Tue Apr 28 2026

Logo

નબળા ચોમાસાની શક્યતાને પગલે મુંબઈમાં ઉનાળામાં પાણીકાપની શક્યતા

2026-04-28 08:58:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનો જથ્થો વધુ હોવા છતાં ‘અલ-નિનો’ની અસર હેઠળ નબળા ચોમાસાની શક્યતાને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ સાવચેતીના પગલારૂપે મે મહિનાથી મુંબઈમાં પાણી-કાપ લાગુ કરવાનું આયોજન કરી રહી હોવાનું માનવામાં આવે છે. 

મુંબઈને સાત જળાશયોમાંથી પ્રતિદિન ૩,૮૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. સોમવારે સાતેય જળાશયોમાં પાણીનું સ્તર ૪,૧૬,૭૧૪ મિલ્યન લિટર (૨૮.૭૯ ટકા) હતું, તેની સરખામણીમાં ૨૦૨૫માં આ સમયે જળાશયોમાં ૩,૭૧,૩૪૦ મિલ્યન લિટર (૨૫.૬૬ટકા) અને ૨૦૨૪માં ૨,૯૩,૫૫૨ મિલ્યન લિટર (૨૦.૨૮ ટકા) હતું. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં વધુ પાણી હોવા છતાં નબળાં ચોમાસાની શકયતાને અને વરસાદનું આગમન પણ મોડું થવાની શકયતાને પગલે પાલિકા પ્રશાસન જળાશયોમાં રહેલો પાણીનો જથ્થો ઑગસ્ટ સુધી ચાલે તે પ્રકારનું આયોજન કરવામાં માગે છે અને એટલે જ મે મહિનાથી પાંચથી ૧૦ ટકા સુધીનો પાણીકાપ મૂકવા બાબતે વિચારધીન હોવાનું કહેવાય છે.

પાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જો અત્યારથી પાણીની કરકસર કરવામાં નહીં આવી તો આગામી મહિનામાં પાણીની તકલીફ થઈ શકે છે. ‘અલ-નીનો’ને કારણે જૂન, જુલાઈ અને ઑગસ્ટમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા છે અને ગરમીનું પ્રમાણ પણ વધવાની શકયતા છે અને તેને કારણે પાણીનું બાષ્પીભવન પણ વધુ થાય છે.  સામાન્ય રીતે જૂન મહિનામાં ચોમાસાના આગમન સાથે જ જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ જતી હોય છે પણ જો વરસાદ મોડો પડે તો તકલીફ થવાની શકયતાને પગલે જળાશયોનું પાણી ઑગસ્ટ સુધી ચલાવવા માટે પાણીકાપ આવશ્યક છે.

મુંબઈને પાણી પૂરં પાડનારા સાતેય જળાશયોની પાણી સંગ્રહ કરવાની કુલ ક્ષમતા ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર છે. મુંબઈને આખુ વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવો હોય તો પહેલી ઓક્ટોબરના જળાશયોમાં  ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે.