નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઊ સુપર જાયન્ટ્સના મુકાબલામાં લખનઊના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચુસ્ત બોલિંગ નાંખતા 2 વિકેટ લીધી હતી અને 9 રન આપ્યા હતા. તેણે તેના 4 ઓવરના સ્પેલમાં 18 ડોટ બોલ ફેંક્યા હતા. જેના કારણે લખનઊએ આ મુકાબલો 5 વિકેટથી જીત્યો હતો. શમીના દમદાર પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો.
મેચ બાદ શમીએ કહ્યું, હું કોઈ મશીન નતી અને રમતમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. મેં છેલ્લા થોડા વર્ષોમા શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ લોકોએ નોટિસ નથી કર્યું તે અલગ વાત છે. હું હંમેશા સારું કરવાની કોશિશ કરું છું.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી માટે ગત આઈપીએલ સીઝન ખૂબ પડકારજનક હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતાં તેણે 9 મેચમાં માત્ર 6 વિકેટ ઝડપી હતી. ઈકોનોમી રેટ પણ 11.23નો હતો. જોકે આ વર્ષે તેણે દમદાર વાપસી કરતાં તેની ઉપયોગીતા સાબિત કરી હતી.
તેણે પોતાની સફળતાનો શ્રેય ફિટનેસ અને ડોમેસ્ટિક ક્રિકેટને આપ્યો. તેણે કહ્યું, ફિટ રહેવા માટે સતત રમવું જરૂરી છે. જો તમે રમવા ઈચ્છો તો ગેમના સંપર્કમાં રહેવું જરૂરી છે. ફિટ રહેશો તો જ તમે તમારી સ્કીલ્સ પર કામ કરી શકશો. આ માટે હું ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો.
આ ઉપરાંત તેણે કહ્યું, પિચની પરિસ્થિતિ અનુસાર બોલિંગમાં બદલાવ કરવો જરૂરી હતો. શમીએ સનરાઈઝર્સના ખતરનાક બેટ્સમેન ટ્રેવિડ હેડ અને અભિષેક શર્માને જલદી આઉટ કરીને હરીફ ટીમ પર પ્રેશર બનાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમીને કાવ્યા મારનની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં લખનઊ સુપર જાયન્ટ્સને ટ્રેડ કર્યો હતો. જે પાછળનું કારણ 2025ની આઈપીએલમાં શમીનો કંગાળ દેખાવ હતો. જોકે આ વર્ષે શમી તેના સ્વિંગ, કંટ્રોલ અને સચોટ લાઈન લેંથ સાથે બિલકુલ અલગ અવતારમાં જોવા મળ્યો છે.