Fri Apr 17 2026

Logo

રોહિત ઉદાસ, હાર્દિક ગુસ્સામાં અને બુમરાહ હતાશઃ મુંબઈ ઇન્ડિયન્સના કૅમ્પમાં બધુ ઠીક નથી

2026-04-17 17:22:44
Author: Ajay Motiwala
Article Image

IPL


મુંબઈઃ પાંચ-પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ લગભગ દરેક સીઝનમાં શરૂઆતમાં સિલસિલાબંધ મૅચો હારતી હોય છે એટલે આ વખતે ગુરુવારે સતત ચોથી મૅચ હારી ગઈ એ કોઈ નવી વાત નથી, પરંતુ ખરી વાત એ છે કે આ ટીમના કૅમ્પમાં અત્યારે ગમગીન વાતાવરણ છે તેમ જ એના ખેલાડીઓના ચહેરા પર જાત જાતના ભાવ છે. રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવા ઉપરાંત તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ છે, કૅપ્ટન હાર્દિક પંડ્યાના ચહેરા પર ક્રોધ છલકાઈ રહ્યો છે અને જસપ્રીત બુમરાહ હતાશ છે.

સૂર્યા, તિલક, બુમરાહનો દેખાવ

ક્રિકેટ ટીમમાં કોઈને કોઈ ખેલાડી નિરાશાજનક પર્ફોર્મ કરતો હોય છે અને તેને સાથીઓનો નૈતિક ટેકો મળી રહેતો હોય છે, પરંતુ આ કિસ્સામાં આખી ટીમ નિષ્ફળ જઈ રહી છે એટલે આ ટીમના અસંખ્ય ચાહકો ચિંતામાં છે. રોહિત ગુરુવારે સાથળના દુખાવાને લીધે પંજાબ કિંગ્સ સામેની મૅચમાં નહોતો રમ્યો અને સૂર્યકુમાર યાદવ ફ્લૉપ જઈ રહ્યો છે. બુમરાહને પાંચમાંથી એકેય મૅચમાં વિકેટ નથી મળી, જયારે બૅટ્સમૅન તિલક વર્મા પણ નિરાશ કરી રહ્યો છે. સૂર્યાના પાંચ મૅચના સ્કોર્સઃ 16 રન, 51 રન, 6 રન, 33 રન અને 0. તિલક વર્માના પાંચ મૅચના સ્કોર્સઃ 20 રન, 0, 14 રન, 1 રન અને 8 રન. બુમરાહ 164 રનમાં એક પણ વિકેટ નથી લઈ શક્યો.

ચારમાંથી બે હાર વાનખેડેમાં

મુંબઈની ટીમ 29મી માર્ચે કોલકાતા સામેની પ્રારંભિક મૅચ જીતી હતી, પણ ત્યાર બાદ મુંબઈનો દિલ્હી, રાજસ્થાન, બેંગ્લૂરુ અને પંજાબ સામે પરાજય થયો છે અને આ ટીમ નવમા નંબરે આવી ગઈ છે. ચારમાંથી બે પરાજય વાનખેડેના હોમ-ગ્રાઉન્ડ પર થયા છે. મુંબઈની ન તો બૅટિંગ સારી છે અને ન બોલિંગમાં કોઈ ભલીવાર છે. ફીલ્ડિંગ પણ નબળી જણાઈ છે.

2024માં રોહિતના સ્થાને હાર્દિકને મુંબઈની કૅપ્ટન્સી સોંપવામાં આવી ત્યારે ટીમના કરોડો ચાહકોએ આશા રાખી હશે કે નવા કૅપ્ટનના નેતૃત્વમાં આ ટીમ નવી ઊંચાઈઓ સર કરશે. કારણ સ્પષ્ટ હતું. 2022માં હાર્દિકના સુકાનમાં ગુજરાત ટાઇટન્સે ડેબ્યૂ સીઝનમાં જ ચૅમ્પિયનપદ મેળવ્યું અને પછીની સીઝનમાં ગુજરાતને રનર-અપ બનાવ્યું હતું એટલે ફ્રૅન્ચાઇઝીને હાર્દિકની કૅપ્ટન્સી પર પૂરો ભરોસો હતો.

કઠિન નિર્ણયો લેવા પડશેઃ હાર્દિક

2024માં મુંબઈની ટીમ છેલ્લા સ્થાન પર રહી હતી, 2025માં ગમે એમ કરીને પ્લે-ઑફ સુધી પહોંચી હતી અને 2026માં છેલ્લી સતત ચાર મૅચ હારી છે. હાર્દિકે ગુરુવારે પંજાબ સામે મુંબઈની સાત વિકેટે હાર થયા પછી મુક્ત મનથી કહ્યું, `હવે અમારી ટીમે થોડા કઠિન નિર્ણયો લેવા પડશે. દરેક ખેલાડીએ પોતાની જવાબદારી સમજવી પડશે. અમે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ એના પર ખેલાડીઓએ ખાસ ધ્યાન આપવું પડશે. શું અમે ગ્રૂપમાં રમી રહ્યા છીએ? શું પ્લાનિંગ પ્રમાણે રમીએ છીએ? આ બધી વાતો પર અમે ચર્ચા કરીશું.'

IPL

હાર્દિકનો ઇશારો કોની તરફ?

હાર્દિક (Hardik)નો ઇશારો સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા તરફ હોઈ શકે. બુમરાહ જેવો અવ્વલ દરજ્જાનો ખેલાડી પણ પાંચ મૅચમાં એક પણ વિકેટ નથી લઈ શક્યો એ પણ ટીમ માટે મોટી ચિંતા છે. અધૂરામાં પૂરું, રોહિત સાથળની ઈજાને લીધે ગુરુવારથી નથી રમી શક્યો. સ્પિન બોલિંગમાં પણ મુંબઈએ નિરાશા જોવી પડી છે. મયંક માર્કન્ડે તેનો અસલ પ્રભાવ નથી પાડી શક્યો, મિચલ સૅન્ટનર અને અલ્લાહ ગઝનફર જેવા વિદેશી સ્પિનર્સને મદદરૂપ પિચની જરૂર હોય એવું લાગે છે.

અહીં સવાલ એ છે કે શું મુંબઈએ રોહિત શર્માને કૅપ્ટનપદેથી હટાવીને ઉતાવળ કરી હતી કે શું? હાલત એવી છે કે મેદાન પર તો ટીમ નિરાશ કરી જ રહી છે, ડ્રેસિંગ-રૂમમાં પણ વાતાવરણ ઉત્સાહપ્રેરક નથી એટલે એની સીધી અસર પછીની મૅચમાં જોવા મળે છે.