- રમેશ પુરોહિત
મરિયમ ગઝાલા, યામિની વ્યાસ
આપણે કેટલીક નવોદિત અને આધુનિક કવયિત્રીઓની ગઝલની વાત ગયા સપ્તાહે શરૂ કરી હતી. આજ એ વાત ચાલુ રાખીએ. વાત જૂનાગઢની આવે ત્યારે નરસિંહ મહેતાથી મનોજ ખંડેરિયા સુધીના નામવંત કવિઓનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જૂનાગઢના ગિરનારી વાતાવરણમાં અનેક અગ્રગણ્ય ગઝલકારો મળ્યા છે. આ ગઝલમય માહોલમાં નેહા પુરોહિત ગઝલ લખી રહ્યાં છે. ગઝલની ભાષા એમને સહજ છે, ચોટ સાધવાની શક્તિ છે. જીવનની વ્યથા અને વ્યથામુક્તિ માટે કાવ્યનું શરણું એ એમનો સંદેશ છે. જેમ કે:
નાની નાની ઘટનાઓથી
ઘેરાયેલો માણસ છું.
નાની નાની છલનાઓમાં
અટવાયેલો માણસ છું.
હા, ગીતાની રચનાથી માનવ
જીવન ઉદ્ધાર્યા છે
તેમ છતાં પગ-પાનીએ
વીંધાયેલો માણસ છું.
આ હૃદય તેથી જ ધબકે છે સતત
લાગણીનું મત્સ્ય છટપટતું હશે
વિરહની વ્યથા એ જ શણગાર મારો
હથેળી ગુલાબી, નયન માંહે લાલી
એ ઘરે જેની સમીપે કોઈના
દઈ ટકોરા શૂન્યમાં રણકાર કર.
પ્રતિમા પંડયા વ્યવસાયે શિક્ષણવિદ્ છે અને ગઝલ-ગીતમાં સરખી ગતિએ કાર્યરત રહ્યાં છે. પ્રતિમાને મુંબઈ મહાનગરમાં રહેતાં હોવાથી નગર જીવનની દરેક સમતા અને વિષમતાઓનો ખ્યાલ છે. આમ છતાં એ વિષમતાને વિસારે પાડીને ગઝલમાં ‘અચરજ આંજે છે’ એમના થોડાક શેર જોઈએ:
ભલે વરસાદ તારો હો અને
આકાશ પણ તારું
છતાં તારી તરસનો વાસ
મારી બંધ મુઠ્ઠીમાં
****
કેમ મમળાવ્યા કરે ધિક્કાર ને?
એક પાસો પ્રેમનો નાખી તો જો!
તેં કરી છે ખૂબ લીલા દેવ થઈ
માણસોની અડચણો સાંખી તો જો
****
લ્યો અમે ઓવારણાં તો લઈ લીધાં હરખાઈને
ટાચકાની વેદના કેવી હશે ન્હોતી ખબર
****
આંખોમાં અચરજ આંજીને હળવે હાથે
જીવનની ઘટમાળ સોંસરા તરતા રહીએ
****
બધે છે પ્રણયની કથા કોતરેલી
છતાં મન તરસતું સનમની હવેલી
અમે જાણતા’તા દિશા સૌ સુખોની
છતાં વાટ પકડી તને જે ગમેલી.
મરયમ ‘ગઝાલા’ના નામથી અને કામથી બધા પરિચિત છે. મરિયમે સ્નાતકોત્તર અભ્યાસ કર્યો છે. ‘સાહિત્યરત્ન’ થયાં છે અને કૉલેજમાં અંગ્રેજી અને મનોવિજ્ઞાનના પ્રોફેસર રહ્યાં છે. ગઝલ નામ ‘ગઝાલા’ એટલે હરણ પરથી આવ્યાનો એક મત છે. એટલે જ મરિયમે ‘ગઝાલા’ ઉપનામ રાખ્યું છે. માતૃભાષા ગુજરાતીમાં બે ગઝલસંગ્રહો અને હિન્દીમાં એવોર્ડ વિજેતા સંગ્રહ ‘ક્ષિતિજ કી દહલીઝ’ આપ્યા છે. આ બહુશ્રુત સર્જક થાણામાં રહે છે, પણ આમ તો એમણે ગઝલમાં થાણું નાખ્યું છે. એમની કેટલીક રચના:
અમથી અમથી મુજને અકળાવે ક્ષણો
ચાલવા જાઉં ને થોભાવે ક્ષણો
ભૂલ હું કરતી રહું છું રાત-દિ’
એક સહિયર જેમ સમજાવે ક્ષણો
****
એ પણ નથી ખબર કે હું આદિ કે અંત છું
ક્યારેક એવું લાગે છે જાણે અનંત છું
બદલી સ્વરૂપમાં વિશ્ર્વમાં કાયમ રહીશ હું,
કોણે કહ્યું ‘ગઝાલા’ કે હું નાશવંત છું
પ્યારનો સાગર કહે છે સૌ ઈશ્ર્વર તને
સેંકડો સદીઓના રણની મારા કંઠે પ્યાસ છે
ઓષ્ઠ પર કિંતુ ‘ગઝાલા’ આવી પણ શકતું નથી
દિલનાં પૃષ્ઠો પર લખેલું નામ એનું ખાસ છે
સૌરાષ્ટ્રમાં કૃષ્ણની દ્વારિકામાં જન્મ અને આખું ગુજરાત કર્મભૂમિ. દ્વારિકાધીશની જેમ સચરાચરમાં વસતાં હોય એમ લાગે. ક્યારેક દેશમાં તો ક્યારેક પરદેશમાં. ગઝલનો એક સંગ્રહ આપ્યો છે. ગઝલનાં ઝીણાં ઝીણાં નકશીકામમાં નાતો રાખે છે. ભાષા સરળ છે મર્મીલી છે. નજરમાં ઊંડાણ છે અને અર્થસભરતાની ઓળખાણ છે. શાયરાની પોતાની ખુમારી છે અને તેના પર મુસ્તાક રહીને ગઝલો લખે છે. કાફિયા ગઝલ પણ લખે છે. એમની કેટલીક રચનાઓ માણીએ:
ભૂલી જા કહેવત ને એને પ્રેમ કર
આંગળીથી નખને અળગા રાખમાં
માન તું ઉપકાર શીતળ છાંયનો
લીમડાનાં પાંદડાને ચાખ મા.
રાખ ગૌરવ તારા દૃષ્ટિકોણનું
બસ ન ‘હા-હા’ કર બધાની વાતમાં.
એ ભીતરની આહ સમજે છે અધરની વાતને
કાન માંડી સાંભળે છે ભીંત ઘરની વાતને
જો સમજવાનું અબોલાથી વધારે કંઈ નથી
તો પછી અણસાર શેનો છે નજરની વાતને
આજના શાયર અને ખાસ કરીને શાયરાઓમાં એક વિશિષ્ટતા ઊડીને આંખ વળગે છે. મોટાભાગની કવયિત્રીઓ સાયન્સની શાખામાં સ્નાતક છે અને 90 ટાક સ્નાતકોત્તર પરીક્ષાઓ પાસ કરીને રિસર્ચ પણ કરે છે. જે વિદ્યાર્થીને ગણિતનું જ્ઞાન હોય અને લાગણીનું ભાન હોય તો એ સારા ગઝલકાર બની શકે છે. મોટેભાગે ડૉકટરો કાં તો ગઝલ લખે છે અથવા સુખનફેમ હોય છે. આવી જ એક શાયરા યામિની વ્યાસની વાત કરવી છે.
ડૉક્ટર પિતાની પુત્રી માઇક્રો બાયોલૉજીમાં બી.એસ.સી થાય છે. ઘર જેવા ઘરને સંભાળે છે અને ‘ફૂલ પર ઝાકળના પત્રો’ ગઝલસંગ્રહ આપે છે. ગઝલ ઉપરાંત સાહિત્યના અને કવિતાના અન્ય પ્રકારોમાં એની ગતિ છે. કવિ જેમ વધારે વાંચે અને વધારે વિચારે એમ એમ તેમની રચનાઓમાં સર્જકતાના સ્ફુલ્લિંગ દેખાય છે. યામિની વ્યાસની ગઝલોના શેર જોઈએ.
તમારી આંખોની હરકત નથી ને?
ફરી આ નવી કોઈ આફત નથી ને?
વહેરે છે અમને તો આખા ને આખા
એ પાંપણની વચમાં જ કરવત નથી ને?
સામ સામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીઢંળ વગર,
આમ ધુમાડા વિના દુણાય શું?
મન સળગતું હોય છે દાવાનળ વગર.
રૂપા ભટ્ટ હિંમતનગરની આટર્સ કૉલેજમાં પ્રાધ્યાપક છે. સાહિત્યમાં પીએચડી કર્યું છે. ‘ચાલ નખને અણી કાઢીએ’ કવિતાસંગ્રહ પ્રકાશિત કર્યો છે. ત્યાર પછી તરસને તરતી મેલો ‘ગઝલસંગ્રહ 2005માં આપ્યો છે. ગીત અને ગઝલમાં સરખી ગતિ છે. થોડીક રચનાઓ જોઈએ:
આભ તારી યાદનું વરસે નહીં
એક વાદળનું મને હોવું ગમે
‘આવશે’ની શક્યતા હોતી નથી
તોય અટકળનું મને હોવું ગમે
ચાલ નખને અણી કાઢીએ રાતભર આપણે
સ્પર્શ કિલ્લા ચણી કાઢીએ રાતભર આપણે.
ટેરવે નખ લાલ પીળા સંભવે
કાચઘરમાં રોજ ઇચ્છા ઉદ્ભવે
બારસાખેે દૃશ્ય ટિંગાયા કરે
ઓરડો વીત્યા પ્રસંગો ઊજવે
રેખા કિંગર ‘રોશની’ તખલ્લુસથી લખે છે. અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં કાવ્યપ્રીતિની જ્યોત જલાવીને બેઠાં છે. વ્યવસાયે વકીલ છે. યોગ શિક્ષક છે અને ટૅક્સ ક્ધસલ્ટન્સી કરે છે. ઉર્દૂ- હિન્દી સાપ્તાહિક ‘શીલા’ના મૅનેજિંગ ડાયરેક્ટર છે. થોડીક રચનાઓ માણીએ:
સાવ સામે, સાવ પાસે, તું સદેહે હો છતાં
દૂરતાના ભાસ અમને લઈ ડૂબ્યા વરસાદમાં
તેં કરી ચોમેર અનરાધાર લહાણી પ્રેમની
ને અમે તો સાવ કોરા કટ રડયા વરસાદમાં
રોજ ફંટાતી રહે, મળતી રહે
જિંદગાની પણ સતત છળતી રહે
કેટલાં મહોરાં બદલતી જિંદગી
એકસરખી ક્યાં કદી મળતી રહે.
નથી જિંદગાનીથી કોઈ શિકાયત
મને દોસ્ત, જખ્મોની આદત પડી છે
ગળે હોય ડુમો, અધર પર મલાજો
આ અંતરવ્યથા મારે કોઠે પડી છે
વર્ષા બારોટ ઉત્તર ગુજરાતના ઝેરડાનગરમાં સાડી સેન્ટર અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. પણ આરાધના કવિતાના શબ્દ સૌન્દર્યની કરે છે. મનમાં અનેક પ્રશ્નો રમતા રહે અને એ ગઝલની પંક્તિઓમાં ઉઘડ્યા કરે. કવિતા પદાર્થની સમજણ અને આગળ વધવાની હોંશ અને હામ છે. કેટલીક રચનાઓ જોઈએ:
જે આંગળીથી નામ મારું તેં લખ્યું’તું રેત પર
એ રેતના આકારમાં શોધ્યા કરું છું હું તને
અળગાપણાના ભારથી તૂટી ગયો છે શ્ર્વાસ પણ
કોના હવે આધારમાં શોધ્યા કરું છું હું મને?
બની શમણાં અચાનક આવવું તારું
નયનને હોય છે અવસર હકીકતમાં!
લખોટી ને રમકડાંથી બધી વાતે
હતા બચપણ મહીં પગભર હકીકતમાં!
મોકલ લખી તારા હૃદયનાં સ્પંદનો
લે, હાતમાં કોરો ધરું કાગળ તને
આ બોલકો સ્વભાવ મારો મૌન થઈ
જોજે કરી મૂકશે કદી વિહવળ તને