પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક વેપારને માઠી અસર પહોંચી રહી છે, દુનિયાભરના દેશો ચિંતામાં છે. હાલમાં યુએસ અને ઈરાને તણાવ ઓછો કરવા અંગે સંકેતો આપ્યા હતાં, એવામાં અહેવાલ છે કે પાકિસ્તાન ‘શાંતિદૂત’ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અહેવાલ મુજબ, પાકિસ્તાન યુએસ-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરાવવાના પ્રયાસ કરી રહ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસ સાથે પાકિસ્તાનના સંબંધો મજબુત બન્યા છે, ઈરાન પાડોશી સાથે પણ પાકિસ્તાના સારા સંબંધો છે. બંને પક્ષો સાથે સારા સંબંધોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન મધ્યસ્થી માટે પ્રયાસ કરી રહ્યું છે.
યુએસ-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાન સાવચેતીપૂર્વક વર્તી રહ્યું છે. પાકિસ્તાને ઈરાન પર યુએસ-ઇઝરાયલના હુમલાઓ નિંદા કરી છે, સાથે સાથે પાકિસ્તાન તણાવ ઘટાડવા માટે સતત અપીલ કરતુ આવ્યું છે.
યુએસ અને ઈરાનના નેતાઓ સાથે વાતચીત:
અહેવાલ મુજબ ગઈ કાલે પાકિસ્તાન સરકારે ટ્રમ્પ વહીવટીતંત્ર અને ઈરાનના વરિષ્ઠ નેતાઓને ઇસ્લામાબાદ વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું હતું. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે રવિવારે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત પણ કરી હતી, જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાતચીત કરી હતી.
ટ્રમ્પે પાકિસ્તાનની વાત માની!
નોંધનીય છે કે ટ્રમ્પે રવિવારે ઈરાને ધમકી આપી હતી કે જો તે 48 કલાલમાં હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે તો, ઈરાનના સૌથી મોટા પાવર પ્લાન્ટને નષ્ટ કરી દેવામાં આવશે. સોમવારે ટ્રમ્પે આ ધમકી પાછી ખેંચી હતી અને હુમલાનો યોજના મોકૂફ રાખી હતી. અહેવાલ મુજબ ટ્રમ્પના આ નિર્ણય પાછળ પાકિસ્તાન સાથે થયેલી વાતચીત કારણ હોઈ શકે છે.
અમેરિકન કમાન્ડર-ઇન-ચીફે દાવો કર્યો તણાવ ઘટાડવા માટે ઈરાન સાથે વાતચીત થઇ હતી ,ત્યાર બાદ હુમલાની યોજના મોકૂફ રાખવામાં આવી હતી. જો કે આ દાવાને ઈરાને નકારી કાઢ્યો છે. જોકે, તેહરાને એ વાત સ્વીકારી છે કે કેટલાક પ્રાદેશિક દેશો મધ્યસ્થી માટે પ્રયાસ કરી રહ્યા છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન, ઇશાક ડારે ગયા અઠવાડિયે સાઉદી અરબના રિયાધમાં અરબ દેશોના વિદેશ પ્રધાનોને જણાવ્યું હતું કે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરાવવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેમણે વધુ વિગતો આપી ન હતી.
નોંધનીય કે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.