Sat Sep 05 2026

Logo

મીરા-ભાયંદરમાં હાઉસિંગ સોસાયટીઓમાં બકરાંની 'કુરબાની' પર પ્રતિબંધ, નિયમ તોડવા પર ભારે દંડ

2026-08-21 20:11:44
Author: Mumbai Samachar Team
મીરા-ભાયંદરમાં હાઉસિંગ સોસાયટીઓમાં બકરાંની 'કુરબાની' પર પ્રતિબંધ, નિયમ તોડવા પર ભારે દંડ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ હાઉસિંગ સોસાયટી, ઘર, દુકાન અને જાહેર રસ્તાઓ પર બકરા રાખવા તેમ જ તેની કુરબાની કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.  મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવતી આ મહાનગરપાલિકામાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) શાસિત બોર્ડે મંગળવારે આ અંગેનો ઠરાવ પસાર કર્યો હતો.

પાલિકાના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ ધાર્મિક પ્રસંગો દરમિયાન રહેવાસીઓ વચ્ચે વારંવાર થતા વિવાદોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે ચાર મહિના પહેલા મીરા રોડની એક હાઉસિંગ સોસાયટીમાં કુરબાની માટે 40થી 50 બકરા લાવવામાં આવતા કોમી-તણાવ ફેલાયો હતો. આ ઘટના બાદ હિન્દુત્વવાદી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે પાલિકા પ્રશાસને બકરાઓ માટે બનાવવામાં આવેલો કામચલાઉ શેડ તોડી પાડ્યો હતો.

આ પ્રતિબંધ ઉપરાંત ઠરાવમાં માંસ વેચાણના વ્યવસાય માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. તમામ માંસ વિક્રેતાઓએ પાલિકા પાસેથી એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લેવું ફરજિયાત રહેશે. એનઓસી વગર અથવા ખુલ્લી જગ્યામાં માંસ વેચવા પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

 વિક્રેતાઓને રસ્તા પરથી આવતા જતા દેખાય તે રીતે માંસ અથવા પ્રાણીના અંગોનું પ્રદર્શન કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દુકાનોમાં ફ્રોસ્ટેડ અથવા ટિન્ટેડ કાચ લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે. પહેલા ઉલ્લંઘન પર 25 હજારનો દંડ અને વારંવાર નિયમ તોડવા પર કાયમી ધોરણે લાઇસન્સ રદ કરવા સાથે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે.

આ સાથે જ પાલિકાએ જાહેર રસ્તા, ચોક, શાળા, હોસ્પિટલ અને રમતના મેદાનોમાં રખડતા ઢોરોને ખવડાવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. હવે ફક્ત પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા ઝોનમાં જ રખડતા ઢોરોને ભોજન આપી શકાશે તેમ જ એનઓસી હશે તો જ કુરબાની આપી શકાશે.