મુંબઈઃ એક સમય હતો જ્યારે શ્રીલંકાના યૉર્કર સ્પેશ્યાલિસ્ટ ફાસ્ટ બોલર લસિથ મલિન્ગા (Lasith Malinga) વિશે દુનિયાભરના બૅટ્સમેનોના મનમાં ખોફ હતો અને એ અરસામાં રિલીઝ થયેલી બૉલિવૂડ ફિલ્મ `આશિકી-ટૂ'નું ગીત `તુમ હી હો...' મલિન્ગા માટે જો કોઈએ ગાયું હોત તો એ અસ્થાને ન ગણાત, પરંતુ યોગાનુયોગ એવો છે કે ખુદ મલિન્ગાએ આ અઠવાડિયે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) ટીમની એક ઇવેન્ટમાં ગિટાર (Guitar) પર આ જ ગીતની ધૂન વગાડીને સૌને ખુશ કરી દીધા હતા.
Wow, Lasith Malinga plays the guitar really well along with bowling great yorkers. He is playing the tune of "Tum Hi Ho."👌🏼💙 pic.twitter.com/Ut2dhkUJZE
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 24, 2026
ભૂતપૂર્વ રાઇટ-હૅન્ડ ફાસ્ટ બોલર મલિન્ગા હાલમાં મુંબઈ ઇન્ડિન્સની ટીમનો બોલિંગ-કોચ છે. કાતિલ બોલિંગમાં સતતપણે કલાકે 140થી 150 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકનાર મલિન્ગાએ ગિટારના સ્ટ્રિંગ્સ પર જે રીતે કાબૂ રાખ્યો હતો અને આદિત્ય રૉય કપૂર તથા શ્રદ્ધા કપૂરના અભિનયવાળી આ ફિલ્મના લોકપ્રિય ગીતની ધૂન વગાડતો હતો એ જોઈને ટીમના તમામ ખેલાડીઓ તેમ જ ઇવેન્ટમાં હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
એક સમયે મલિન્ગા ક્રિકેટની દુનિયાનો નંબર-વન બોલર ગણાતો હતો. તેણે 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 550 વિકેટ અને આઇપીએલમાં કુલ 170 વિકેટ લીધી હતી. તેણે એમઆઇની ઇવેન્ટમાં સાબિત કર્યું કે તે વર્ષો સુધી ઝંઝાવાતી બોલિંગ કર્યા પછી હવે મગજ પર ગજબનો અંકુશ રાખીને ગિટાર ખૂબ સારી રીતે વગાડી જાણે છે. તેની આ નવી કળા બદલ સોશ્યલ મીડિયામાં ચાહકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકો મલિન્ગાને ગિટાર સાથે જોઈને નવાઈ પામ્યા છે.
મલિન્ગા ક્રિકેટની શાનદાર કરીઅર પછી હવે આઇપીએલ સહિતની ટી-20 લીગ ટૂર્નામેન્ટોમાં બોલિંગ-કોચ તરીકેની જવાબદારી પૂરી કરવા ઉપરાંત ફુરસદના સમયે ગીત-લેખન તથા ગીતોની ધૂન તૈયાર કરવાના શોખ પણ પૂરા કરે છે.