મોરબીઃ સૌરાષ્ટ્રમાં ભાજપના મંત્રીના ભાઈ બેકાબૂ બન્યા છે. તેમણે કહ્યું કે, સરકારના મંત્રીઓના ઝભ્ભા ફાડો, 108માં ઘાલવાની તેમજ અત્યંત વિવાદિત ટિપ્પણી કરી હતી.
ભાજપના મંત્રીના ભાઈ કોણ છે અને શું છે મામલો
મોરબીના જેતપરમાં છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં વીજપોલ નાખવાને લઈ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ સક્રિય છે. આંદોલન દરમિયાન તેઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. આ દરમિયાન મોરબીની ટીંબડી ગામના પાટીયા પાસે તેમની માલિકીના ભરડીયામાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી હતી. તેમજ નોટિસ આપીને રોયલ્ટની પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું.
આ ઘટના બાદ રાકેશભાઈ અમૃતિયાએ જેતપર ગામે ખેડૂત આંદોલન છાવણીમાં પહોંચ્યા હતા અને સરકારના મંત્રીઓના ઝભ્ભા ફાડો, 108માં ઘાલો તેવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લાના પૂર્વ કલેકટર માટે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
ખનિજ વિભાગની ટીમે રવિવારે ટીંબડી ગામ પાસે આવેલા 'ડેલ્ટા સ્ટોન' ક્રશર પર જઈને દસ્તાવેજો અને સ્ટોકની તપાસ કરી હતી. આ તપાસ પછી, સોમવારે વિભાગે આ સ્ટોન ક્રશરને એક સત્તાવાર નોટિસ મોકલીને સ્ટોક અને રોયલ્ટીના જરૂરી પુરાવા તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું હતું. આ સ્ટોન ક્રશરમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈની ભાગીદારી છે. જેથી સરકાર સામે મોરચો માંડનારા વ્યક્તિના વ્યવસાયિક એકમ પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે.
ઉલ્લેખનીય છે કે, મોરબીના જેતપર ગામે વીજ લાઈન નાખતી કંપની સામે ખેડૂતો એક મહિનાથી આંદોલન કરી રહ્યા છે. આંદોલનની શરૂઆતમાં જ રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સગાભાઈ રાકેશભાઈ ઉર્ફે કારાભાઈ અમૃતિયાએ ખેડૂતોને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. તેમણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે, જેને આવવું હોય તે આવી જાય, યમરાજ પણ આવે તો પણ હું પાડો હાંકી લઈશ. મારા બાપના ગામ માટે બલિદાન આપવું પડે તો તૈયાર છું.
રાકેશભાઈએ ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે, કંપનીવાળાને કહી દીધું કે જેને આવું હોય તે આવી જાય, હવે હું કોઈને નથી મૂકવાનો, હવે યમરાજને આવું હોય તો પણ આવી જાય, પાડો હું હાંકી લઈશ. મારે કોઈ સાથે દુશ્મની નથી, મારે રાજનીતિ કરવી નથી. પણ મારે મારા બાપના ગામ માટે બલિદાન આપવું પડે તો પણ તૈયાર છું. રાકેશભાઈનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.