Fri Apr 17 2026

Logo

આઇપીએલમાં ભારતના આ પાંચ `અજાણ્યા' યુવા ખેલાડીઓ પર નજર

2026-03-27 20:05:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ શનિવાર, 28મી માર્ચે શરૂ થઈ રહેલી આઇપીએલની 19મી સીઝનમાં પાંચ એવા અનકૅપ્ડ ખેલાડી (ભારત વતી નથી રમ્યા એવા પ્લેયર) છે જેમના પર સૌની નજર રહેવાની છે. આ યુવાન ખેલાડીઓએ ત્રણ મહિના પહેલાંની હરાજીમાં કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ જીતીને ધમાલ મચાવી દીધી હતી, પણ હવે મેદાન પર કમાલ બતાવવાનો સમય આવી ગયો છે.

આ પાંચ અનકૅપ્ડ (Uncapped) ખેલાડીએ દમદાર અને શાનદાર પ્રદર્શન કરીને આ સીઝનમાં પોતાની છાપ છોડવી પડશે. બની શકે કે તેમને આઇપીએલ (IPL)ના પર્ફોર્મન્સ પરથી ભારતીય ટીમમાં સ્થાન મળી શકશે. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ આઇપીએલની જ દેન છે. હવે આ વખતે નવા પાંચ ખેલાડીએ તેમના ફ્રૅન્ચાઇઝી માટે અપેક્ષા જેવું રમી બતાવવું પડશે.

પાંચ અનકૅપ્ડ પ્લેયર પર સૌની નજર

પ્રશાંત વીરઃ ચેન્નઈએ મૂળ ઉત્તર પ્રદેશના આ 20 વર્ષીય ખેલાડીને ઑક્શનમાં 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે નીચલા ક્રમે તૂફાની બૅટિંગ માટે જાણીતો છે. તે લેફ્ટ-હૅન્ડ સ્પિનથી બૅટ્સમેનોને પરેશાન પણ કરી જાણે છે. કહેવાય છે કે આ ઑલરાઉન્ડર ચેન્નઈની ટીમમાં રવીન્દ્ર જાડેજાની ખોટ નહીં વર્તાવા દે. જાડેજા હવે રાજસ્થાનની ટીમમાં છે. પ્રશાંતે 2025ની યુપી ટી-20 લીગમાં 155.00ના સ્ટ્રાઇક-રેટથી 320 રન કર્યા હતા અને આઠ વિકેટ મેળવી હતી.

અશોક શર્માઃ મૂળ રાજસ્થાનના 23 વર્ષીય પેસ બોલર અશોક શર્માને ગુજરાત ટાઇટન્સે ચાર ફ્રૅન્ચાઇઝી સાથેની હરીફાઈમાં છેવટે બેઝ પ્રાઇસ કરતાં ત્રણ ગણા ભાવે ખરીદ્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે કલાકે 150 કિલોમીટરની ઝડપે બોલિંગ કરી હતી. એમાં તેણે 10 મૅચમાં બાવીસ વિકેટ લીધી હતી.

આકિબ નબીઃ દિલ્હી કૅપિટલ્સે આકિબને હરાજીમાં 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરને ઐતિહાસિક રણજી ટ્રોફી ટાઇટલ અપાવવામાં આકિબનું મોટું યોગદાન હતું. તેના બૉલ ખૂબ ઝડપી હોય છે અને લાઇન ઍન્ડ લેન્ગ્થ જાળવવામાં પણ તે માહિર છે. 

કાર્તિક શર્માઃ ચેન્નઈએ વિકેટકીપર-બૅટ્સમૅન કાર્તિક શર્માને પણ હરાજીમાં 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે તેણે પણ આ ઊંચી કિંમતનું વળતર ટીમને ચૂકવવાનું છે. તે આક્રમક બૅટિંગ માટે જાણીતો છે. લાંબા લાંબા છગ્ગા ફટકારવા કાર્તિક શર્માની ખાસિયત છે.

મુકુલ ચૌધરીઃ લખનઊએ 21 વર્ષના મુકુલને હરાજીમાં 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રાજસ્થાન વતી રમે છે. તે વિસ્ફોટક બૅટિંગ માટે જાણીતો છે. તાજેતરમાં તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પાંચ ઇનિંગ્સમાં 200.00 જેટલા સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 173 રન કર્યા હતા. તે ચોગ્ગા-છગ્ગા ફટકારીને બાજી પલટાવી જાણે છે. લખનઊની ટીમમાં કૅપ્ટન-વિકેટકીપર રિષભ પંતની હાજરીમાં તેને રમવાનો કેટલો મોકો મળશે એ જોવું રહ્યું.