Thu Jun 18 2026

Logo

કૅચના નિયમ વિશે આઇપીએલના કૅપ્ટનોને ચેતવણી, ઇમ્પૅક્ટ પ્લેયર વિશે પણ આવી ગયું અપડેટ

2026-03-26 18:59:37
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ શનિવાર, 28મી માર્ચે શરૂ થતી આઇપીએલ (IPL)ની 19મી સીઝન પહેલાં આ ટૂર્નામેન્ટના સંચાલક બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ તમામ 10 ટીમના કૅપ્ટનોને કેટલીક બાબતો વિશે વાકેફ કરી દીધા છે તેમ જ જણાવ્યું છે કે ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ હજી બે વર્ષ (2027ની સીઝન સુધી) અસ્તિત્વમાં રહેશે.

આઇપીએલ દરમ્યાન મૅચ પછીની પ્રેઝન્ટેશન સેરેમનીમાં ખેલાડીઓ ફ્લૉપી (હૅટ) કે સ્લીવલેસ જર્સી પહેરીને હાજરી નહીં આપી શકે તેમ જ દરેક ટીમના ખેલાડીઓએ ટીમની બસમાં જ પ્રવાસ કરવો પડશે એવા લાગુ કરાયેલા કેટલાક નિયમોના અહેવાલો વચ્ચે એક અહેવાલ એવો પણ મળ્યો છે કે બીસીસીઆઇએ તમામ ટીમોના સુકાનીઓને કૅચ વખતે પોતાના ખેલાડીઓ દ્વારા કરવામાં આવતા સેલિબે્રશન બાબતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે `કૅચ ઝીલતી વખતે જો ફીલ્ડરે બૉલ પર પૂર્ણપણે અંકુશ મેળવ્યો હશે (કૅચ કમ્પ્લીટ કર્યો હશે) અને પોતાના શરીર પર (મૂવમેન્ટ પર) તેનો સંપૂર્ણ અંકુશ હશે તો જ એ કૅચ ગણાશે.'

33.3 નંબરનો નિયમ શું કહે છે?

ક્રિકેટરો માટેની પ્લેઇંગ કન્ડિશન્સની 33.3 નંબરની કલમ મુજબ `ફીલ્ડર શારીરિક રીતે સૌથી પહેલાં બૉલના સંપર્કમાં આવે ત્યારે તેણે કૅચ ઝીલવાની શરૂઆત કરી કહેવાશે અને તેણે બૉલ પર તેમ જ પોતાના શરીરની મૂવમેન્ટ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હશે તો જ એ કૅચ ઝીલાયો કહેવાશે.'

વર્લ્ડ કપ પરથી લીધો બોધ

આ નિયમ નવો નથી, પરંતુ બીસીસીઆઇએ બુધવારે કૅપ્ટનોની મીટિંગમાં કૅચને લગતી આ બાબત પર ભાર મૂક્યો હતો. અમ્પાયરો સહિતના કેટલાક અધિકારીઓએ અમુક વીડિયો ક્લિપ બતાવી હતી જેમાં તેમણે તાજેતરના ટી-20 વર્લ્ડ કપને લગતા કેટલાક ઉદાહરણ આપ્યા હતા. એ વિશ્વકપમાં અમ્પાયરોએ અમુક કૅચ કમ્પ્લીટ ન હોવાથી એ કૅચ ન હોવાનો નિર્ણય આપ્યો હતો. આઇપીએલના કૅપ્ટનોને સ્પષ્ટ સંદેશ મળી ગયો હતો કે કૅચની બાબતમાં આઇપીએલમાં પણ નિયમ કડકપણે લાગુ કરાશે.

ગાંગુલીની ઇમ્પૅક્ટ પ્લેયર વિશેની આગાહી સાચી પડી

ઇમ્પૅક્ટ (Impact) પ્લેયરને લગતો નિયમ જાળવી રાખવામાં આવ્યો છે. બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ મંગળવારે દૃઢપણે કહ્યું હતું કે `ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ રહેશે જ. કોઈને ગમે તો કોઈને ન ગમે, પરંતુ આ નિયમ લાગુ રહેશે એવું હું માનું છું. હું બીસીસીઆઇનો પ્રમુખ હતો ત્યારથી આ નિયમ લાગુ થયો છે.'

ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ શું છે?

ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ એવો છે જેમાં બન્ને ટીમે મૅચની શરૂઆત પહેલાં પ્લેઇંગ-ઇલેવન ઉપરાંત પાંચ-પાંચ ખેલાડીના નામ અમ્પાયરોને આપવા પડે છે અને મૅચ દરમ્યાન ટીમ એ પાંચમાંના કોઈ એક ખેલાડીને પોતાની ઇલેવનમાંના કોઈ પણ એક ખેલાડીના સ્થાને રમાડી શકે છે.

અક્ષરની શું દલીલ હતી?

દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલે ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમની ટીકા કરી છે. અગાઉ પણ કેટલાક કૅપ્ટનો આ નિયમ સામે વાંધો ઉઠાવી ચૂક્યા હતા. અક્ષર પટેલનું એવું કહેવું હતું કે `ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમને કારણે મારા જેવા ઑલરાઉન્ડરના પર્ફોર્મન્સના વિકાસમાં અવરોધ બને છે.' જોકે બીસીસીઆઇએ ચોખવટ કરી દીધી છે કે કમસે કમ 2027ની આઇપીએલની સીઝનના અંત સુધી તો આ નિયમ રહેશે જ.