આજના આધુનિક યુગમાં એટીએમ (ATM) આપણા રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આજે રોકડ ઉપાડવા માટે બેંકની લાંબી લાઈનોમાં ઊભા રહેવાને બદલે માત્ર ૨ મિનિટમાં નજીકના એટીએમ સેન્ટર પર જઈને કેશ મેળવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એટીએમની શરૂઆત ક્યારે અને કયા શહેરમાં થઈ હતી? તે સમયે કોઈ પણ કર્મચારી વગર માત્ર કાર્ડ અને પિન નાખીને મશીનમાંથી આપમેળે પૈસા નીકળવા એ લોકો માટે કોઈ ચમત્કારથી ઓછું નહોતું! આવો જાણીએ ભારતમાં એટીએમની શરૂઆત, તેનું પહેલું લોકેશન અને બેન્કિંગ ક્ષેત્રે આવેલા ક્રાંતિકારી બદલાવ વિશે...
ભારતમાં પહેલું ATM ક્યાં અને ક્યારે લગાવવામાં આવ્યું હતું?
ભારતમાં સૌપ્રથમ એટીએમ મશીન વર્ષ 1987માં દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મશીન જાણીતી વિદેશી બેંક HSBC (Hongkong and Shanghai Banking Corporation) દ્વારા તેની મુંબઈ બ્રાન્ચમાં શરૂ કરવામાં આવ્યું હતું. એ સમયે ભારતીયો માટે આ ટેકનોલોજી સાવ અજાણી હતી. બેંકના કોઈ પણ કર્મચારીની મદદ વિના માત્ર એક મશીનમાં કાર્ડ નાખીને પૈસા ઉપાડવાનો અનુભવ લોકો માટે ભારે રોમાંચક અને આશ્ચર્યજનક રહ્યો હતો.
1987 પહેલાં દેશમાં કેવી હતી બેન્કિંગ સિસ્ટમ?
વાત કરીએ 1987 પહેલાં ભારતમાં બેન્કિંગ સિસ્ટમ કેવી હતી એની તો એ સમયે કોઈપણ વ્યક્તિએ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ફરજિયાતપણે બેંકની શાખામાં જવું પડતું હતું. વિડ્રોઅલ ફોર્મ કે ચેક ભરીને બેંક કર્મચારી પાસે જવું પડતું હતું અને લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવું પડતું હતું. બેંક બંધ થયા પછી કે રજાના દિવસે રોકડ મેળવવી અશક્ય હતી. પરંતુ એટીએમ આવ્યા બાદ લોકોની બેંકની શાખા અને તેના સમય પર નિર્ભરતા ઘણી ઓછી થઈ ગઈ.
ATM નું પૂરું નામ અને તેના ફાયદા:
વાત કરીએ એટીએમના ફૂલફોર્મની તો એટીએમનું ફૂલફોર્મ Automated Teller Machine (ઓટોમેટેડ ટેલર મશીન) છે. જેને ગુજરાતી કે હિન્દીમાં સ્વચાલિત ગણક યંત્ર કે સ્વચાલિત ટેલર મશીન પણ કહેવાય છે. આજે એટીએમ માત્ર કેશ કાઢવા પૂરતું સીમિત નથી રહ્યું. તેના દ્વારા એકાઉન્ટ બેલેન્સ ચેક કરવું, મિની સ્ટેટમેન્ટ કાઢવું, પિન બદલવો, પૈસા જમા કરાવવા અને કાર્ડ-ટુ-કાર્ડ ફંડ ટ્રાન્સફર જેવી અસંખ્ય સેવાઓ ચોવીસે કલાક ઉપલબ્ધ બને છે.
જોકે આજના યુપીઆઈ (UPI) અને ડિજિટલ પેમેન્ટના યુગમાં રોકડનો ઉપયોગ ઘટ્યો છે, તેમ છતાં ઈમરજન્સી અને કેશ જરૂરિયાતો માટે આજે પણ એટીએમ સામાન્ય માણસનો સૌથી મોટો સહારો છે.