લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા આયોજિત પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ગયા અઠવાડિયે શરૂ થઈ એ પહેલાંથી જ વિવાદમાં રહી છે અને લગભગ દરરોજ કોઈને કોઈ વિવાદ બનતો જ રહ્યો છે જેમાં એક બનાવને પગલે તો હદ થઈ ગઈ! ઝિમ્બાબ્વેના ઑલરાઉન્ડર સિકંદર રઝા (Raza) અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી (Afridi)એ પીએસએલનો કાયદો તોડ્યો એટલે પીસીબીએ કડક માર્ગરેખા જાહેર કરવી પડી છે.
પીએસએલની તમામ આઠ ટીમના ખેલાડીઓ જે હૉટેલ (Hotel)માં રહે છે એ હૉટલના આઠમા માળ પરની રૂમમાં થોડા દિવસ પહેલાં સિકંદર રઝાએ પોતાના કેટલાક સંબંધીઓ અને મિત્રોને બોલાવ્યા હતા. આફ્રિદી લાહોર કલંદર્સ ટીમનો કૅપ્ટન છે અને સિકંદર એ જ ટીમમાં છે. સિકંદરે કાનૂનનો ભંગ કર્યો એ બદલ કૅપ્ટન આફ્રિદીને પણ કસૂરવાર ગણવામાં આવી રહ્યો છે.
PCB
સિકંદરે એક મુલાકાતમાં કહ્યું, `હું જન્મે પાકિસ્તાની છું. ટૂર્નામેન્ટ દરમ્યાન સલામતીના કારણસર હું હૉટેલની બહાર ન જઈ શકું તો મારા નજીકના કઝિન્સને અને મિત્રોને તો બોલાવી જ શકુંને!' સિકંદરે એક ઇ-મેઇલમાં હૉટેલની રૂમમાં સંબંધીઓને આવવા દેવા બદલ ક્રિકેટ બોર્ડનો આભાર માન્યો હતો.
જોકે ક્રિકેટ બોર્ડના ધ્યાનમાં આવી છૂટ અપાઈ હોવાનું ધ્યાનમાં જ નહોતું. થોડા જ કલાકો બાદ પીસીબીએ સિકંદરના આ કાનૂનભંગને ગંભીરતાથી લઈને પીએસએલના તમામ આઠ ફ્રૅન્ચાઇઝી માટે નિયમ બનાવ્યો છે કે `હવે પછી કોઈ પણ ખેલાડી કે અધિકારી હૉટેલમાં પત્ની, માતા-પિતા, ભાઈ કે બહેનને જ મળી શકશે અને એ માટે પણ ખેલાડી-અધિકારીએ 24 કલાક પહેલાં બોર્ડની મંજૂરી માગવી પડશે. નિયમનો ભંગ થશે તો કડક પગલાં ભરાશે.'