238 નવી એસી લોકલ 4 વર્ષ વહેલી મળશે, 2030 સુધીમાં તમામ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈગરાઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર છે કે વધુ આધુનિક પ્રકારની એર કન્ડિશન્ડ (એસી) લોકલ ટ્રેનમાં પ્રવાસીઓને મુસાફરી કરવાનો અવસર મળશે, પરંતુ ઔર ઈંતઝારી કરવી પડશે. પશ્ચિમ રેલવેની સાથે મધ્ય રેલવેની મેઈન અને હાર્બર લાઈનમાં કુલ 238 એસી લોકલ ટ્રેન દોડાવવાની યોજના છે. અગાઉ આ યોજનામાં પ્રથમ નવી એસી લોકલ 2030માં મળવાની અને સમગ્ર ફ્લીટ 2034 સુધીમાં તૈયાર થવાની શક્યતા હતી. હવે રેલવેએ એસી રેકના ઉત્પાદનની વ્યૂહરચનામાં ફેરફાર કરીને પ્રથમ નવી એસી લોકલ 2027માં અને તમામ 238 ટ્રેન 2030 સુધીમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલે મુંબઈગરાને નવી એસી લોકલ માટે અગાઉના કરતાં ચાર વર્ષ ઓછી રાહ જોવી પડશે.
નવી એસી લોકલનું ઉત્પાદન ઝડપથી પૂર્ણ કરવા માટે હવે ત્રણ રેલવે ઉત્પાદન યુનિટમાં એકસાથે કામ કરવામાં આવશે. ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ), કપૂરથલાની રેલ કોચ ફેક્ટરી (આરસીએફ) અને રાયબરેલીની મોડર્ન કોચ ફેક્ટરી (એમસીએફ) ખાતે 238 નવી એસી લોકલ રેકનું એકસાથે ઉત્પાદન કરવામાં આવશે. અગાઉ ટેક્નોલોજી પાર્ટનર્સ મારફતે મોટા પાયે ઉત્પાદન શરૂ કરવા માટે લાંબી પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયા થવાની હતી, જેના કારણે સમય વધુ લાગવાની શક્યતા હતી. નવી વ્યૂહરચનાથી ઉત્પાદનની ગતિ વધારીને મુંબઈની વધતી રેલવે ક્ષમતા સાથે ટ્રેનોની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ 238 નવી એસી લોકલમાંથી 47 રેક એમયુટીપી-3 અને 191 રેક એમયુટીપી-3A હેઠળ બનાવવામાં આવશે. મુંબઈની ઉપનગરી રેલવેના વિસ્તરણ માટે આશરે રૂ. 22 હજાર કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત નવા રેલવે કોરિડોર, વધારાની રેલવે લાઈનો, 15 કોચની લોકલ માટે પ્લેટફોર્મનું વિસ્તરણ અને યાર્ડ રિમોડેલિંગ જેવા મહત્વપૂર્ણ કામ કરવામાં આવશે. એટલે નવી એસી લોકલની સંખ્યા વધારવાની સાથે રેલવેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિસ્તરશે, જેથી ભવિષ્યમાં વધુ સેવાઓ શરૂ કરવાનો માર્ગ મોકળો થશે.
Railway Minister Ashwini Vaishnaw confirmed the ₹19,293 crore tender for 238 AC Mumbai local rakes will be cancelled.
— Chetna Raja (@ChetnaRaja) August 12, 2026
The tender was scrapped due to delays,as the first rake would arrive only by 2030. Work will now go to ICF,MCF & RCF with the first rake targeted for 2027. 🚉 pic.twitter.com/Cl4GCwGmdh
નવી એસી લોકલમાં માત્ર ઠંડકની સુવિધા જ નહીં, પરંતુ મુસાફરોના આરામ અને સુવિધા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. હાલની સ્ટીલ સીટની જગ્યાએ નરમ અને કુશનવાળી સીટ આપવાની યોજના છે. દરેક કોચમાં હાલના 15 ટન ક્ષમતાવાળા એચવીએસી યુનિટની જગ્યાએ બે 25 ટન ક્ષમતાવાળા યુનિટ લગાવવામાં આવશે, જેથી કૂલિંગ અને વેન્ટિલેશન વધુ અસરકારક બને. દરેક સીટની નજીક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની સુવિધા પણ હશે. આ ઉપરાંત મેટ્રો જેવી પેસેન્જર ઈન્ફોર્મેશન અને ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન પણ કોચમાં લગાવવામાં આવશે. એટલે મુંબઈગરાની લોકલ હવે વધુ ઠંડી, આરામદાયક અને ટેક્નોલોજીથી સજ્જ બનવાની છે.
નવી એસી લોકલને વધુ ઝડપી બનાવવાની પણ યોજના છે. ટ્રેનની પાવર સપ્લાય ક્ષમતા હાલના 33 ટકાથી વધારીને 50 ટકા કરવાનો પ્રસ્તાવ છે, જેના કારણે ટ્રેન વધુ ઝડપથી ગતિ પકડી શકશે. એસી લોકલમાં દરવાજા ખોલવા અને બંધ કરવામાં સામાન્ય લોકલની સરખામણીએ સ્ટેશન દીઠ આશરે 15થી 20 સેકન્ડ વધુ લાગી શકે છે. જોકે, વધુ ઝડપી એક્સિલરેશનથી આ વધારાનો સમય સરભર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. નવી ટ્રેનની મહત્તમ સંભવિત ઝડપ 130 કિમી પ્રતિ કલાક સુધી રાખવાની યોજના છે, જ્યારે હાલની ઉપનગરીય ટ્રેનોની ઝડપ આશરે 100થી 110 કિમી પ્રતિ કલાક છે. વધુ ઝડપ માટે ટ્રેનના આગળના ભાગની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવાની શક્યતા છે.
મુંબઈગરા માટે આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે 2027થી નવી પેઢીની એસી લોકલ મળવાની શરૂઆત થશે અને 2030 સુધીમાં 238 નવી એસી લોકલનો સંપૂર્ણ ફ્લીટ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. જોકે, ટ્રેનોની વધતી સંખ્યા સાથે નવા કોરિડોર, વધારાની લાઈનો, પ્લેટફોર્મ વિસ્તરણ અને યાર્ડ રિમોડેલિંગ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ પણ સમયસર પૂર્ણ થવા જરૂરી છે. જો ટ્રેન ઉત્પાદન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંનેનું કામ નિર્ધારિત સમયસર આગળ વધશે, તો આગામી વર્ષોમાં મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલમાં મુસાફરીનો અનુભવ બદલાઈ શકે છે. ગરમી અને ભીડ વચ્ચે દોડતી મુંબઈની લોકલમાં હવે વધુ ઠંડક, વધુ આરામ, વધુ ટેક્નોલોજી અને વધુ ઝડપ—એટલે ખરેખર મુંબઈગરાની લોકલનો સફર થશે ‘કૂલ કૂલ’.
આ નવી એસી લોકલના સંચાલન અને જાળવણી માટે રેલવે દ્વારા ભિવપુરી અને વાંનગાવ ખાતે બે નવા મેન્ટેનન્સ શેડ પણ વિકસાવવામાં આવશે. વધતી એસી લોકલ ફ્લીટની નિયમિત સર્વિસિંગ, ટેક્નિકલ તપાસ અને મેન્ટેનન્સ માટે આ શેડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 238 નવી એસી લોકલ તબક્કાવાર મુંબઈની ઉપનગરીય રેલવેમાં સામેલ થતી જશે ત્યારે આ નવા શેડના કારણે ટ્રેનોને સમયસર મેઇન્ટેનન્સ મળી શકશે નવી ટ્રેનો સાથે મેન્ટેનન્સનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવાથી રેલવેના વિસ્તરણને વધુ મજબૂતી મળશે.અને ટૂંક સમયમાં દરેક રેક એસી દોડાવવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ મળશે.
પ્રસ્તાવિત યોજના અંગે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈની લોકલ ટ્રેન મુંબઈની લાઈફલાઈન છે. મુંબઈ માટે 238 એસી લોકલ ટ્રેન (ઈએમયુ)ને ભારત સરકારે મંજૂરી આપી છે, જેને પૂરી પાડવા માટે મુશ્કેલી આવી રહી હતી, પરંતુ એના માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સંભવિત મુશ્કેલીઓને દૂર કરવા માટે ભારત સરકારના લોકલ ટ્રેન નિર્માણ માટેના ત્રણ યુનિટમાં નિર્માણ કરવામાં આવશે, જેમાં આરસીએફ, આઈસીએફ અને એમસીએલમાં નિર્માણ કરવામાં આવશે, જેથી 2027 સુધીમાં મુંબઈમાં સૌથી પહેલી એસી લોકલ આવી શકે, એમ રેલવે પ્રધાને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એમઆરવીસીના એમયુટીપી પ્રોજેક્ટ ફેઝ ત્રણ અને ત્રણ એ અન્વયે કુલ 238 એસી લોકલ ટ્રેનનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું, જ્યારે તેની ટેન્ડર પ્રક્રિયા કુલ 20,000 કરોડ રુપિયાથી વધુ હતી. પ્રસ્તાવિત 238 એસી લોકલ ટ્રેન 47 એમયુટીપી-થ્રી અન્વયે અને 191 એમયુટીપી-થ્રી એ અંતર્ગત બનાવવામાં આવી રહી છે. નવી એસી લોકલ ટ્રેનની સ્પીડ કલાકના 130 કિલોમીટરની છે, જ્યારે આ ટ્રેનમાં આધુનિક સુવિધાઓને પણ અપગ્રેડ કરવામાં આવી છે.