Thu Jun 18 2026

Logo

વિચિત્ર બોલિંગ ઍક્શનવાળા છોકરાને `બુમરાહ' બનાવનાર ગુજરાતી કોચનો આપણા દેશે આભાર માનવો જોઈએ...

2026-03-06 17:19:45
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં 89 રન કરીને તેમ જ સેન્ચુરિયન જૅકબ બેથેલને રનઆઉટ કરાવીને મૅન ઑફ ધ મૅચનો સતત બીજો અવૉર્ડ જીતનાર સંજુ સૅમસનની સવત્ર બોલબાલા હતી, બાઉન્ડરી લાઇનની બહાર જતાં પહેલાં શિવમ દુબેને કૅચના રૂપમાં બૉલ સોંપી દઈને વિલ જૅક્સને પૅવિલિયન ભેગો કરાવનાર અક્ષર પટેલની વાહ-વાહ હતી અને જૅકબ બેથેલને રનઆઉટ કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યાના નામની બૂમો પાડતાં પણ પ્રેક્ષકો થાકયા નહોતા, પરંતુ અહીં આપણે ખાસ તો અમદાવાદ નિવાસી જસપ્રીત બુમરાહની વાત કરવાની છે. ખાસ તો 16 વર્ષની ટીનેજ વયમાં જ તેની અનોખી બોલિંગ ઍક્શનમાં ભવિષ્યના મહાન ફાસ્ટ બોલરની ઝલક જોઈ લેનાર તેના ગુજરાતી કોચ કિશોર ત્રિવેદી (Coach Kishore Trivedi) વિશે ચર્ચા કરવાની છે.

ભારતના હાથમાંથી મૅચ સરકી રહી હતી

વાનખેડેમાં ગુરુવારની રાત્રે સેમિ ફાઇનલ ચરમસીમાએ હતી. ભારતની જેમ ઇંગ્લૅન્ડને પણ ત્રીજા ટાઇટલ માટે ફાઇનલમાં પહોંચવાની ઉતાવળ હતી અને 254 રનનો લક્ષ્યાંક તેમના માટે બહુ દૂર નહોતો ત્યારે એવું લાગતું હતું કે આ મૅચ ભારતના હાથમાંથી જતી રહેશે. 253 રનનો ઢગલો કરવા છતાં ટીમ ઇન્ડિયા પૂરેપૂરી સુરક્ષિત નહોતી. બાવીસ વર્ષનો જૅકબ બેથેલ એવી આક્રમક ઇનિંગ્સ રમ્યો જેને કારણે મૅચની અંતિમ પળોમાં મૅચ રોચક અને શ્વાસ થંભાવી દે એવી થઈ ગઈ હતી.

બે ઓવરમાં બુમરાહે બાજી પલટાવી

એ નિર્ણાયક પળોમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવે 18મી ઓવરની જવાબદારી બુમરાહને સોંપી હતી. ત્યારે ઇંગ્લૅન્ડનો સ્કોર 254 રનના લક્ષ્યાંક સામે 5/209 હતો અને તેમણે 18 બૉલમાં 45 રન કરવાના હતા જે સંભવ હતું. એ સમયે જૅકબ બેથેલ 94 રને અને સૅમ કરૅન 14 રને રમી રહ્યા હતા. કટોકટીના એ તબક્કે બુમરાહે ફરી એક વખત સાબિત કરી આપ્યું કે શા માટે તેને આ યુગનો સૌથી ખાસ ફાસ્ટ બોલર ગણવામાં આવે છે. 18મી ઓવર પહેલાં 16મી ઓવર પણ બુમરાહને અપાઈ હતી જેમાં બેથેલ-કરૅન માત્ર આઠ રન કરી શક્યા હતા. અન્ય બોલર્સની બોલિંગમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવવામાં આવી રહી હતી ત્યારે બુમરાહની 16મી અને 18મી ઓવર મળીને કુલ બે ઓવરમાં ફક્ત 14 રન બન્યા હતા. બ્રિટિશ ટીમે એના રનમશીનમાં આવી જોરદાર બે્રક લાગશે એવું ધાર્યું જ નહીં હોય.

થ્રિલરમાં બુમરાહનું મોટું યોગદાન

બુમરાહે (Bumrah) એ બે ઓવરમાં ગજબનું નિયંત્રણ બતાવ્યું હતું. તેની બોલિંગમાં રહેલી વિવિધતા, પરફેક્ટ લાઇન-લેન્ગ્થ તેમ જ વેગમાં ફેંકાયેલા બૉલને કારણે બ્રિટિશ ટીમના સઢમાંથી હવા જ નીકળી ગઈ હતી. 19મી ઓવર હાર્દિક પંડ્યાએ કરી હતી જેમાં તેણે એક વિકેટ લેવાની સાથે માત્ર નવ રન આપ્યા હતા અને શિવમ દુબેની અંતિમ (20મી) ઓવરમાં 30 રન કરવાના હતા જે બ્રિટિશરોને ભારે પડ્યું હતું. તેના છેલ્લા ત્રણ બૉલમાં જોફ્રા આર્ચરે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું અને ભારતનો સાત રનથી દિલધડક વિજય થયો હતો.

ICC

સૅમસન થયો બુમરાહ પર આફરીન

સૅમસને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર સ્વીકારતી વખતે બુમરાહની ભારોભાર પ્રશંસા કરતા કહ્યું હતું, `જસપ્રીત બુમરાહ જેવી પ્રતિભા યુગમાં એક વખત મળતી હોય છે. આ (જીતનો) પૂરો શ્રેય તેને જાય છે.'

બુમરાહના ગુરુ વિશે જાણો

બુમરાહ ભારતને જ્યારે પણ મોટા સંકટમાંથી ઉગારે છે ત્યારે કોઈકના મનમાં સવાલ થતો જ હશે કે આ અસાધારણ બોલરની ટૅલન્ટને સૌથી પહેલાં કોણે ઓળખી હશે? આનો જવાબ છે, અમદાવાદના કોચ કિશોર ત્રિવેદી. અમદાવાદમાં એસપીઆઇપીએ કોર્પોરેટ રોડ પર એક સાધારણ ક્રિકેટ મેદાન છે. કોઈ મોટી ક્રિકેટ ઍકેડેમી નથી. ત્યાં ચમક-દમકવાળી કોઈ સુવિધાઓ પણ નથી. આ મેદાન પર 79 વર્ષના કિશોર ત્રિવેદી આજે પણ પોતાની રૉયલ ક્રિકેટ ઍકેડેમી ચલાવે છે. ફાસ્ટ બોલરની ટૅલન્ટ પારખવામાં નિપુણ ત્રિવેદી સરે કરીઅરમાં અનેક ખેલાડીઓને પ્રશિક્ષણ આપ્યું છે. તેમનો પુત્ર સિદ્ધાર્થ ત્રિવેદી આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી રમી ચૂક્યો છે, પણ તેમની સૌથી મોટી ખોજ છે, જસપ્રીત બુમરાહ.

`ચકર' નહીં પણ `ચમત્કાર' સર્જનારો બોલર

બુમરાહ 16 વર્ષનો હતો ત્યારે કોચ કિશોર ત્રિવેદી સાથે તેની પહેલી વાર મુલાકાત થઈ હતી. બુમરાહ ત્યારે અમદાવાદની નિર્મલ હાઇ સ્કૂલમાં ભણતો હતો. દૂબળા-પાતળા બુમરાહની બોલિંગમાં વેગ જરૂર હતો, પણ તેની ઍક્શન પારંપારિક નહોતી. તેની બોલિંગ ઍક્શન જોઈને ઘણા લોકો તેને એમાં સુધારો લાવવાની સલાહ આપતા હતા. જોકે ત્રિવેદી સરે તેની ઍક્શનમાં ખામી નહીં, પણ સંભાવના પારખી હતી. તેમણે જોયું કે બુમરાહની બોલિંગ ઍક્શન `હાઇપરએક્સટેન્શન' છે જેમાં સામાન્ય બોલરની તુલનામાં બૉલ અલગ રીતે ફેંકવામાં તેને વિશેષ મદદ મળે છે. તેમણે જોયું કે આવી ઍક્શનમાં બૅટ્સમૅન તેના બૉલને અગાઉથી પારખી નહીં શકતા હોય.

બુમરાહને બોલર બનાવવાની જવાબદારી ઉપાડી

બુમરાહનું ધ્યાન ત્યારે ક્રિકેટ પર પૂરેપૂરું કેન્દ્રીત નહોતું. સ્ટડીઝમાં પણ તે રેગ્યુલર નહોતો. દોસ્તો સાથે વધુ સમય વીતાવવામાં મશગુલ રહેતો હતો. એ બધુ જાણીને ત્રિવેદી સરે તેને સખત અનુશાસનમાં સમાવવાનું નક્કી કર્યું અને તેના મમ્મી દલજીત કૌરને કહી દીધું કે થોડા વર્ષો સુધી તમે તમારા પુત્રની જવાબદારી મને સોંપી દો કે જેથી તેઓ તેને ક્રિકેટની કરીઅરને લાયક ખેલાડી બનાવી શકે. કેટલાક લોકો બુમરાહની બોલિંગ ઍક્શનને `ચકર' કહીને બોલાવતા હતા ત્યારે ત્રિવેદી સર કહેતા કે તેની ઍક્શનમાં કોઈ જ ખામી નથી. બસ, નજીવો સુધારો કરવાની જરૂર છે.

ICC

યૉર્કર સહિતના પાઠ શીખવ્યા

ત્યાર બાદ ત્રિવેદી સરે બુમરાહના બૉલની પેસ (ઝડપ) પર જ બધુ ધ્યાન આપવા ઉપરાંત તેને યૉર્કર, બાઉન્સર, કટર તથા અલગ ગતિ સાથેના વૅરિએશન શીખવ્યા હતા. તેમણે બુમરાહને ખાસ તો એ શીખવ્યું કે `તારે બૅટ્સમૅનની મનઃસ્થિતિને અગાઉથી પારખી લેવી પડશે.' બસ, ત્યાર બાદ બુમરાહ બોલિંગમાં સુધારો કરતા રહીને સફળતાની એક પછી એક સીડી ચડતો ગયો. ગુજરાત વતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે કમાલ બતાવી અને મુંબઈ ઇન્ડિયન્સના એ સમયના કોચ જૉન રાઇટની તેની બોલિંગ પર નજર પડી અને તેને સ્ક્વૉડમાં સમાવી લેવામાં આવ્યો અને એ સાથે આઇપીએલમાં બુમરાહ માટે માર્ગ મોકળો થતો ગયો હતો. ભારત વતી કુલ 230થી પણ વધુ મૅચમાં કુલ 500 વિકેટ લઈ ચૂકેલા બુમરાહે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી 183 વિકેટ લીધી છે.