Fri Apr 17 2026

Logo

ઑરેન્જ અલર્ટ! આજની મુંબઈ-રાજસ્થાન મૅચમાં પણ મેઘરાજા મજા બગાડી શકે

2026-04-07 18:53:22
Author: Ajay Motiwala
Article Image

IPL 2026


વૈભવે ક્યારેય બુમરાહનો સામનો નથી કર્યો, આજે પહેલી વાર સામસામે

ગુવાહાટીઃ ચોમાસાના મહિનાઓથી મુક્ત રાખવા આઇપીએલની મૅચો માર્ચ-મે દરમ્યાન રાખવામાં આવે છે, પણ મેઘરાજા બે દિવસથી આ સમયગાળામાં પણ ક્રિકેટરોને પરેશાન કરવાનું નથી છોડતા, કારણકે સોમવારે કોલકાતામાં કોલકાતા-પંજાબ વચ્ચેની મૅચ માત્ર 3.4 ઓવરની રમત બાદ સદંતર ધોવાઈ ગઈ ત્યાર બાદ હવે આજે આસામના ગુવાહાટી શહેરમાં રમાનારી મૅચમાં પણ વરસાદ (Rain) પડવાની સંભાવના છે.

ગુવાહાટી (Guwahati)ના બરસાપારા સ્ટેડિયમમાં બન્ને ટીમના ખેલાડીઓ ભરપૂર પ્રૅક્ટિસ બાદ રમવા ઊતરશે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પહેલી જ વખત આ સ્ટેડિયમમાં રમવાની છે. વેધશાળાની આગાહી મુજબ આજે (સાંજે 7.30 વાગ્યાથી) શહેરમાં ઑરેન્જ અલર્ટ છે જેમાં સાધારણ વરસાદ પડવાની સંભાવના છે. રાજસ્થાન રૉયલ્સનો સુકાની રિયાન પરાગ ગુવાહાટી શહેરનો જ છે અને મેઘરાજાને કારણે નિરાશ ન થવું પડે એવી પ્રાર્થના તે કરી રહ્યો હશે.

રાજસ્થાન (Rajasthan)ની ટીમ ચેન્નઈને આઠ વિકેટે અને ગુજરાતને છ રનથી હરાવ્યા બાદ હવે મુંબઈ સામે રમવાની છે. બીજી તરફ, મુંબઈએ 29મી માર્ચે વાનખેડેમાં કોલકાતાને છ વિકેટે હરાવ્યા બાદ દિલ્હી સામે છ વિકેટે પરાજય જોવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજે રાજસ્થાનના લોકલાડીલા ઓપનર વૈભવ સૂર્યવંશી અને મુંબઈના મહારથી જસપ્રીત બુમરાહ વચ્ચેની ટક્કર જોવા મળી શકે. 15 વર્ષના વૈભવે પ્રોફેશનલ ક્રિકેટમાં ક્યારેય બુમરાહનો સામનો નથી કર્યો. વૈભવ ધમાકેદાર શરૂઆત ન કરી શકે એ હેતુથી બુમરાહને પહેલી ઓવર અપાશે તો નવાઈ નહીં લાગે.

હાર્દિક પંડ્યા ઈજામુક્ત થઈને આ મૅચમાં રમશે એવી પુષ્ટિ મુંબઈની ટીમના બોલિંગ-કોચ પારસ મ્હામ્બે્રએ આપી હતી.

બન્નેની સંભવિત ટીમઃ

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, શેરફેન રુધરફર્ડ, શાર્દુલ ઠાકુર, મિચલ સૅન્ટનર, ટ્રેન્ટ બૉલ્ટ, જસપ્રીત બુમરાહ અને (12મો પ્લેયર) મયંક માર્કન્ડે/અશ્વની કુમાર.

રાજસ્થાનઃ રિયાન પરાગ (કૅપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, શિમરૉન હેટમાયર, ડૉનોવાન ફરેરા, રવીન્દ્ર જાડેજા, નેન્ડ્રે બર્ગર, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે અને (12મો પ્લેયર) સંદીપ શર્મા.