Thu Jun 18 2026

Logo

IPL 2026: ગુજરાતના આ બોલરે 154.2ની સ્પીડથી બોલ ફેંકીને મચાવી સનસની, જાણો કોણ છે

2026-04-05 13:43:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. મેચમાં ગુજરાતનો 6 રનથી પરાજય થયો હતો. આ મેચમાં ગુજરાતના બોલર અશોક શર્માએ 154.2 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા હતા. અશોક શર્માએ આ સીઝનમાં સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. 

કોણ છે અશોક શર્મા

અશોક શર્માની ઉંમર 23 વર્ષ છે અને તે રાજસ્થાનનો રહેવાસી છે.અશોક તેની સ્પીડ માટે જાણીતો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે 22 વિકેટ ઝડપી હતી અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બન્યો હતો. ઉપરાંત વિજય હઝારે ટ્રોફીની 7 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. 

અશોક શર્મા આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ સાથે પણ સંકળાયેલો હતો. રાજસ્થાનની ટીમના નેટ બોલર તરીકે તેણે સૌને પ્રભાવિત કર્યા હતા. 2022ની હરાજીમાં કોલકાતાએ તેને 55 લાખ રૂપિયામાં કરાર બદ્ધ કર્યો હતો.

IPL 2026ના 5 સૌથી ફાસ્ટ બોલ

IPL 2026માં સૌથી ફાસ્ટ બોલ નાખવા મામલે અશોક શર્માએ એનરિક નોર્ટઝેને પાછળ રાખ્યો હતો. નોર્ટઝેએ લખનઊ સુપર જાયન્ટ્સ સામે 150.9 કિમી પ્રતિકલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. અત્યાર સુધીમાં રમાયેલી મેચમાં અશોક શર્મા અને એનરિક નોર્ટઝેએ જ માત્ર 150થી વધુની સ્પીડે બોલ ફેંક્યા છે. 

154.2 kmph - અશોક શર્મા (GT)
150.9 kmph - એનરિક નોર્ટઝે (LSG)
149.7 kmph - કાર્તિક તયાગી (KKR)
149.1 kmph - કગિસો રબાડા (GT)
145.6 kmph - જેમી ઓવર્ટન (CSK)

અશોકના કહેવા પ્રમાણે, તે તેના ભાઈના કારણે ક્રિકેટમાં આવ્યો છે. તેની પાસે જે સ્પીડ છે તે નેચરલ છે. જ્યારથી મેં બોલિંગ શરૂ કરી છે ત્યારથી ફાસ્ટ બોલિંગ જ કરી છે. હું મારા ભાઈ અક્ષય પાસેથી શીખ્યો છું. તે પણ બોલર છે. હું તેને સ્કૂલની મેચમાં જોતો હતો. તેણે મને ફાસ્ટ બોલિંગનું કૌશલ્ય શીખવાડ્યું હતું અને મને એકેડમી સુધી લઈ ગયો હતો.

જયપુરના રામપુર ગામના રહેવાસી અશોકના પિતા નાથુલાલ ઈચ્છતા હતા કે તેનો પુત્ર અભ્યાસ કરે અથવા તેની સાથે ખેતી કામ કરે. પરંતુ ભાઈ અક્ષયે તેના તમામ સપનાની કુરબાની આપીને તેને ક્રિકેટર બનાવ્યો.

ગઈકાલે મેચમાં રાજસ્થાને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. જાયસ્વાલ અને સૂર્યવંશીએ 70 રનની પાર્ટનરશિપ કરી હતી. ધ્રુવ જુરેલે 75 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે રાજસ્થાને 210 રનનો સ્કોર બનાવ્યો હતો. 211 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાન પર ઉતરેલી ગુજરાત ટાઈટન્સે 18મી ઓવર સુધીમાં 196 રન બનાવી લીધા હતા. 12 બોલમાં માત્ર 15 રન બનાવવાના હતા. રાશિદ ખાન અને રબાડા સેટ થઈ ચુક્યા હતા. જોફ્રા આર્ચરે 19મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. અંતિમ ઓવરમાં તુષાર દેશપાંડેએ 11 રન કરવા દીધા નહોતા. પ્રથમ બોલ વાઈડ અને પછી ત્રણ સિંગલ રન આપ્યા હતા. ચોથો ડોટ બોલ ફેંક્યો. આ સ્થિતિમાં બે બોલમાં 7 રન કરવાના હતા. પાંચમા બોલ પર દેશપાંડેએ રાશિદ ખાનને આઉટ કર્યો હતો. અંતિમ બોલ પર અશોક શર્મા કોઈ રન બનાવી શક્યો નહોતો.