હૈદરાબાદઃ રવિવારે અહીં પેસ બોલર મોહમ્મદ શમી (4-0-9-2)ના જાદુઈ બોલિંગ પર્ફોર્મન્સ બાદ રિષભ પંતે (68 અણનમ, 50 બૉલ, 83 મિનિટ, નવ ફોર) વનડાઉનમાં કૅપ્ટન્સ ઇનિંગ્સ રમીને લખનઊ સુપર જાયન્ટ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલધડક અને રોમાંચક વિજય અપાવ્યો હતો અને એ સાથે લખનઊએ આ વખતની આઇપીએલમાં બે પૉઇન્ટ સાથે ખાતું ખોલાવ્યું છે. હૈદરાબાદની ઇનિંગ્સમાં શરૂઆતમાં જ બે મોટા ગાબડાં પાડનાર શમીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
હૈદરાબાદે બૅટિંગ મળ્યા બાદ નવ વિકેટે ફક્ત 156 રન કર્યા હતા જેના જવાબમાં લખનઊએ 19.5 ઓવરમાં પાંચ વિકેટે 160 રન કરીને પાંચ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. આ જીતમાં ઓપનર એઇડન માર્કરમ (45 રન, 27 બૉલ, બે સિક્સર, છ ફોર)ની પણ મહત્ત્વની ભૂમિકા હતી. તેણે મિચલ માર્શ (12 બૉલમાં 14 રન) સાથે 37 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કર્યા પછી પંત સાથે બીજી વિકેટ માટે 40 રનની પાર્ટનરશિપ કરી હતી અને 77 રનના કુલ સ્કોર પર માર્કરમની વિકેટ બાદ પંતે એ સારી શરૂઆતના જોરે પછીથી ખૂબ જ જવાબદારીપૂર્વક રમીને તેમ જ બીજી ચાર નાની-મોટી ભાગીદારીની મદદથી લખનઊને જિતાડ્યું હતું. આયુષ બદોની 12 રન અને અબ્દુલ સમદ 16 રન કરી શક્યો હતો, પરંતુ બન્નેએ પંતને સારો સાથ આપ્યો હતો. છેલ્લે મુકુલ ચૌધરી (બે અણનમ) પંત (Rishabh Pant) સાથે છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો.
હૈદરાબાદના હર્ષ દુબેને બે તેમ જ એશાન મલિન્ગા અને શિવાંગ કુમારને એક-એક વિકેટ મળી હતી. ત્રણ પેસ બોલર જયદેવ ઉનડકટ, હર્ષલ પટેલ અને નીતીશ રેડ્ડી વિકેટ નહોતા લઈ શક્યા.
એ પહેલાં, હૈદરાબાદે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ અત્યંત ખરાબ શરૂઆત કર્યા પછી છેવટે 20 ઓવરમાં 9/156નો સાધારણ નોંધાવીને લખનઊને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મોહમ્મદ શમી (Shami)એ ટ્રૅવિસ (સાત રન) અને અભિષેક શર્મા (0)ને સાવ સસ્તામાં પૅવિલિયન ભેગા કરીને સનસનાટી મચાવી દીધી હતી અને ભારતીય સિલેક્ટરોને વિચારતા કરી જ દીધા હશે. કૅપ્ટન ઇશાન કિશન (એક રન)ની વિકેટ પ્રિન્સ યાદવે લીધી હતી.
હિન્રિક ક્લાસેન (62 રન, 41 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને નીતીશ કુમાર રેડ્ડી (56 રન, 33 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)ની જોડીએ પાંચમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરીને હૈદરાબાદની આબરૂ સાચવી લીધી હતી. શરૂઆતમાં હૈદરાબાદે ફક્ત 26 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ક્લાસેન-નીતીશની જોડીએ પાંચમી વિકેટ સુધીમાં 18મી ઓવરમાં સ્કોર 142 રન સુધી પહોંચાડી દીધો હતો. લિવિંગસ્ટનના 14 રનને બાદ કરતા બીજા પાંચ બૅટ્સમેનના સિંગલ ડિજિટમાં રન હતા અને અભિષેક શર્મા તથા હર્ષ દુબેના નામે ઝીરો હતો. લખનઊના મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને આવેશ ખાને બે-બે વિકેટ તેમ જ દિગ્વેશ રાઠી તથા એમ. સિદ્ધાર્થે એક-એક વિકેટ મેળવી હતી. હવે હૈદરાબાદના બોલર્સ જયદેવ ઉનડકટ, હર્ષલ પટેલ, શિવાંગ કુમાર વગેરેની કસોટી થશે.