ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આ ભેજની સૌથી વધુ અસર રસોડામાં રાખવામાં આવતા મસાલા અને ખાસ કરીને મીઠા પર પડે છે. ચોમાસામાં મીઠાની બરણી કે ડબ્બામાં ભેજ લાગી જવાનો કારણે મીઠું ભીનું થઈ જાય છે કે પછી તેમાં ગાંઠો પડી જાય છે અથવા તે વાસણમાં નીચે ચોંટી જાય છે. આનાથી રસોઈ કરતી વખતે કે સ્પ્રિંકલર વડે ચપટી મીઠું વાપરતી વખતે ભારે મુશ્કેલી પડે છે.
મીઠામાં ભેજને શોષી લેવાનો કુદરતી ગુણ હોય છે. જો તમે પણ ચોમાસામાં ચોંટી જતા મીઠાથી પરેશાન છો, તો રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી કાયમી ઉકેલ મેળવી શકો છો.
ચોખાના દાણાનો ઉપયોગ:
મીઠાની બરણી કે સ્પ્રિંકલરમાં ૧૦ થી ૧૨ આખા ચોખાના દાણા ઉમેરી દો. ચોખામાં ભેજ શોષવાની અદ્ભુત ક્ષમતા હોય છે. ચોખા બરણીમાં રહેલા વધારાના ભેજને પોતે શોષી લેશે, જેનાથી મીઠું એકદમ સૂકું અને છૂટું રહેશે.

લવિંગ મુકો:
મીઠાના ડબ્બામાં ત્રણથી ચાર આખા લવિંગ નાખી દો. લવિંગ માત્ર ભેજને દૂર રાખવામાં જ મદદ નથી કરતા, પરંતુ તેની કુદરતી સુગંધથી મીઠામાં કોઈપણ પ્રકારની દુર્ગંધ કે કીડી-મંકોડા પણ આવતા નથી.
કાચ અથવા ચીનાઈ માટીના વાસણનો ઉપયોગ:
ચોમાસામાં મીઠાને ક્યારેય સ્ટીલ, લોખંડ કે પ્લાસ્ટિકના ડબ્બામાં ન રાખવું જોઈએ, કારણ કે તેનાથી મીઠું વધુ ભેજ પકડે છે. મીઠાને હંમેશા એર-ટાઈટ કાચની બરણી કે ચીનાઈ માટીના વાસણમાં જ સ્ટોર કરવું.
બ્લોટિંગ પેપર અથવા ટીશ્યુ પેપર:
મીઠાની બરણીના તળિયે અથવા ઢાંકણની અંદરના ભાગમાં એક નાનો ટીશ્યુ પેપર કે બ્લોટિંગ પેપર મૂકી દો. આ પેપર વાતાવરણમાંથી આવતા ભેજને સોસી લેશે અને મીઠાને ભીનું થવા દેશે નહીં.
રાજમા કે સૂકા કઠોળના દાણા:
જો ચોખા ઉપલબ્ધ ન હોય તો તમે મીઠાના ડબ્બામાં બેથી ત્રણ રાજમાના દાણા પણ મૂકી શકો છો. તે પણ ચોખાની જેમ જ ભેજ શોષક તરીકે ઉત્તમ કામ કરે છે.