Thu Jun 18 2026

Logo

નવજાત પુત્રને મળી આવ્યા બાદ સેમિ ફાઇનલ રમવાનું મને ખૂબ ગમ્યુંઃ કિવી બોલર મૅટ હેન્રી

2026-03-05 16:45:16
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ બુધવારે ન્યૂ ઝીલૅન્ડ ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલને વન-સાઇડેડ બનાવીને જીતી જશે અને સાઉથ આફ્રિકા સાવ પાણીમાં બેસી જશે એવું કોઈએ ધાર્યું નહોતું અને એ અનોખા મુકાબલામાં કિવી ઓપનર ફિન ઍલનનો તો રેકૉર્ડ-બે્રક પર્ફોર્મન્સ હતો જ, ફાસ્ટ બોલર મૅટ હેન્રીનો પણ ફાળો હતો અને એ યોગદાન તે નવજાત પુત્રને મળી આવ્યા બાદ આવેલા આત્મવિશ્વાસને કારણે આપી શક્યો હતો. રવિવારે અમદાવાદની ફાઇનલમાં પણ 34 વર્ષીય મૅટ હેન્રીની બોલિંગ પાવર પર સૌની નજર રહેશે. 

મૅટ હેન્રીએ 34 રનમાં બે વિકેટ લીધી હતી અને સાઉથ આફ્રિકાને 8/169 સુધી સીમિત રખાવવામાં ભૂમિકા ભજવી હતી. તેણે બે બૉલમાં બે વિકેટ લીધી હતી. ટી-20 મૅચમાં પાવરપ્લેની શરૂઆતની ઓવર્સ તેમ જ 20મી ઓવર ખૂબ મહત્ત્વની હોય છે અને સાઉથ આફ્રિકાની ઇનિંગ્સમાં પહેલી ત્રણમાંથી બે ઓવર મૅટ હેન્રીએ કરી હતી જેમાં ફક્ત 13 રન બન્યા હતા. એ રીતે, માર્કરમની ટીમને તેણે શરૂઆતથી કાબૂમાં રહેવાની ફરજ પાડી હતી. 20મી ઓવર હેન્રીએ કરી હતી જેમાં તેણે ઉપરાઉપરી બે વિકેટ લીધી હતી અને એ ઓવરમાં માત્ર છ રન થઈ શક્યા હતા.

નવાઈની વાત એ છે કે મૂળ ક્રાઇસ્ટચર્ચનો હેન્રી 27મી ફેબ્રુઆરીએ કોલંબોમાં ઇંગ્લૅન્ડ સામેની સુપર-એઇટ મૅચ રમ્યો હતો જેમાં તેણે ઓપનર ફિલ સૉલ્ટ (બે રન)ની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. એ મૅચ બાદ તે સ્વદેશ પાછો ગયો હતો. તેની પત્ની હૉલી બીજા સંતાનને જન્મ આપવાની હોવાથી હેન્રી તેની પડખે રહેવા માગતો હતો. હૉલીએ પુત્રને જન્મ આપ્યો જેનું નામ જૅક રાખવામાં આવ્યું અને હેન્રી પુત્ર જૅક (son Jack) સાથે થોડા કલાકો વીતાવ્યા બાદ (ભારતમાં હોળી-ધુળેટીના તહેવાર પહેલાં) પાછો આવી ગયો હતો અને કોલકાતામાં સાઉથ આફ્રિકા સામેની સેમિ ફાઇનલના કલાકો પહેલાં જ કિવી ટીમ સાથે જોડાઈ ગયા બાદ મૅચમાં રમ્યો હતો.

મૅટ હેન્રી (Matt Henry)એ ગુરુવારના યાદગાર વિજય બાદ પત્રકારોને કહ્યું, `હું થોડા દિવસ માટે સ્વદેશ પાછો ગયો એ મને ખૂબ ગમ્યું. નવજાત પુત્ર જૅકને મળીને અને તેને રમાડીને મને ખૂબ આનંદ થયો. મારી પત્ની હૉલીની તબિયત સારી છે. અમારી પુત્રી ઍનાબેલ તો નાના ભાઈ જૅકના આવવાથી બેહદ ખુશ છે. હું ઘરે જઈને પરિવારને મળી આવ્યો એ બહુ સારું થયું. મને ખૂબ ગમ્યું. ખરું કહું તો જૅકને મળી આવ્યા બાદ સેમિ ફાઇનલમાં પર્ફોર્મ કરવાની મને મજા પડી ગઈ. હવે અમે ફાઇનલ રમવાના છીએ એટલે અમે બધા (હું અને સાથી ખેલાડીઓ) ખૂબ રોમાંચિત છીએ.'