Sat Jul 18 2026

Logo

નેલ્સન મંડેલા ઈન્ટરનેશનલ ડે: 67 મિનિટની સેવા દ્વારા પરિવર્તનનો સંદેશ!

2026-07-18 14:43:00
Author: Darshana Visaria
Article Image

આજે, 18મી જુલાઈના રોજ સમગ્ર વિશ્વ 'નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ' ઉજવી રહ્યું છે. આ દિવસ માત્ર દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન સમાજસેવી નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ આપવા માટે નથી, પરંતુ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અવસર છે. મંડેલાએ પોતાનું સંપૂર્ણ જીવન સમાનતા, ન્યાય, શાંતિ અને માનવતાની સેવા માટે સમર્પિત કર્યું હતું. આજના દિવસે લોકો 67 મિનિટ સમાજસેવા કરે છે, ચાલો જાણીએ શું છે આ 67 મિનિટની સર્વિસનું મહત્ત્વ... 

શું છે '67 મિનિટ'નું રહસ્ય?
આ દિવસની સૌથી ખાસ વાત '67 મિનિટ સેવા' (67 Minutes of Service) છે. આ સેવા મંડેલાના સમાજ અને માનવતા માટેના 67 વર્ષના સંઘર્ષ અને યોગદાનનું પ્રતીક છે. વર્ષ 2009માં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોને પ્રેરિત કરવાનો છે કે તેઓ પોતાના દિવસમાંથી ઓછામાં ઓછી 67 મિનિટ જરૂરિયાતમંદોની મદદ કરવા, વૃક્ષારોપણ કરવા, શિક્ષણ આપવા કે અન્ય સામાજિક કાર્યો પાછળ ફાળવે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ નવેમ્બર 2009માં 18મી જુલાઈને સત્તાવાર રીતે 'નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે જાહેર કર્યો હતો. પ્રથમ અધિકૃત ઉજવણી 18મી જુલાઈ 2010ના રોજ મંડેલાના 92મા જન્મદિવસે કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં લોકો આ દિવસે માનવતાના કાર્યોમાં જોડાય છે.

કોણ હતા નેલ્સન મંડેલા?
વાત કરીએ નેલ્સન મંડેલા કોણ હતા એની તો તેમનો જન્મ 18મી જુલાઈ 1918ના રોજ દક્ષિણ આફ્રિકાના મ્વેજો ગામમાં થયો હતો. તેમણે રંગભેદ નીતિ વિરુદ્ધ વર્ષો સુધી આંદોલન કર્યું અને અશ્વેત લોકોને સમાન અધિકાર અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં પણ પોતાના સિદ્ધાંતો માટે તેમણે 27 વર્ષ જેલમાં વિતાવ્યા, છતાં તેઓ મક્કમ રહ્યા હતા. 1994થી 1999 સુધી તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા અને 1993માં તેમને 'નોબેલ શાંતિ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નેલ્સન મંડેલા દિવસ આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિમાં સમાજને બદલવાની ક્ષમતા હોય છે. એક નાનકડો સહયોગ પણ કોઈના જીવનમાં મોટી ખુશી લાવી શકે છે. આજે, આપણે પણ મંડેલાના માર્ગે ચાલીને સમાજ માટે કઈક સારું કરવાનો સંકલ્પ કરીએ.