Thu Jun 18 2026

Logo

IPL: આજથી ક્રિકેટના મહાકુંભની શરૂઆત, આ 10 રેકોર્ડ તોડવા આજે પણ છે અશક્ય

2026-03-28 09:16:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026નો આજથી આરંભ થઈ રહ્યો છે. આઈપીએલની 19મી સિઝનનો પ્રથમ મુકાબલો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. 2008માં શરૂ થયેલી આઈપીએલમાં અત્યાર સુધી અનેક રેકોર્ડ બન્યા છે. આ પૈકી કેટલાક એવા રેકોર્ડ છે, જેને તોડવા અશક્ય છે.

1. કોહલીનો એક સીઝનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ 10 વર્ષથી અકબંધ
વિરાટ કોહલીએ IPLમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને સ્પર્શવો પણ અશક્ય લાગે છે. છેલ્લા 10 વર્ષથી આ રેકોર્ડ અતૂટ છે. કોહલીના નામે એક આઈપીએલ સીઝનમાં સૌથી વધુ 973 રન બનાવવાનો કીર્તિમાન છે. તેણે આ સિદ્ધિ 2016માં હાંસલ કરી હતી. ત્યારે કોહલીએ 4 સદી અને 7 અર્ધસદી ફટકારી હતી. જોકે, ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા શુભમન ગિલે 2023ની સીઝનમાં 890 રન બનાવ્યા હતા.

2. પાર્ટનરશિપનો રેકોર્ડ કોહલી-ડિવિલિયર્સના નામે
IPLના ઇતિહાસમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ RCB માટે રમતા વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે બનાવ્યો છે. 2016ની સીઝનમાં બંનેએ ગુજરાત લાયન્સ સામે મળીને 229 રન જોડ્યા હતા. 14 મે 2016ના રોજ રમાયેલા તે મુકાબલામાં કોહલી-ડિવિલિયર્સ બંનેએ સદી ફટકારી હતી. કોહલીએ 55 બોલમાં 109 રન અને ડિવિલિયર્સે 52 બોલમાં 129 રન ફટકાર્યા હતા.

3. ક્રિસ ગેલની તોફાની સદી, વૈભવ નજીક પહોંચ્યો
IPL 2013ની સીઝનમાં ક્રિસ ગેલ RCBની ટીમમાં હતો. ત્યારે તેણે 23 એપ્રિલ 2013ના રોજ પુણે વોરિયર્સ સામેની મેચમાં માત્ર 30 બોલમાં સદી ફટકારી દીધી હતી. આ IPL ઇતિહાસની સૌથી ઝડપી સદી છે, જે આજે પણ અતૂટ છે. તેમના પછી બીજા નંબરે વૈભવ સૂર્યવંશી છે, તેણે 2025ની સીઝનમાં માત્ર 35 બોલમાં ગુજરાત ટાઇટન્સ સામે આ કીર્તિમાન પોતાના નામે કર્યો હતો.

4. યશસ્વી જાયસ્વાલના નામે છે સૌથી ઝડપી IPL ફિફ્ટી
IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી અર્ધસદીનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જાયસ્વાલના નામે છે. તેણે 11 મે 2023ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. બીજો નંબર કેએલ રાહુલનો છે, જેણે 14 બોલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે 8 એપ્રિલ 2018ના રોજ આ રેકોર્ડ બનાવ્યો હતો.

5. ગેલે IPLની એક જ ઇનિંગમાં માર્યા 17 છગ્ગા
'યુનિવર્સ બોસ' ગેલે એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવા માટે આ વર્ષે ક્રિકેટરોએ ખૂબ મહેનત કરવી પડી શકે છે. 2013માં ગેલે RCB માટે રમતા એક મેચમાં 17 છગ્ગા માર્યા હતા. તેણે પુણે વોરિયર્સ સામે 175 રનની ઇનિંગ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. આ કોઈપણ બેટ્સમેન દ્વારા એક ઇનિંગમાં લગાવાયેલા સૌથી વધુ છગ્ગા છે અને IPLનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ છે.

6. IPLમાં એક ઓવરમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા?
ક્રિસ ગેલ અને રવીન્દ્ર જાડેજાના નામે એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 2011માં ક્રિસ ગેલે કોચ્ચિ ટસ્કર્સના બોલર પરમેશ્વરનની ઓવરમાં 37 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ 2021માં CSK તરફથી રમતા હર્ષલ પટેલની ઓવરમાં 37 રન (6,6nb,6,6,2,6,4) ફટકાર્યા હતા.  

7. ડેબ્યૂ મેચમાં 6 વિકેટ લેવાનો પરાક્રમ
વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફે ડેબ્યૂ મેચમાં જ તબાહી મચાવી દીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સ માટે 6 એપ્રિલ 2019ના રોજ ડેબ્યૂ કરતા તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ અને શ્રેષ્ઠ બોલિંગ ફિગર આજે પણ અતૂટ છે.

8. IPLમાં કોણે લીધી છે સૌથી વધુ હેટ્રિક?
IPL ઇતિહાસમાં અમિત મિશ્રા એવા બોલર છે જેણે એક-બે નહીં પણ ત્રણ હેટ્રિક (2008, 2011 અને 2013) લીધી છે. યુવરાજ સિંહ (2009માં બે વાર) અને યુઝવેન્દ્ર ચહલ (2022 અને 2025) એ બે-બે વાર હેટ્રિક લીધી છે. યુવરાજે એક જ સીઝનમાં બે વાર હેટ્રિક લીધી હતી, જે ખૂબ જ અનોખી વાત છે.

9. કઈ ટીમે IPLમાં સતત સૌથી વધુ મેચ જીતી?
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 2014 થી 2015 સીઝન વચ્ચે સતત 10 મેચ જીતી હતી, જે આજે પણ એક રેકોર્ડ છે. KKR એ સતત 14 T20 મેચ જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે (IPL અને ચેમ્પિયન્સ લીગ મળીને).

10. એક સીઝનમાં સૌથી વધુ કેચ કોણે પકડ્યા?
ફીલ્ડિંગમાં પણ એબી ડિવિલિયર્સના નામે એક શાનદાર રેકોર્ડ છે. તેણે 2016માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતા કુલ 19 કેચ ઝડપ્યા હતા. આ કોઈપણ એક સીઝનમાં ફિલ્ડર (વિકેટકીપર સિવાય) દ્વારા પકડવામાં આવેલા સૌથી વધુ કેચ છે.