Thu Jun 18 2026

Logo

આઇપીએલના લીગ રાઉન્ડનું હવે પૂરું ટાઇમટેબલ જાહેર કરાયું

2026-03-26 19:32:17
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શનિવાર, 28મી માર્ચે શરૂ થનારી 19મી સીઝનનું 12મી એપ્રિલ સુધીનું જ ટાઇમટેબલ (SCHEDULE) અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ગુરુવારે આયોજકોએ 24મી મે સુધી ચાલનારા સંપૂર્ણ (FULL) લીગ રાઉન્ડનું સમયપત્રક જાહેર કર્યું હતું. માત્ર પ્લે-ઑફ રાઉન્ડના સ્થળોની જાહેરાત જ બાકી રાખવામાં આવી હતી. 28મી માર્ચે સૌપ્રથમ મૅચ બેંગ્લૂરુમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.

અગાઉના અપૂર્ણ સમયપત્રક મુજબ રવિવાર, 12મી એપ્રિલ સુધીની 20 લીગ મૅચની વિગત જાહેર કરાઈ હતી. હવે રવિવાર, 24મી મે સુધીની કુલ 70 લીગ મૅચની વિગત જાહેર કરી દેવામાં આવી છે.

બીજી રીતે કહીએ તો 13મી એપ્રિલથી 24મી મે સુધીમાં બીજી 50 લીગ મૅચ રમાવાની છે. દેશભરના જે 12 સ્થળે આઇપીએલની મૅચો રમાશે એમાં ધરમશાલા તથા રાયપુરનો પણ સમાવેશ છે.

ધરમશાલાનું પાકિસ્તાન સામેના યુદ્ધ બાદ કમબૅક

ગયા વર્ષે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં દિલ્હી-પંજાબ મૅચને પાકિસ્તાન સામેના યુદ્ધને પગલે રોકી દેવામાં આવી હતી. હવે આગામી 11મી મેએ ધરમશાલા આ ટૂર્નામેન્ટમાં કમબૅક કરશે અને એ દિવસે પણ દિલ્હી-પંજાબ વચ્ચેની મૅચ રમાશે.

ફાઇનલ 31મી મેએ રમાશે?

આઇપીએલની નવી સીઝનની પ્લે-ઑફ મૅચોની વિગત જાહેર નથી કરવામાં આવી. જોકે એવું મનાય છે કે ફાઇનલ 31મી મેએ રમાશે.