(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લામાં ભરરસ્તે ગોળીબાર અને ચાકુના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. સપ્તાહ પહેલાં થયેલા વિવાદમાં આ હત્યા થઈ હોવાનો દાવો કરનારી પોલીસે 12 કલાકમાં જ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
વિનોબા ભાવે નગર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અભિજિત કિશોર જાધવ, દિનેશ પવાર અને શુભમ ગાડગે તરીકે થઈ હતી. ત્રણેય આરોપી ઘટનાસ્થળથી થોડે જ આગળ બ્લૉક નંબર-2માં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ કુર્લા પશ્ર્ચિમમાં માકડવાલા કમ્પાઉન્ડ બ્લૉક નંબર-3 નજીક બુધવારની રાતે 10.15 વાગ્યાની આસપાસ બાબા મલપ્પા પવાર (39)ની હત્યા કરવામાં આવી હતી. હલાવપુલ પાસે રહેતો પવાર મુંબઈ મહાનગરપાલિકાની કચરા ગાડી પર કામ કરતો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે 23 એપ્રિલે પવારના એક સગા શેખરનો ઝઘડો આરોપી સાથે થયો હતો. તે સમયે વિવાદમાં પવારે મધ્યસ્થી કરી હતી. આ વાતનો રોષ મનમાં ધરબી આરોપીઓએ હુમલો કર્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
બુધવારની રાતે પવાર મિત્ર માધવ ગાડગે સાથે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ઘટનાસ્થળે આરોપીઓએ તેને આંતર્યો હતો. એક આરોપીએ પિસ્તોલમાંથી પવાર પર એક રાઉન્ડ ફાયર કર્યું હતુું, જ્યારે બીજાએ ચાકુથી ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. લોહીલુહાણ હાલતમાં પવાર જમીન પર ફસડાઈ પડ્યો હતો.
કહેવાય છે કે પવારના ભાઈ રાજુને તેના મામાએ કૉલ કર્યો હતો અને ગોળીબારની માહિતી આપી હતી. સગાંસંબંધી સાથે રાજુ ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે પવાર લોહીના ખાબોચિયામાં પડેલો નજરે પડ્યો હતો. તાત્કાલિક તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી પ્રાથમિક તપાસ બાદ ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા.