મુકુલ ચૌધરી: MS ધોનીનો ફેન અને IPLનો નવો રેકોર્ડ બ્રેકર
કોલકાતાઃ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના 21 વર્ષના મિડલ-ઑર્ડર બૅટ્સમૅન અને ગુરુવારના કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામેના મૅચ-વિનર મુકુલ ચૌધરી આઇપીએલના ફલક પર ઊભર્યો એ સાથે તેના બે પ્રિય અને નસીબવંતા નંબરની રસપ્રદ વિગત પણ બહાર આવી. મુકુલનું `7' નંબર (Number 7) સાથે ઘણું લેણું લાગે છે અને `54' નંબર તેના માટે લકી સાબિત થઈ રહ્યો હોય એવું લાગે છે.
ગુરુવારે કોલકાતાએ લખનઊને 182 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. 13મી ઓવરમાં અબ્દુલ સમદની પાંચમી વિકેટ પડ્યા બાદ મુકુલ ચૌધરી `7મા' ક્રમે બૅટિંગમાં આવ્યો હતો. તેણે 27 બૉલની ઇનિંગ્સમાં `7' સિક્સર ફટકારી હતી. મુકુલ ચૌધરી ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીનો ડાઇ-હાર્ડ ફૅન છે અને યાદ અપાવવાની કે ખુદ ધોની `7' નંબરને લકી ગણે છે અને એ તેનો ફેવરિટ આંકડો છે.

મુકુલ (Mukul) ગુરુવારે `7' છગ્ગા ફટકારીને રેકૉર્ડ-બુકમાં આવી ગયો. લખનઊ સુપર જાયન્ટ્સ વતી સાતમા કે ઊતરતા ક્રમે બૅટિંગમાં આવીને `7' સિક્સર ફટકારનાર પ્રથમ ખેલાડી છે. તે આ બાબતમાં માત્ર લખનઊનો જ નહીં, સમગ્ર આઇપીએલનો (`7મા' નંબરનો) પ્રથમ ખેલાડી બન્યો છે.
ગુરુવારે 200.00ના સ્ટ્રાઇક-રેટથી રન કરનાર મુકુલ ચૌધરીએ `અણનમ 54' રન કર્યા હતા અને તેની તેમ જ આવેશ ખાન સાથે 24 બૉલમાં `54' રનની અતૂટ ભાગીદારી કરી હતી. નવાઈની વાત એ છે કે આ `54' રનમાં મુકુલના બાવન રન હતા અને આવેશ ખાનનો માત્ર એક રન હતો.