મુંબઈઃ શનિવારે શરૂ થઈ રહેલી આઇપીએલની 19મી સીઝન પહેલાં બીસીસીઆઇ આ ટૂર્નામેન્ટની 10 ટીમના કૅપ્ટન સાથે બુધવારે રાબેતા મુજબની મીટિંગ (MEETING) રાખશે જેમાં ખાસ કરીને ઇમ્પૅક્ટ (IMPACT) સબસ્ટિટ્યૂટના નિયમ વિશે તેમ જ આચાર સંહિતા પર ચર્ચા થશે. દિલ્હી કૅપિટલ્સના સુકાની અક્ષર પટેલ સહિત કેટલાકને ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ પસંદ નથી, પરંતુ બીસીસીઆઇ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીનું માનવું છે કે `આ નિયમ રહેશે જ. કોઈને ગમે તો કોઈને ન ગમે, પરંતુ આ નિયમ લાગુ રહેશે એવું હું માનું છું. હું બીસીસીઆઇનો પ્રમુખ હતો ત્યારથી આ નિયમ લાગુ થયો છે.'
અક્ષર પટેલના ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ પસંદ નથી. તેનું એવું કહેવું છે કે `ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમને કારણે મારા જેવા ઑલરાઉન્ડરના પર્ફોર્મન્સના વિકાસમાં અવરોધ બને છે.'
રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પણ અગાઉ ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમનો વિરોધ કરી ચૂક્યા છે. ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ એવો છે જેમાં બન્ને ટીમે મૅચની શરૂઆત પહેલાં પ્લેઇંગ-ઇલેવન ઉપરાંત પાંચ-પાંચ ખેલાડીના નામ અમ્પાયરોને આપવા પડે છે અને મૅચ દરમ્યાન ટીમ એ પાંચમાંના કોઈ એક ખેલાડીને પોતાની ઇલેવનમાંના કોઈ પણ એક ખેલાડીના સ્થાને રમાડી શકે છે.
બુધવારની કૅપ્ટનો સાથેની મીટિંગને મૅચ રેફરીઓની પૅનલના ચીફ જાવાગલ શ્રીનાથ અને અમ્પાયરોની પૅનલના વડા નીતિન મેનન સંબોધશે. જે મુદ્દે આ બેઠકમાં ચર્ચા થશે એ આ પ્રમાણે છેઃ ઓવર દીઠ બે બાઉન્સર, બૅટ્સમૅન રમવા આવે ત્યારે તેના બૅટના કદની અમ્પાયર દ્વારા થતી ચકાસણી, બૉલ ગુમ થઈ જાય કે ખરાબ થઈ જાય ત્યારે એને બદલે લેવામાં આવતો બીજો બૉલ, રિટાયર આઉટના નિર્ણય તથા બૉલ પર લાળ લગાડવા પર પ્રતિબંધ.