પુણે: પુણેના કોંઢવા વિસ્તારમાં બુધવારે મોડી રાતે વૉટર પ્યુરિફિકેશન પ્લાન્ટમાંથી ક્લોરિન ગેસ લીક થયા બાદ ફાયરબ્રિગેડના બે જવાન અને 22 રહેવાસીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, એમ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
ગંગાધામ વિસ્તારમાં બંધ વૉટર પ્યુરિફિકેશન પ્લાન્ટના ગોદામમાં ક્લોરિન ગેસવાળી ટાંકીમાંથી મોડી રાતે એક વાગ્યાની આસપાસ લીકેજ થયું હતું.
ટાંકીમાંથી ગેસ લીક થયા બાદ તે અન્યત્ર ફેલાયો હતો, જેને કારણે આસપાસના રહેવાસીઓએ શ્ર્વાસ લેવામાં તકલીફ થઇ રહ્યાની ફરિયાદ કરી હતી.
દરમિયાન બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આખા વિસ્તારના ખાલી કરવામાં આવ્યા બાદ જવાનોએ ટાંકીમાં જે જગ્યાએથી ગેસ લીક થતો હતો તેને સુરક્ષાનાં સાધનોનો ઉપયોગ કરીને બંધ કરી દેવામાં આવી હતી.
આ ઑપરેશન દરમિયાન 22 રહેવાસીઓ અને ફાયરબ્રિગેડના બે જવાનને શ્ર્વાસ લેવામાં તકલીફ થઇ હતી અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
ઘટનાસ્થળે અગાઉ વૉટર પ્યુરિફિકેશન પ્લાન્ટ ચલાવતી વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે એ યુનિટ બંધ કરી દીધું હતું, પણ ક્લોરિન ગેસવાળી ટાંકી પર ધ્યાન ગયું નહોતું અને તે ત્યાં જ રહી ગઇ હતી, જેેમાંથી બુધવારે મોડી રાતે ગેસ લીક થયો હતો.
શ્ર્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 22 રહેવાસી અને ફાયરબ્રિગેડના બંને જવાનની તબિયર સ્થિત છે અને સસૂન જનરલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)