નાશિક: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ની પુણે ખંડપીઠએ નાશિક - ત્ર્યંબકેશ્વરમાં સિંહસ્થ કુંભ મેળા માટે વૃક્ષ કાપવા પર 28 એપ્રિલ સુધી રોક લગાવી દીધી છે. મંગળવારે નાશિક સ્થિત પર્યાવરણવિદ મનીષ બાવિસ્કરની અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એનજીટીએ નાશિક મહાનગરપાલિકાને 28 એપ્રિલે આગામી સુનાવણી દરમિયાન પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું.
નાશિકનાં મેયર હિમગૌરી આહેર - આડકેએ આજે જણાવ્યું હતું કે નાશિક મહાનગરપાલિકા પોતાનો પક્ષ રજૂ કરશે અને ઉમેર્યું હતું કે ભવ્ય આયોજનના ભાગરૂપે અને માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થવાને કારણે વૃક્ષો કાપવાનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો ન હતો પરંતુ તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને પર્યાવરણને અનુકૂળ પગલાં લેવામાં આવી રહ્યા છે એવો દાવો મેયરે કર્યો હતો.
આગામી કુંભ મેળા દરમિયાન લગભગ ૧૨-૧૫ કરોડ શ્રદ્ધાળુઓ નાશિક આવે એવી અપેક્ષા હોવાનો ઉલ્લેખ કરી તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'વધતી જતી ટ્રાફિક ભીડ, અકસ્માતોની સંખ્યા અને આગામી સિંહસ્થ કુંભ મેળાને ધ્યાનમાં રાખી રસ્તાઓનું વિસ્તરણ અનિવાર્ય છે અને આ કરતી વખતે વૃક્ષોના સંરક્ષણને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.'
(પીટીઆઈ)