15 વર્ષના વૈભવ અને સૅમસન પર સૌની નજર
ગુવાહાટીઃ અહીં આસામના પાટનગરમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) આઇપીએલ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે જંગ થશે. મેઘરાજા થોડી મજા બગાડે એવી સંભાવના છે. 2025ની આઈપીએલના લીગ રાઉન્ડને અંતે રાજસ્થાનની ટીમ નવમા સ્થાને અને ચેન્નઈની ટીમ છેક છેલ્લે 10મા સ્થાને રહી હતી.
બ્રેવિસ ઈજાને લીધે નથી રમવાનો
સીએસકેનો આક્રમક બૅટ્સમૅન અને અગાઉ મુંબઈ વતી રમી ચૂકેલો સાઉથ આફ્રિકાનો ડેવાલ્ડ બ્રેવિસ કમરના દુખાવાને લીધે આજની મૅચ સહિત થોડી મૅચો નથી રમવાનો. સીએસકેને તેની ખોટ વર્તાશે.
પહેલી વાર ચેન્નઈની મૅચ બે દિગ્ગજ વિનાની
એમએસ ધોની પગની ઈજાને કારણે આજની મૅચ ઉપરાંત બીજી લગભગ પાંચ મૅચમાં નહીં રમે. સીએસકેની કોઈ મૅચમાં ધોની કે સુરેશ રૈના ન હોય એવું આજે પહેલી વખત બનશે. રૈના તો હવે નિવૃત્ત થઈ ગયો છે, પરંતુ આજની મૅચમાં ધોની પણ નથી.
Match #3 tomorrow.#CSKvRR #IPL #Guwahati pic.twitter.com/rbJRYcOF4Z
— lightningspeed (@lightningspeedk) March 29, 2026
ચેન્નઈના પ્રશાંત અને કાર્તિક ₹ 14-14 કરોડવાળા
ચેન્નઈના ફ્રેન્ચાઇઝીએ ત્રણ મહિના પહેલાં હરાજીમાં રવીન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે સ્પિન ઑલરાઉન્ડર પ્રશાંત વીરને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેન્નઈએ સિક્સર સ્પેશિયાલિસ્ટ કાર્તિક શર્માને પણ 14.20 કરોડમાં મેળવ્યો હતો. આજે બંનેને રમવા મળશે તો તેમની કસોટી થશે.
વૈભવ... યંગેસ્ટ સિકસર સ્પેશિયાલિસ્ટ
ત્રણ દિવસ પહેલાં 15મો જન્મદિન ઉજવનાર અને ભારતીય ટીમમાં રમવાલાયક થયેલા રાજસ્થાનના ઓપનર વૈભવ સૂર્યવંશીના પર્ફોર્મન્સ પર તેમ જ ટી-20 વર્લ્ડ કપના સુપરસ્ટાર અને ચેન્નઈના ખેલાડી સંજુ સૅમસન (samson)ના દેખાવ પર આજે સૌની નજર રહેશે. વૈભવે ગયા વર્ષે 35 બૉલમાં યંગેસ્ટ-ફાસ્ટેસ્ટ સેન્ચુરિયનનો વિક્રમ નોંધાવ્યો હતો. 2025ની આઇપીએલમાં વૈભવે (Vaibhav) કુલ 122 બૉલમાં 24 છગ્ગા ફટકાર્યા હતા. એ રીતે સરેરાશ પાંચ બૉલ દીઠ તેની એક સિક્સર હતી.
જાડેજા હવે હાર્દિકની બરોબરીમાં આવી શકે
રવીન્દ્ર જાડેજા હવે ચેન્નઈ નહીં પણ રાજસ્થાનની ટીમમાં છે. તે 15 રન બનાવશે એટલે ટી-20 ફોર્મેટમાં તેના 4,000 રન પૂરા થશે. તે હાર્દિક પંડ્યાની જેમ ટી-20 ફોર્મેટમાં 4,000 રન કરવા ઉપરાંત 200 વિકેટ લેનાર બીજો ભારતીય ઑલરાઉન્ડર બનશે.
બંનેની સંભવિત ટીમ:
ચેન્નઈ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે/ઉર્વિલ પટેલ/ સરફરાઝ ખાન, મૅટ શૉર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, જૅમી ઓવર્ટન/અકીલ હોસૈન, નૂર અહમદ, મેટ હેન્રી, ખલીલ અહમદ, અંશુલ કંબોજ/ગુર્જપનીત સિંહ/રામક્રિષ્ન ઘોષ.
રાજસ્થાન: રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, સિમરૉન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, ડોનોવન ફરેરા/દાસુન શનાકા, જોફ્રા આર્ચર, રવિ બિશ્ર્નોઈ, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, નેન્ડ્રે બર્ગર/એડમ મિલ્ન.