ચેન્નઈ: ક્રિકેટની દુનિયાનો મહાન ખેલાડી મહેન્દ્રસિંહ ધોની (DHONI) આ રમતની સૌથી લોકપ્રિય અને સૌથી મોટી ટી-20 લીગ ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આ વખતે કદાચ છેલ્લી વખત રમતો જોવા મળશે એવી ઘણા દિવસોથી થતી ચર્ચા વચ્ચે ધોનીના કરોડો ક્રિકેટ પ્રેમીઓ માટે એક માઠાં સમાચાર મળ્યા છે કે તે આ વખતની સીઝનમાં પહેલા લગભગ અઠવાડિયા નહીં રમે.
ધોનીને પગમાં હજીયે દુખાવો છે
ધોનીને પગમાં ઈજા છે. તે આજે શરૂ થઈ રહેલી આઇપીએલની 19મી સીઝનની શરૂઆતથી જ રમવા માગતો હતો અને એ માટે તેણે પગની સારવાર સતત ચાલુ રાખી હતી, પરંતુ તેને પગમાં હજી દુખાવો ઘણો દુખાવો છે એટલે તે લગભગ 13થી 14 દિવસ તો નહીં જ રમી શકે.
સીએસકેના ફ્રેન્ચાઈઝીએ આપી પુષ્ટિ
ધોનીએ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)ને પાંચ ટાઇટલ અપાવ્યા છે. ટીમનો આ લેજન્ડ પગની ઈજામાંથી હજી પૂરેપૂરો મુક્ત નથી થયો એટલે પ્રથમ બે અઠવાડિયા નહીં રમે એ અહેવાલને સીએસકેના ફ્રેન્ચાઈઝીએ પુષ્ટિ આપી છે.
ચેન્નઈની પહેલી ચાર મૅચ કોની સામે રમાશે?
ચેન્નઈની પ્રથમ મૅચ સોમવારે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ સામે રમાવાની છે. ત્યાર બાદ પહેલા બે અઠવાડિયા દરમ્યાન ચેન્નઈની પછીની ત્રણ મૅચ અનુક્રમે પંજાબ, બેંગ્લૂરુ અને દિલ્હી સામે રમાશે. ધોની લગભગ આ ચારેય મૅચ નહીં રમે.
ધોની ઓલડેસ્ટ પ્લેયર બની શકે
ધોની 44 વર્ષનો છે અને જ્યારે તે આ વખતની સીઝનમાં પહેલી મૅચ રમશે ત્યારે આઇપીએલનો ઓલ્ડેસ્ટ પ્લેયર કહેવાશે. હાલમાં આ રેકૉર્ડ મુંબઈના લેગ સ્પિનર પ્રવીણ તાંબેના નામે છે. આઇપીએલમાં સૌથી વધુ 278 મૅચનો રેકૉર્ડ ધોનીના નામે છે. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ ત્યાર બાદ કરોડો ચાહકોની લાગણીને માન આપીને આઈપીએલમાં રમતો રહ્યો છે.
સીએસકે પાસે બીજા ત્રણ વિકેટકીપર છે
ધોની પહેલા બે અઠવાડિયા નહીં રમી શકે એનો સીએસકેને અફસોસ રહેશે, પણ આ ટીમ પાસે બીજા ત્રણ વિકેટકીપર-બૅટ્સમેન છે જેમાં સંજુ સેમસન, ઉર્વિલ પટેલ અને કાર્તિક શર્માનો સમાવેશ થાય છે.