(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના દરિયાકાંઠાના સંરક્ષણ અને તેના સંવધર્ન તેમ જ તેના વિકાસ માટે સ્વતંત્ર કોસ્ટલ કમિટી બનાવવાનો પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શુક્રવારે મંજૂર કરવામાં આવ્યો હતો.ભાજપના નગરસેવિકા યોગિતા કોળી દ્વારા રજૂ કરાયેલા ઠરાવને પાલિકાની સામાન્ય સભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ સમિતિ દરિયાઈ જૈવવિવિધતાના રક્ષણ, કોળીવાડાના વિકાસ, દરિયાકાંઠાના પર્યટનને પ્રોત્સાહન અને પર્યાવરણીય નુકસાન અટકાવવા માટે પગલાં લેશે.
સામાન્ય સભામાં નગરસેવિકાએ પોતાના પ્રસ્તાવમાં માગણી કરી હતી કે મુંબઈમાં દરિયાઈ પર્યાવરણ સામે વધી રહેલા દરિયાકાંઠાના પ્રદૂષણ, અતિક્રમણ અને પડકારોને ધ્યાનમાં રાખીને એક સ્વતંત્ર તંત્ર સ્થાપવાની જરૂર છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વિકાસ કાર્યોનું આયોજન, દેખરેખ અને સંકલન કરવાની જવાબદારી આ સમિતિને સોંપવામાં આવે. આ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન નગરસેવક અંકિત પ્રભુએ દેશ અને વિદેશના દરિયાકાંઠાના શહેરોમાં સફળ મોડેલોનો અભ્યાસ કરવા અને તેમની શ્રેષ્ઠ પ્રથાઓ મુંબઈમાં લાગુ કરવાનું સૂચન કર્યું હતું.
જોકે આ ચર્ચામાં મુંબઈના ચોપાટી વિસ્તારોની સ્વચ્છતાનો મુદ્દો સામે આવ્યા હતો. કોંગ્રેસના નગરસેવક વીરેન્દ્ર ચૌધરીએ ફરિયાદ કરી હતી કે જુહુ ચોપાટી સિવાય ઘણા દરિયાકિનારા પર મોટા પ્રમાણમાં કચરો એકઠો થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલીક જગ્યાએ સફાઈ અભિયાન દરમ્યાન એકત્ર કરાયેલ કચરો અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેંકાઈ રહ્યો હોવાથી સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
નગરસેવકે ટ્યૂલિપ મિરાન્ડાએ પર્યાવરણવાદી અફરોઝ શાહના કાર્યને ટાંકીને પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે જો કોઈ વ્યક્તિ દરિયાકિનારાને સ્વચ્છ રાખી શકે છે, તો પાલિકા પ્રશાસન કેમ નહીં? સભાગૃહના નેતા ગણેશ ખાનકરે કહ્યું કે દરિયાકાંઠાની સ્વચ્છતાની સાથે, મેન્ગ્રોવ વિસ્તારોનું રક્ષણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે દરિયાકાંઠાના પૂર અને પર્યાવરણીય નુકસાનને રોકવા માટે અસરકારક તંત્ર સ્થાપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
લાંબી ચર્ચા પછી સામાન્ય સભાએ વિવિધ સભ્યોના સૂચનોને સમાવીને એક અલગ ‘કોસ્ટલ કમિટી’ સ્થાપવાનો ઠરાવ પસાર કર્યો. આ નિર્ણય મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ અને સંરક્ષણ માટે એક અલગ નીતિગત પ્લેટફોર્મ પૂરું પાડશે તેવું માનવામાં આવે છે.