વર્તમાનમાં ઇઝરાયલ-અમેરિકાએ ઈરાન પર આક્રમણ કર્યું છે એટલે એવું લાગે કે આ બે દેશ ઈરાનના સૌથી મોટા વેરી છે, પરંતુ ઇતિહાસ કંઈક અલગ જ કહે છે.
જયવંત પંડ્યા
અત્યારે ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે. એમ કહેવાય છે કે અમેરિકા અને ઇઝરાયલ મુસ્લિમ દેશોના શત્રુ છે, પરંતુ ઈરાન અને અમેરિકા બે સદાના માટે સામસામે નહોતા. આયાતોલ્લાહ ખોમૈનીના પહેલાં ઈરાન-અમેરિકા વચ્ચે સારા સંબંધો હતા.
જ્યારે બીજા વિશ્વ યુદ્ધમાં સોવિયેત સંઘ અને યુકેએ ઈરાન પર આક્રમણ કરેલું, પરંતુ ખોમૈનીના સમયમાં ઈરાન અને સોવિયેત સંઘ વચ્ચે મિત્રતા વધી. આથી 1980થી ઈરાન અને અમેરિકા વચ્ચે રાજદ્વારી સંબંધો પણ નથી. ઇઝરાયલ અને ઈરાન પણ એક સમયે સાથે-સાથે હતા, તે માનવામાં આવશે?
ઇઝરાયલ પર બેબિલોનના રાજા નેબુચદનનાઝીરે આક્રમણ કરી સોલોમનનું મંદિર તોડી નાખ્યું હતું તે પછી પર્શિયા (આજના ઈરાન)ના રાજા સાઇરસ મહાને (પારસીએ) આક્રમણ કરી બેબિલોનના રાજાને હરાવ્યો હતો અને સોલોમનના મંદિરને પુન: બાંધવા દીધું હતું. તે પછી સિકંદર, રોમન રાજા પોમ્પી, ખ્રિસ્તી રાજા કોન્સ્ટેન્ટિન વગેરેએ આક્રમણ કર્યું.
ઇઝરાયલ બાયઝેન્ટાઇન સામ્રાજ્ય હેઠળ આવ્યું તે પછી ઈ. સ. 611માં ફરીથી પર્શિયા (આજના ઈરાન)ના રાજા ખોશરોએ આક્રમણ કર્યું, જેને યહૂદીઓએ ટેકો આપ્યો હતો. આરબ મુસ્લિમોએ ઈ. સ. 633માં આક્રમણ કરી ઈરાનને ઇસ્લામિક બનાવી દીધું તે પછી ધીમેધીમે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અંતર વધતું ગયું.
અમેરિકા અને ઇઝરાયલને સાઉદી-યુએઇ સાથે વેપારના સંબંધો છે એટલે તેમને મુસ્લિમ દેશોના વિરોધી ન કહી શકાય. અહીં બીજી વાત એ પણ નોંધવા જેવી છે કે અત્યારે યુદ્ધમાં ઈરાન મુસ્લિમ દેશોમાં અમેરિકાનાં સૈન્ય થાણાં પર અને ગેસનાં કેન્દ્રો પર પણ આક્રમણ કરે છે. ઈરાન મુસ્લિમ દેશ હોવા છતાં કુલ 57 મુસ્લિમ દેશોમાં એક પણ દેશે તેના સમર્થનમાં જિહાદની હાકલ કરી નથી.
આનું કારણ ખબર છે? ઈરાન, ઈરાક અને અઝરબૈજાન જેવાં ત્રણ-ચાર દેશને બાદ કરતાં મોટા ભાગના સુન્ની બહુમતી અને વર્ચસ્વવાળા દેશ છે. આ દેશોમાં શિયાઓની હત્યા, તેમને ફાંસી આપવી બહુ સામાન્ય વાત છે. આ દેશોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં શિયાઓની મોટા પાયે હત્યાનું ઘટનાચક્ર જુઓ,જેમકે...
સાઉદી અરેબિયા: 1979થી 1983માં શિયાઓ પર તડાપીટ બોલી. 219ને મારી નાખ્યા. 2015માં શિયાઓના પવિત્ર તહેવાર અશુરામાં આઈએસના આક્રમણમાં પાંચનાં મૃત્યુ થયાં. 2016થી 2024 વચ્ચે કાતીફમાં 93 શિયાઓને ત્રાસવાદના આરોપસર મારી નાખ્યા અને શિયાઓના ટોચના પંથ વડા શૈખ નિમ્ર અલ નિમ્રને ફાંસી આપી.
યુએઇ: યુએઇમાં પાકિસ્તાની શિયાઓ અદૃશ્ય થઈ જવા અથવા તેમને પાકિસ્તાન પાછા મોકલી દેવા સામાન્ય છે. આ ઉપરાંત 2009થી 2016 વચ્ચે યુએઇએ સેંકડો લેબેનીઝ શિયાઓને કોઈ કાયદેસર પ્રક્રિયા વગર પરત મોકલી આપ્યા હતા. ઈ. સ. 2019માં અનેક લેબેનીઝ અદૃશ્ય થઈ ગયા હતા. અનેક પર ત્રાસવાદના આરોપ મૂકી સજા આપવામાં આવી હતી. યુએઇ આવું માત્ર ઈરાકી કે અફઘાની શિયાઓ સાથે પણ કરે છે.
ઓમાન: 15 જુલાઈએ મસ્કતમાં શિયા મસ્જિદમાં ગોળીબારમાં છ માર્યા ગયા હતા અને 28 ઘાયલ થયા હતા.
બહરૈન: 2015માં બહરૈનમાં બોમ્બ ધડાકા માટે ત્રણ શિયાઓને ફાંસીની સજા થઈ હતી.
યમન: યમનમાં ગૃહ યુદ્ધમાં હજારો શિયા હૌથી માર્યા ગયા છે.
સીરિયા: સીરિયામાં બશર અલ અસાદના શાસનના પતન પછી સુન્નીઓના હાથે સેંકડો શિયાઓનાં મોત થયાં હતાં.
ઈરાક: 12 જૂન 2014ના દિને આઈએસઆઈએસે ઈરાકી સેનાના દસ હજાર લોકોને પકડ્યા. તેમાં 1095થી લઈ 1,700ને મારી નાખ્યા.
2016માં હિલ્લા પાસે ટ્રક બોમ્બ ફાટતાં 77 લોકો માર્યા ગયા. તેમાં મોટા ભાગના ઈરાની યાત્રાળુઓ હતા.
2017માં નસીરીયાહ પાસે આત્મઘાતી આક્રમણમાં 50 શિયાનાં મૃત્યુ થયાં.
2021માં શિયા વિસ્તારમાં બોમ્બ ધડાકામાં 30નાં મૃત્યુ થયાં.
ઇજિપ્ત: ઇજિપ્તના અબુ મુસલિમ ગામમાં 2013માં સલાફી સુન્ની સહિતના 3,000નાં ટોળાંએ ચાર શિયાને મારી નાખ્યા.
ઇજિપ્તમાં 24 નવેમ્બર 2017ના દિને ઉત્તર સિનાઈમાં અલ રાવડા મસ્જિદમાં બોમ્બ ધડાકામાં 311 શિયાઓનાં મૃત્યુ થયાં.
પાકિસ્તાન: પાકિસ્તાનમાં 1987થી 2007 દરમિયાન 4,000 શિયા માર્યા ગયા. ભારત વિરુદ્ધ ત્રાસવાદી સંગઠન હોય તે તો સમજાય, પણ શિયાઓ વિરુદ્ધ લડનારું ત્રાસવાદી સંગઠન લશ્કર એ જહાંગવી અને સિપાહ એ સહાબા છે.
2008 પછી સલાફી/દેવબંદી ઉગ્રવાદીઓએ હજારો શિયાઓની હત્યા કરી.
2013માં અબાસ શહેર બોમ્બ ધડાકામાં 45, 2013ના ક્વેટ્ટામાં બે બોમ્બ ધડાકામાં 200થી વધુ, 2015ના શિકારપુર મસ્જિદ આક્રમણમાં 61નાં મૃત્યુ. આવા તો અનેક બનાવો છે, પણ જગ્યાના અભાવે મુખ્ય-મુખ્ય જ લીધા છે.
અફઘાનિસ્તાન: 1997-98માં (એ સમયે) પાકિસ્તાનના કઠપૂતળી જેવા તાલિબાનો સત્તામાં આવ્યા પછી મઝાર એ શરીફ અને બામિયાનમાં હજારો શિયાઓનો નરસંહાર કરાયો. અફઘાનિસ્તાનમાં 24 જુલાઈ 2016એ આત્મઘાતી બોમ્બ ધડાકામાં 80 શિયાનાં મૃત્યુ.
*21 નવેમ્બર 2016એ 32 શિયાઓની હત્યા.
*1 ઑગસ્ટ 2017એ 33 શિયાઓની હત્યા.
*25 ઑગસ્ટ 2017એ 35 શિયાઓની હત્યા.
*20 ઑક્ટોબર 2017એ 69 શિયાઓની હત્યા.
*28 ડિસેમ્બર 2017એ 42 શિયાઓની હત્યા.
*21 માર્ચ 2018એ 33 શિયાઓની હત્યા.
*18 ઑગસ્ટ 2019એ શિયાઓના લગ્નમાં બોમ્બ ફાટતાં 63નાં મૃત્યુ.
*6 માર્ચ 2020એ 32 શિયાઓની હત્યા.
*12 માર્ચ 2020એ 24 શિયાઓની હત્યા.
*25 ઑક્ટોબર 2020એ 30 શિયાઓની હત્યા.
*8 માર્ચ 2021 એ 50 શિયાઓની હત્યા.
*8 ઑક્ટોબર 2021 એ 72 શિયાઓની હત્યા.
*15 ઑક્ટોબર 2021એ 63 શિયાઓની હત્યા.
*21 એપ્રિલ 2022એ અફઘાનિસ્તાનમાં 33 શિયાઓની હત્યા. 30 સપ્ટેમ્બર 2022એ બોમ્બ ધડાકામાં 53 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનાં મૃત્યુ.
*12 સપ્ટેમ્બર 2024 એ હાજીઓનું સ્વાગત કરવા ગયેલા 14 શિયા હઝારાની આઈએસઆઈએસે હત્યા કરી.
એટલે અમેરિકા-ઇઝરાયલ ઈરાન સાથે યુદ્ધ ન કરે તોય સુન્નીઓમાં શિયાઓની સામે એટલો વિરોધ છે કે તેમને છોડતા નથી. અહીં વાત બધા સુન્નીઓની નથી, પણ જે લોકો આવું કરે છે તેમની છે.