કોલકાતાઃ ત્રણ ટાઇટલ જીતી ચૂકેલું કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) આ વખતની સીઝનમાં ત્રણમાંથી એક પણ મૅચ નથી જીતી શક્યું અને એકમાત્ર પૉઇન્ટ વરસાદને લીધે પંજાબ સામેની મૅચ અનિર્ણીત રહેવાને લીધે મળ્યો છે, પરંતુ ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી) લખનઊ સુપર જાયન્ટ્સ સામે એણે કેમેય કરીને હોમ-ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં જીતવું જ પડશે, નહીં તો અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીવાળી આ ટીમને તળિયે જતા જરાય વાર નહીં લાગે. હાલમાં તો ચેન્નઈ 10મા સ્થાને છે.
ગુરુવારે કોલકાતાના બૅટ્સમેનોએ ખાસ કરીને તેમના જ ભૂતપૂર્વ પેસ બોલર મોહમ્મદ શમીનો સામનો કરવાનો છે. શમી હાલમાં બહુ સારા ફૉર્મમાં છે અને ભારતીય સિલેક્ટરોને પ્રભાવિત કરવા કોઈ કસર બાકી નથી રાખતો. શમી 35 વર્ષનો છે. તેનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો, પરંતુ તે વર્ષોથી પશ્ચિમ બંગાળમાં રહે છે એટલે કોલકાતા તેનું હોમ-સિટી અને ઈડન ગાર્ડન્સ તેનું હોમ-ગ્રાઉન્ડ છે. જોકે નવાઈની વાત એ છે કે તેણે હોમ-ક્રાઉડની હાજરીમાં લખનઊ (LUKHNOW)ને વિજય અપાવવાનો છે.
શમી (SHAMI)એ રવિવારે હૈદરાબાદ સામે માત્ર નવ રનમાં બે વિકેટ લીધી હતી અને એ બે વિકેટ ધમાકેદાર ઓપનિંગ કરાવી આપતા અભિષેક શર્મા (0) અને ટ્રૅવિસ હેડ (સાત રન)ની હતી. ગયા ગુરુવારે આ જ બે ઓપનરે ઈડનમાં 82 રનની ભાગીદારીથી કોલકાતા સામે હૈદરાબાદને જીતનો પાયો નાખી આપ્યો હતો.
હેડ-ટુ-હેડ મુકાબલા અને કોના પર વધુ નજર?
છેલ્લા પાંચમાંથી ત્રણ મુકાબલામાં લખનઊની અને બેમાં કોલકાતાની જીત થઈ છે. કોલકાતાને ગુરુવારે બૅટિંગમાં સૌથી વધુ મદાર અંગક્રિશ રઘુવંશી પર અને કૅપ્ટન અજિંક્ય રહાણે પર છે. લખનઊ સૌથી મોટો આધાર ફરી ફૉર્મમાં આવી ગયેલા સુકાની રિષભ પંત અને ઓપનર મિચલ માર્શ પર રાખશે. બોલિંગમાં કોલકાતાની ટીમ પેસ બોલર વૈભવ અરોરા પર અને સ્પિનર વરુણ ચક્રવર્તી પર વધુ મદાર રાખશે. એ જ રીતે, લખનઊને પેસ બોલર આવેશ ખાન અને સ્પિનર દિગ્વેશ રાઠી પાસે ઘણી અપેક્ષા છે.