Fri Apr 17 2026

Logo

IPL 2026: ગુજરાત ટાઈટન્સની પ્રથમ જીત સાથે પોઈન્ટ ટેબલમાં થયો મોટો ઉલટફેર

2026-04-09 10:08:00
Author: MayurKumar Patel
Article Image

 

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો 14મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયો હતો. આ રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સનો 1 રનથી વિજય થયો હતો. ગુજરાતે 20 ઓવરમાં 210 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હી 209 રન બનાવી શકી હતી. જીત સાથે ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલ્યું હતું. જેની સાથે પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થયો હતો. 

IPL પોઈન્ટ ટેબલની સ્થિતિ

ટોપ ચાર ટીમોની વાત કરીએ તો તેમાં રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, આરસીબી અને દિલ્હી કેપિટલ્સની ટીમો છે. દિલ્હી પાસે ટોપ પર પહોંચવાની તક હતી, જે તેણે મેચ હારીને ગુમાવી દીધી છે. રાજસ્થાન રોયલ્સ એકમાત્ર એવી ટીમ છે જેણે ત્રણ મેચ રમીને છ પોઈન્ટ મેળવ્યા છે, તેથી જ ટીમ પહેલા નંબર પર કબજો જમાવીને બેઠી છે. પંજાબ કિંગ્સની ટીમ 5 પોઈન્ટ સાથે બીજા નંબરે છે, જ્યારે આરસીબી અને દિલ્હી કેપિટલ્સ પાસે ચાર-ચાર પોઈન્ટ છે.

ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ, એલએસજી અને મુંબઈ ઈન્ડિયન્સના બે-બે પોઈન્ટ છે. કેકેઆર પાસે માત્ર એક જ પોઈન્ટ છે; ટીમે હજુ સુધી કોઈ મેચ જીતી નથી, પણ એક મેચ રદ થવાને કારણે તેને એક પોઈન્ટ મળ્યો છે. સીએસકેનું ખાતું હજુ સુધી ખુલ્યું નથી.

રાજસ્થાન રોયલ્સે 2.403 નેટ રન રેટ સાથે પ્રથમ, પંજાબ કિંગ્સ 0.637 નેટ રન રેટ સાથે બીજા, આરસીબી 2.501 નેટ રન રેટ સાથે ત્રીજા, દિલ્હી કેપિટલ્સ 0.811 નેટ રન રેટ સાથે ચોથા, સનરાઈઝર્સ હૈદરાબાદ 0.275 નેટ રન રેટ સાથે પાંચમા, ગુજરાત ટાઈટન્સ -0.270 નેટ રન રેટ સાથે છઠ્ઠા, લખનઊ -0.542 નેટ રન રેટ સાથે સાતમા, મુંબઈ ઈન્ડિયન્સ -0.715 નેટ રન રેટ સાથે આઠમા, કોલકાતા -1.964 નેટ રન રેટ સાથે નવમા અને સીએસકે -2.517 નેટ રન રેટ સાથે દસમા ક્રમે છે.

આજની વાત કરીએ તો, એલએસજીનો મુકાબલો કેકેઆર સામે થવા જઈ રહ્યો છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. કેકેઆર પાસે આજે પોતાની પ્રથમ મેચ જીતવાની તક છે, જ્યારે એલએસજીની ટીમ ચાર પોઈન્ટ મેળવીને આગળ વધવા ઈચ્છશે.