વિશ્વભરમાં પોતાની મીઠાશ માટે પ્રખ્યાત એવી ભારતીય કેરીના નિકાસ બજારને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર જાપાને ભારતની કેટલીક સૌથી લોકપ્રિય કેરીની જાતોની આયાત પર વચગાળાનો પ્રતિબંધ મૂકી દીધો છે. જાપાન સરકારના આ આકરા નિર્ણયથી ઈન્ડિયન એક્સ્પોર્ટર્સ મુશ્કેલીમાં મુકાયા છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જાપાન દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધ પાછળ ઉત્તર પ્રદેશમાં આવેલા એક ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટેક્નિકલ ખામી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. દરમિયાન ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હવે જાપાન માટે એક મજબૂત વૈકલ્પિક સપ્લાયર તરીકે ઉભરી રહ્યો છે. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી...
વાત કરીએ જાપાને મૂકેલા પ્રતિબંધની તો જાપાનના ક્વોરેન્ટાઇન અધિકારીઓએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના રહેમાનપુરમાં સ્થિત એક ભારતીય 'વેપર હીટ ટ્રીટમેન્ટ' કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન અધિકારીઓને પેસ્ટ કંટ્રોલ અને ફ્યુમિગેશનની પ્રક્રિયાઓમાં ગંભીર ખામીઓ અને નબળાઈઓ જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન ન થવાને કારણે જાપાને તાત્કાલિક અસરથી ભારતીય કેરીઓ પર રોક લગાવી દીધી છે.
આ પ્રખ્યાત જાતોની નિકાસ અટકી
જાપાનના આ નિર્ણયની સીધી અસર ભારતના પ્રીમિયમ ક્વોલિટીના આંબાના નિકાસ પર પડી છે. પ્રતિબંધિત કરાયેલી જાતોમાં નીચે મુજબની મુખ્ય કેરીઓ સામેલ છે જેમાં હાફુસ, કેસર, લંગડા અને બેંગનપલ્લી જાતની કેરીનો સમાવેશ થાય છે.
તકનો લાભ ઉઠાવવા બાંગ્લાદેશ મેદાનમાં, 'હિમસાગર'ની માંગ વધી
જાપાની બજારમાંથી ભારત વચગાળા ધોરણે બહાર થતાં બાંગ્લાદેશ માટે પોતાના કેરીના વ્યવસાયને વૈશ્વિક સ્તરે ચમકાવવાની મોટી તક મળી છે. જાપાન હવે બાંગ્લાદેશની પ્રીમિયમ કેરીની જાતોમાં ભારે રસ દાખવી રહ્યું છે. બાંગ્લાદેશમાં 'હિમસાગર' અને 'ગોપાલભોગ' જેવી કેરીઓ ખૂબ જ પ્રખ્યાત છે. એમાં પણ 'હિમસાગર' કેરી તેની અદ્ભુત મીઠાશ, સુગંધ અને ઉચ્ચ ગુણવત્તા માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં લોકપ્રિય છે, કારણ કે આ કેરીમાં રેસા (Fibre) બિલકુલ હોતા નથી. આ ખાસિયત જાપાનના આયાતકારોને આકર્ષી રહી છે.
બાંગ્લાદેશનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું પ્લસ પોઈન્ટ
બાંગ્લાદેશે ઢાકાના ગબતૌલી ખાતે એક અત્યંત આધુનિક વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT) કેન્દ્ર સ્થાપિત કર્યું છે. આ પ્લાન્ટને ખાસ કરીને જાપાનના કડક ક્વોરેન્ટાઇન અને ખાદ્ય સુરક્ષાના ધોરણોને પૂરા કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેનાથી જાપાની સત્તાધિશોનો ભરોસો વધ્યો છે. જાપાન ઉપરાંત મલેશિયા જેવા દેશો પણ હવે બાંગ્લાદેશી કેરીની આયાત કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે.