Sat Sep 05 2026

Logo

માલવણીમાં ડ્રગ્સ ખરીદતી વખતે પોલીસ કોન્સ્ટેબલ પકડાયો

2026-08-12 18:22:11
Author: Yogesh D. Patel
માલવણીમાં ડ્રગ્સ ખરીદતી વખતે પોલીસ કોન્સ્ટેબલ પકડાયો

મુંબઈ: માલવણી વિસ્તારમાં મેફેડ્રોન ડ્રગ્સ ખરીદતી વખતે પોલીસ કોન્સ્ટેબલને પકડી પાડવામાં આવ્યો હતો, જેની બાદમાં ધરપકડ કરાઇ હતી. પોલીસ કોન્સ્ટેબલની ઓળખ કિરણ ઇન્દુલકર તરીકે થઇ હતી. ઇન્દુલકર હાલ જોગેશ્ર્વરી પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો.

માલવણી પોલીસ સ્ટેશનની ટીમે મળેલી માહિતીને આધારે મંગળવારે રાતના ગેટ નંબર-8 નજીક છટકું ગોઠવ્યું હતું. એ સમયે ઇન્દુલકર ત્યાં આવ્યો હતો અને તેણે ચાર ગ્રામ મેફેડ્રોનની માગણી કરી હતી. ઇન્દુલકર ડ્રગ્સના પંદર હજાર રૂપિયા ચૂકવી રહ્યો હતો ત્યારે પોલીસ ટીમે તેને તાબામાં લીધો હતો. પોલીસ ટીમ શરૂઆતમાં જાણ નહોતી કે તેમણે જે શકમંદને પકડી પાડ્યો હતી, તે એક પોલીસ કર્મચારી છે. ચકાસણી દરમિયાન તેની ઓળખ સામે આવી હતી.

મધ્ય મુંબઈના નાયગાંવમાં બીડીડી ચાલનો રહેવાસી ઇન્દુલકર અગાઉ મલાડમાં માલવણી પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો. એ સમયગાળામાં ઇન્દુલકરે ડ્રગ-પેડલિંગ નેટવર્ક સાથે સંબંધ વિકસાવ્યા હોવાની પોલીસને શંકા છે. 
સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્દુલકર વિરુદ્ધ અગાઉ ફરિયાદો મળી હતી અને તેને બે વર્ષ અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

ઇન્દુલકર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્દુલકરને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. પોલીસ હવે ડ્રગ્સના સ્રોૌત અને ઇન્દુલકરના ડ્રગ પેડલરો સાથે કથિત સંબંધ અંગે તપાસ કરી રહી છે.