Thu Jun 18 2026

Logo

બાબર માટે મોહમ્મદ આમિરનું ટીવી શૉમાં ફિક્સિંગ, ભાન થયું એટલે મત બદલી નાખ્યો

2026-03-07 12:23:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હી: 20 વર્ષ અગાઉ ઇંગ્લૅન્ડમાં સલમાન બટ સાથે મળીને સ્પૉટ ફિક્સિંગ (Fixing) કરવા બદલ સજા ભોગવી ચૂકેલા તેમ જ કરીઅર બરબાદ કરનાર પાકિસ્તાની પેસ બોલર મોહમ્મદ આમિરે (Amir) એક લાઈવ ટૉક શૉ પર બૅટ્સમૅન બાબર આઝમ (Babar Azam)ના વિષયમાં  અક્કલનું પ્રદર્શન કર્યું એ બદલ સોશિયલ મીડિયામાં તેની ખૂબ ટીકા થઈ રહી છે.

મોહમ્મદ આમિરે જે ટિપ્પણી કરી એના પરથી અંદાજ આવી જાય છે કે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં ફિક્સિંગ થવું કંઈ નવી વાત નથી લાગતી. થોડા જ દિવસમાં પીએસએલની નવી સીઝન શરૂ થવાની છે.

ટૉક શૉ દરમિયાન એક ચાહકે મોહમ્મદ આમિરને પૂછ્યું કે બાબર ઘણા સમયથી ફૉર્મમાં નથી અને ટી-20 વર્લ્ડ કપમાં પણ તે સારું નહોતો રમ્યો પણ હવે પીએસએલમાં તમે તમારી બોલિંગમાં તેને ત્રણથી ચાર ચોગ્ગા મારવા દેશો કે જેથી તેનો આત્મવિશ્વાસ પાછો આવી જાય?'
 

મોહમ્મદ આમિરે ખુલ્લેઆમ ઓફર થયેલા આ ફિક્સિંગને નકારી કાઢવાને બદલે બેવકૂફીથી જવાબ આપ્યો હતો જેમાં આમિરે એ ચાહકને વચન આપ્યું હતું.

આમિરે પાકિસ્તાનની એક જાણીતી ચેનલ પરના ટૉક શૉમાં ચાહકને જવાબમાં કહ્યું, 'ડન.. હું અમારા બંને વચ્ચેની ટક્કરમાં હારી જઈશ, બસ!'

જોકે પોતે બોલવામાં મૂર્ખાઈ કરી એનું ભાન થતાં જ આમિરે ફેરવી નાખતાં કહ્યું કે 'અરે... બાબર તો મહાન ખેલાડી છે. તે પોતે જ મારી બોલિંગમાં ત્રણ-ચાર ચોગ્ગા મારી શકે એમ છે.'

આમિરના જવાબથી સોશ્યલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો હતો અને ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન અહમદ શેહઝાદ પણ આ વિષયમાં જોડાતા આ મુદ્દો વધુ રોમાંચક બન્યો હતો, કારણકે એમાં અહમદે કહ્યું, ‘સોદો થઈ ગયો લાગે છે. મને લાગે છે કે બાબરને આમિર ઇરાદાપૂર્વક ત્રણ-ચાર ચોગ્ગા મારવા દેશે.'