ‘કર ચલે હમ ફિદા જાન - ઓ - તન સાથિયો’, 

રવીન્દ્રનાથ ટાગોરની લઘુ વાર્તા પરથી એ જ નામની ફિલ્મ ‘કાબુલીવાલા’નું લાગણીની ખળખળ વહેતી સરિતા જેવું મન્ના ડેની ગાયકીથી અમરત્વ પ્રાપ્ત કરનાર ‘અય મેરે પ્યારે વતન અય મેરે બિછડે ચમન, તુજ પે દિલ કુરબાન’. માતૃભૂમિ માટે મમતા અને મમત્વના અત્તરના દરિયાથી મઘમઘતા આ ગીતનું સલિલ ચૌધરીના ‘રૂબાબ’ સાથેનું સ્વરાંકન અનેક આંખોને સજળ કરવાનું સામર્થ્ય ધરાવે છે. 

દિલીપ કુમારની ‘લીડર’ (1964)નું રફીસાબનાં લાજવાબ સ્વરમાં શકીલ બદાયૂંની અને નૌશાદની જોડીની યશકલગીમાંનું એક પીંછું ‘અપની આઝાદી કો હમ હરગિઝ મિટા સકતે નહીં’ અને મનોજ કુમારની યાદગાર ફિલ્મ ‘ઉપકાર’ (1965)નું મહેન્દ્ર કપૂર શૈલીનું ગુલશન બાવરા અને કલ્યાણજી - આણંદજીનું ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી’ કેમ ભુલાય? અને હા, 1959માં આવેલી ‘ભાઈ બહન’ ફિલ્મનું ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ (કવિ ઈકબાલ, સ્વરકાર એન. દત્તા અને ગાયિકા આશા ભોસલે) પણ આ યાદીમાં આવે જ.