Tue Apr 28 2026

Logo

પવાર પરિવારના ડિનરમાં સુનેત્રા અને જય ગેરહાજર: પાર્થ પવાર વીએસઆર કંપનીના વિમાનમાં જ પુણે પહોંચ્યા, અટકળોનું બજાર ગરમ

2026-04-28 21:29:02
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પવાર પરિવારના પુણેના મોદી બાગમાં આયોજિત ડિનરમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર અને તેમના પુત્ર જય પવાર ગેરહાજર રહ્યા હોવાથી રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારના તર્કવિતર્કો થઈ રહ્યા છે. 

એનસીપીમાં ભંગાણ બાદ સતત પવાર પરિવારમાં ચાલી રહેલા રાજકીય સંઘર્ષમાં અજિત પવારના નિધન બાદ થોડું અલગ વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને પરિવાર ફરી એક વખત સાથે આવી રહ્યો હોવાનું ચિત્ર ઊભું થઈ રહ્યું હતું, પરંતુ મંગળવારે પરિવારના ફેમિલી ડિનરમાં સુનેત્રા પવાર અને જય પવાર ગેરહાજર રહેતાં અનેક અટકળો લાગી રહી છે, જોકે આ ડિનરમાં અજિત પવારના જ્યેષ્ઠ પુત્ર પાર્થ પવારે હાજરી આપી હતી. 

અહીં ઉલ્લેખનીય છે કે શરદ પવાર થોડા દિવસ પહેલાં ગંભીર માંદગીમાં સપડાયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ જ કારણસર તેઓ સુનેત્રા પવાર માટે બારામતીમાં પ્રચાર પણ કરી શક્યા નહોતા. હોસ્પિટલમાંથી પાછા ફર્યા બાદ આખા પરિવાર માટે આયોજિત કરવામાં આવેલા આ ડિનરમાં રાજકીય ચર્ચા થઈ કે પછી પારિવારિક ચર્ચા થઈ હતી તે જાણવા મળ્યું નથી. 

આ ડિનરમાં શરદ પવારની સાથે, પ્રતાપરાવ પવાર, શ્રીનિવાસ પવાર, રાજેન્દ્ર પવાર, સાંસદ સુપ્રિયા સુળે, શર્મિલા પવાર, વિધાનસભ્ય રોહિત પવાર, યુગેન્દ્ર પવાર, સાંસદ પાર્થ પવાર, સદાનંદ સુળે, અભિજીત પવાર, નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર, જય પવાર જેવા બધા જ પરિવારિક સભ્યોને આમંત્રણ  આપવામાં આવ્યું હતું. શરદ પવારે પરિવારની અચાનક બેઠક બોલાવવાથી ઘણા લોકોમાં ચિંતાનો માહોલ હતો.

મળતી માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક સુપ્રિયા સુળેની પુત્રી રેવતી સુળેના લગ્ન અને ભોજન સમારંભના આયોજનની તૈૈયારી માટે બોલાવવામાં આવી હતી. જોકે, સૂત્રો કહે છે કે પવારે આ બેઠક આ સંદર્ભમાં પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવા માટે બોલાવી હતી, કારણ કે મંગળવારે અજિત

પવારના મૃત્યુને ત્રણ મહિના થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ અજિત પવારના જ્યેષ્ઠ પુત્ર પાર્થ પવાર મંગળવારે વીએસઆર કંપનીના વિમાનમાં પુણે પહોંચ્યા હતા. આ એ જ કંપનીનું વિમાન છે, જેમાં અજિત પવારનો અકસ્માત થયો હતો. એક તરફ અજિત પવારના ભત્રીજા રોહિત પવાર સતત આ કંપનીને બંધ કરવાની અને કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે, ત્યારે પાર્થ પવાર દ્વારા આ જ કંપનીના વિમાનનો ઉપયોગ કરીને રોહિત પવારની વાતનો છેદ ઉડાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

પાર્ટીના સુત્રો દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે સુનેત્રા પવાર કેટલીક બેઠકોમાં વ્યસ્ત હોવાથી પુણે જઈ શક્યા નહોતા જ્યારે જય પવાર દુબઈમાં ગયા હોવાથી પુણે પહોંચી શક્યા નહોતા.