નવી દિલ્હીઃ આઈપીએલની સૌથી ચર્ચિત ટીમ પૈકીની એક અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) પણ વેચાઈ ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોને મળીને ટીમને 1.78 બિલિયન ડોલર (આશરે 16,600 કરોડ રૂપિયા)માં ખરીદી લીધી છે. આરસીબીની આ ડીલ પહેલા રાજસ્થાન રોયલ્સને પણ અમેરિકન બિઝનેસમેન કાલ સોમાણીએ આશરે 15 હજાર કરોડ રૂપિયામાં ખરીદી હતી. આમ માત્ર 24 કલાકમાં જ બે આઈપીએલ ટીમના માલિકી હક બદલાયા હતા.
એક રિપોર્ટ પ્રમાણે, આરસીબીની આ ડીલ યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ સાથે થઈ છે. જેમાં આરસીબીનો 100 ટકા હિસ્સો ટ્રાન્સફર કરાશે. આ ડીલમાં આઈપીએલની સાથે સાથે મહિલા ટીમ પણ સામેલ છે. આમ આરસીબીની મહિલા અને પુરુષ ટીમનો માલિકી હક આ 4 ટીમોને મળી ગયો છે.
નવા માલિકી હક પ્રમાણે, આદિત્ય બિરલા ગ્રુપના આર્યમાન વિક્રમ બિરલા ચેરમને હશે. જ્યારે ટાઈમ્સ ગ્રુપના સત્યાન ગજવાની વાઈસ ચેરમેન હશે. આ ઉપરાંત કંસોર્ટિયમમાં બોલ્ટ વેંચર્સના ડેવિડ બ્લિત્ઝર અને બ્લેકસ્ટોનના વિરલ પટેલ પણ સામેલ છે. આ ડીલ કેટલીક શરતો પર નિર્ભર છે. જેમાં બીસીસીઆઈ, કોમ્પિટિશન કમીશન ઓફ ઈન્ડિયા અને બાકી રેગુલેટરી ઓથોરિટીની મંજૂરી મળવાની બાકી છે.
આ ડીલ અંગે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે, IPL એ છેલ્લા 20 વર્ષમાં ક્રિકેટનું ચિત્ર બદલી નાખ્યું છે અને RCB જેવી ટીમ સાથે જોડાવું એ તેમના માટે ગૌરવની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ આ ટીમનો વારસો આગળ ધપાવશે.
સત્યન ગજવાનીએ જણાવ્યું હતું કે, RCB માત્ર એક ટીમ નથી, પરંતુ IPL ની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સમાંની એક છે. તેમનું લક્ષ્ય તેને ગ્લોબલ સ્પોર્ટ્સ બ્રાન્ડ બનાવવાનું છે. બોલ્ટ વેન્ચર્સના ડેવિડ બ્લિટ્ઝરે કહ્યું કે, RCB પાસે શાનદાર ફેન બેઝ છે અને IPL વિશ્વની સૌથી ઝડપથી વિકસતી લીગમાંની એક છે. જ્યારે બ્લેકસ્ટોનના વિરલ પટેલે જણાવ્યું કે, RCB એક મજબૂત બ્રાન્ડ છે અને તેમાં આગળ વધવાની અનેક તકો રહેલી છે.
નવા ચેરમેન આર્યમન બિરલાએ કહ્યું કે, આ તેમના માટે ગર્વની વાત છે અને તેઓ ટીમને આગલા સ્તર પર લઈ જવા માટે કામ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ટીમ માત્ર મેદાન પર જ નહીં, પરંતુ ચાહકો અને સમુદાય સાથે પણ Play Bold અભિગમ ચાલુ રાખશે.