Sat May 30 2026

Logo

હિલ સ્ટેશનોમાં ઠંડક તો મળી, પણ ટ્રાફિક જામે મુશ્કેલી વધારી! 1 કલાકના રૂટમાં 8 કલાક લાગ્યા

2026-05-30 19:04:06
Author: mumbai samachar team
Article Image

નૈનિતાલઃ ઉત્તર ભારતના મેદાની પ્રદેશ આસપાસ આવેલા શહેરોમાં ભારે ગરમીને કારણે નાગરિકો અકળાઈ ગયા છે. દેશના અનેક એવા મહાનગરમાં તાપમાન 45 ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે. દિવસ દરમિયાન તાપ અને બપોર બાદ બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. એવામાં વીકએન્ડમાં ઠંડકનો અહેસાસ કરવા અને ગરમીમાંથી થોડી રાહત માટે મોટી સંખ્યામાં લોકો પહાડી વિસ્તાર તરફ દોડી ગયા છે. હિમાચલ પ્રદેશના મનાલી અને રોહતાંગથી લઈને નૈનિતાલ, બદ્રીનાથ, હેમકુંડ સાહેબ, ઔલી, જોશીમઠ તથા ચોપતામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા છે. તીર્થયાત્રીઓની સાથે આ પ્રવાસીઓની ભીડ એકઠી થઈ જતા રસ્તા પર લાંબા અંતર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. 

15 દિવસથી પ્રવાસીઓની ભીડ વધી
પહાડી પ્રદેશમાં ગરમીનો એટલો તીવ્ર અહેસાસ થતો નથી. એવામાં હળવા વરસાદને કારણે તાપમાન નીચું ઊતરી ગયું છે. કેટલાક પહાડી પ્રદેશમાં તો કરા પડ્યા છે. આ કારણે લોકો ઠંડકનો અહેસાસ કરવા માટે હિલ સ્ટેશન ગણાતી જગ્યાઓ પર વીકએન્ડ માણવા માટે નીકળી જાય છે. આ કારણે રસ્તા પર લાંબા અંતર સુધી ટ્રાફિક જામ થઈ જાય છે અને ટ્રાફિક જામને કારણે નજીવું અંતર કાપવા કલાકોનો સમય વેડફાય છે, જોકે વધી રહેલી ભીડને ધ્યાને લઈને વહીવટી તંત્ર તરફથી પણ પગલાં લેવાઈ રહ્યા છે. અનેક એવા પર્યટન સ્થળ જેવા કે, નૈનિતાલ, મનાલીમાં હોટેલ હાઉસફૂલ થઈ ચૂકી છે. પહાડી વિસ્તારમાં પાર્કિંગ માટે જગ્યા નથી. પર્યટન વિસ્તારને જોડતા હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં છેલ્લા 15 દિવસથી પ્રવાસીઓની ભીડ વધી છે. ખાસ કરીને મે મહિનાના દરેક વીકએન્ડમાં ખૂબ જ ભીડ રહી છે. 

બરફ જોવા માટે ખાસ આવે છે લોકો
મનાલીના આસપાસના દરેક વિસ્તારમાં આ વખતે સારી એવી હિમવર્ષા થઈ છે. અનેક એવા લોકો અહીંયા હિમવર્ષા માણવા અને બરફ જોવા માટે આવે છે. રોહતાંગના આસપાસના વિસ્તારમાં ઘણા પોઈન્ટ પર બરફ જોવા મળ્યો છે. આ કારણે આ જગ્યા લોકોને આકર્ષી રહી છે. સમુદ્રની સપાટીથી 13 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત રોહતાંગ પાસમાં હજુ ઘણી જગ્યાઓ બરફથી ઢંકાયેલી છે. પણ ભીડના કારણે મનાલી-રોહતાંગ હાઈવે પર અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો છે. શનિવારે સવારે 5થી 8 કિમી લાંબો ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને લાંબા સમય સુધી બેસી રહેવું પડ્યું હતુ. સવારે 6 વાગ્યે મનાલીથી નીકળેલા પ્રવાસીઓ બપોરે 3 વાગ્યા આસપાસ રોહતાંગ પહોંચ્યા હતા. સામાન્ય રીતે 50 કિમીનો આ રસ્તો કાપતા 1.45 મિનિટ થાય છે પણ શનિવારે 50 કિમીનું આ અંતર કાપતા આશરે 8 કલાકનો સમય લાગ્યો, કારણ કે રસ્તાઓ વળાંક-ઢોળાવ વાળા છે જ્યાં ટ્રાફિક જામ થતા વાહનો આગળ વધી શક્યા નહીં. 

4 કલાક સુધી હાઈવે પર ફસાયા
પ્રવાસીઓએ પોતાની વાત કરતા કહ્યું હતું કે, ટ્રાફિક જામને કારણે 4 કલાક હાઈવે પર ફસાયા હતા. કૉલાકાતથી આવેલા એક પ્રવાસીએ કહ્યું કે, જે તે જિલ્લાના વહીવટી તંત્રએ આ સીઝનમાં ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવું જોઈએ, કારણ કે નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકોને કારણે ટ્રાફિક જામ થાય છે અને પછી એ વધી જાય છે. પ્રવાસ સાથે જોડાયેલા એક સ્થાનિકે ત્યાં સુધી કહ્યું કે,પહાડી વિસ્તારમાં પૂરતી પાર્કિંગ વ્યવસ્થા નથી. આ કારણે પ્રવાસીઓ જે પોતાનું વાહન લઈને આવે છે એ રસ્તાના કિનારે ગાડી પાર્ક કરીને જતા રહે છે. આ કારણે અન્ય ટ્રાફિક વધી જાય છે. ટ્રાફિક જામ થાય ત્યારે સ્થિતિ ગંભીર થઈ જાય છે. પાયાની કેટલીક સુવિધા જેમ કે, પાણી, શૌચાલય અને બોર્ડ જેવી વસ્તુઓ સરકાર પ્રાપ્ય કરાવે તો રાહત મળી રહે. 

હોટેલ હાઉસફૂલ
નૈનિતાલમાં પ્રવાસીઓની વીકએન્ડ પર સૌથી વધારે ભીડ રહે છે. પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હોય એવું ચિત્ર આ વખતે શનિવાર-રવિવારે જોવા મળ્યું છે. માલ રોડ, સ્નો વ્યૂ, કેવ ગાર્ડન અને ભીમતાલ રોજ પર પગ મૂકવાની જગ્યાઓ નથી. ખાસ કરીને નૈની લેક પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. સવારથી લઈને મોડી રાત સુધી મોલ રોલ પર પ્રવાસીઓની અને ખાસ કરીને યુવાવર્ગની ભારે ચહલપહલ જોવા મળી રહી છે. હોટેલ, ગેસ્ટહાઉસ અને ડોરમેટરી જેવી રોકાણ માટેની સુવિધાઓ અત્યારે અહીંયા હાઉસફૂલ છે. ઠંડું વાતાવરણ, પહાડી વિસ્તાર અને સારી રોડ ક્નેક્ટિવિટીને કારણે પ્રવાસીઓ હવે નૈનિતાલને પસંદ કરતા થયા છે. આનો સીધો ફાયદો સ્થાનિકોને થઈ રહ્યો છે. એમના વેપારમાં વૃદ્ધિ થાય છે અને બીજા સ્થાનિકોને રોજગારી મળી રહે છે. પણ ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો રાત્રે એન્ટ્રી લેતા પહેલા વિચાર કરે છે. માલ રોલ, ભવાલી રોડ, કાલાઢુંગી રોડ, ભીમતાલ હાઈવે જેવા રસ્તા પર ટ્રાફિકજામ એકવાર થયા બાદ લાંબા સમય સુધી રહે છે.