Thu Jun 18 2026

Logo

RR vs CSK: વૈભવ સૂર્યવંશીએ T20માં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આવું કરનારો બન્યો વિશ્વનો એકમાત્ર બેટ્સમેન

2026-03-31 08:50:00
Author: MayurKumar Patel
Article Image

 

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપરકિંગ્સ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં ફિફ્ટી ફટકારીને ટીમને 8 વિકેટથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઈનિંગના બીજા બોલ પર સિક્સ મારી હતી. મેટ હેનરીના બોલ પર છગ્ગો મારી ઈનિંગની શરૂઆત કરી હતી. તેણે 17 બોલમાં 52 રન બનાવી આઉટ થયો હતો. તેની વિસ્ફોટક ઈનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા. 52 રનમાંથી તેણે 46 રન  ચોગ્ગા-છગ્ગાથી ફટકાર્યા હતા.

વૈભવ સૂર્યવંશીનો વર્લ્ડ રેકોર્ડ

ઈનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. વૈભવ સૂર્યવંશી ટી20 ક્રિકેટના ઈતિહાસમાં 15 વર્ષની ઓછી ઉંમરમાં સૌથી વધારે છગ્ગા મારનારો બેટ્સમેન બન્યો હતો. તે 15 વર્ષ સુધીમાં અત્યાર સુધીમાં 67 છગ્ગા મારી ચુક્યો છે. વૈભવ ઉપરાંત અન્ય કોઈ બેટ્સમેન આ પરાક્રમ કરી શક્યા નથી. 

વૈભવે 8 આઈપીએલ ઈનિંગ બાદ સૌથી વધુ છગ્ગા મારનારો બેટ્સમેન પણ બની ગયો છે. વૈભવ અત્યાર સુધીમાં આઈપીએલની 8 ઈનિંગમાં 29 છગ્ગા મારી ચુક્યો છે. તેણે જેક ફ્રેઝર,મૈકગર્કને પાછળ રાખી દીધા છે. તેમણે 8 આઈપીએલ ઈનિંગ બાદ 28 છગ્ગા માર્યા હતા.

આઈપીએલની 8 ઈનિંગ બાદ સૌથી વધારે છગ્ગા મારનારા બેટ્સમેન

29: વૈભવ સૂર્યવંશી
28: જેક ફ્રેઝર - મૈકગર્ક
21: ગ્લેન મેક્સવેલ
20: કાઈલ મેયર્સ
20: નીતીશ કુમાર રેડ્ડી

વૈભવે માત્ર 15 બોલમાં ફિફ્ટી મારી હતી. જે આઈપીએલ ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સ માટે બીજી સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ છે. આ પહેલા આઈપીએલ 2025માં તેણે ગુજરાત ટાઈટન્સ સામે 17 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ રીતે આઈપીએલના ઈતિહાસમાં કોઈ એક ફ્રેન્ચાઈઝી માટે 18થી ઓછા બોલમાં એકથી વધારે અડધી સદી ફટકારનારો ખેલાડી બન્યો હતો.

બંને સીઝનની ધમાકેદાર શરૂઆત

વૈભવ સૂર્યવંશીએ આઈપીએલની બંને સીઝનમાં ધમાકેદાર શરૂઆત કરી છે. 2025માં ડેબ્યૂ કરનારા વૈભવે પોતાની કરિયરની પ્રથમ બોલ પર જ શાર્દુલ ઠાકુર સામે સિક્સ મારી હતી. જ્યારે 2026ની સીઝનમાં વૈભવે મેટ હેનરી સામે પ્રથમ બોલ પર ફોર અને બીજા બોલ પર સિક્સ મારી હતી. આમ બંને સીઝનમાં તેણે કમાલની શરૂઆત કરી હતી.