Wed Aug 19 2026

Logo

Best Monsoon Hill Stations: લોનાવાલાથી ચેરાપુંજી સુધી... ચોમાસામાં સ્વર્ગસમાન બની જાય છે આ સાત હિલ સ્ટેશન!

2026-08-13 20:55:17
Author: Mumbai Samachar Team
Article Image

ચોમાસું બેસતાં જ કુદરત સોળે કળાએ ખીલી ઊઠે છે અને પહાડોનો રંગ બદલાઈ જતો હોય છે. ચારેબાજુ હરિયાળી, વાદળોની છાયા, ધુમ્મસની ચાદર અને ખળખળ વહેતાં ઝરણાં પહાડી વિસ્તારોને કોઈ ફિલ્મી દ્રશ્ય જેવા સુંદર બનાવી દે છે. જો આ મોસમમાં તમે શહેરની દોડધામ અને રોજિંદા રૂટિનથી દૂર જઈને પ્રકૃતિના ખોળામાં શાંતિ અનુભવવા માંગતા હોવ, તો હિલ સ્ટેશનની સફર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આવો જાણીએ ભારતના એવા સાત મિસ્ટી અને હરિયાળા હિલ સ્ટેશનો વિશે, જ્યાં વરસાદના દિવસોમાં જવું એ એક યાદગાર અનુભવ બની રહે છે.

મુન્નાર (કેરળ)
કેરળમાં આશરે 1600 મીટરની ઊંચાઈ પર વસેલું મુન્નાર ચોમાસામાં અત્યંત રમણીય બની જાય છે. અહીં દૂર-દૂર સુધી ફેલાયેલા ચાના બગીચાઓ જ્યારે ધુમ્મસથી અડધા ઢંકાઈ જાય છે, ત્યારે સમગ્ર વિસ્તાર શાંત અને સુંદર દેખાય છે. વરસાદ બાદ ખીલેલાં ઝરણાં અને પહાડોનો નજારો જોવાલાયક હોય છે.

ચેરાપુંજી (મેઘાલય)
મેઘાલયનું ચેરાપુંજી (સોહરા) મોન્સૂન પ્રેમીઓ માટે સૌથી પ્રિય સ્થળ છે. વરસાદના દિવસોમાં અહીં વાદળો, પહાડો અને ઝરણાંનું મિલન મન મોહી લે છે. અહીંનો પ્રખ્યાત નોહકલિકાય ધોધ ચોમાસામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે.

મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
પશ્ચિમી ઘાટની ગિરિમાળાઓમાં આવેલું મહાબળેશ્વર વરસાદમાં લીલીછમ ચાદર ઓઢી લે છે. ખીણોમાં સરકતું ધુમ્મસ, જંગલોની ઠંડી હવા અને રસ્તાઓ પરથી વહેતાં પાણી પ્રવાસને અદ્ભુત બનાવે છે. વાદળો એટલા નજીક આવી જાય છે કે ધુમ્મસમાં ચાલવાનો એક અલગ જ આનંદ મળે છે.

કુર્ગ (કર્ણાટક)
કોફીના બગીચાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત કુર્ગ ચોમાસામાં ખૂબ તાજગીપૂર્ણ બની જાય છે. ધુમ્મસથી ઘેરાયેલા ડુંગરો, ઘનઘોર જંગલો અને વરસાદનો મનોહર અવાજ માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડે છે.

લોનાવાલા (મહારાષ્ટ્ર)
મુંબઈ અને પુણેના લોકો માટે ચોમાસાનું સૌથી લોકપ્રિય 'વીકેન્ડ સ્પોટ' એટલે લોનાવાલા. વરસાદ શરૂ થતાં જ અહીં પહાડો પરથી નાના-મોટા અસંખ્ય ઝરણાં ફૂટી નીકળે છે. ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને ભીના રસ્તાઓ અહીંના પ્રવાસને રોમાંચક બનાવે છે.

ઊટી (તમિલનાડુ)
નીલગિરીના પહાડો વચ્ચે વસેલું ઊટી ચોમાસામાં શાંત અને અદ્ભુત દેખાય છે. ચાના બગીચાઓ, તળાવો અને આસપાસની પહાડીઓ પર હળવા ધુમ્મસનું આવરણ સોંદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે.

વાયનાડ (કેરળ)
જો તમને શાંત વાતાવરણ અને ગાઢ જંગલો પસંદ હોય તો વાયનાડ બેસ્ટ ઓપ્શન છે. ચોમાસામાં અહીંના પહાડો અને બગીચાઓ ઘાટા લીલા રંગમાં ખીલી ઊઠે છે. વરસાદને કારણે અહીંના ધોધ વધુ જીવંત અને આકર્ષક બને છે.

મોન્સૂન ટ્રિપ દરમિયાન રાખવાની ખાસ તકેદારી:

ચોમાસામાં હિલ સ્ટેશનની સફર જેટલી સુંદર હોય છે, તેટલું જ તેમાં જોખમ પણ રહેલું હોય છે. ઘરેથી નીકળતા પહેલાં સ્થાનિક હવામાનની પૂરી માહિતી મેળવવી જરૂરી છે. પ્રવાસ દરમિયાન નદી-ઝરણાંના ઊંડા પાણીમાં જવાથી બચવું, સારી ગ્રીપવાળા શૂઝ પહેરવા, રેઈનકોટ-ઈમરજન્સી સાધનો સાથે રાખવા અને લેન્ડસ્લાઈડ કે માર્ગ બંધ થવાની સ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવો.