Thu Jun 18 2026

Logo

ઇતિહાસ કહે છે કે વાનખેડે નૉકઆઉટમાં ભારતીય ટીમ માટે ખાસ નથી, પરંતુ આજે...

2026-03-05 17:19:23
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ક્રિકેટ જગતના સૌથી લોકપ્રિય સ્ટેડિયમોમાં ગણાતું મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ અગણિત ક્રિકેટપ્રેમીઓનું લાડકું છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હોય કે આઇપીએલ, આ સ્ટેડિયમમાં દરેક મૅચમાં હજારો પ્રેક્ષકો ભરપૂર મોજ માણતા હોય છે, પરંતુ ઇતિહાસ કહે છે કે ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે આ મેદાન નૉકઆઉટ રાઉન્ડમાં ખાસ નથી રહ્યું. હા, આજે સાંજે 7.00 વાગ્યાથી ઇંગ્લૅન્ડ સામે રમાનારી મૅચ ટી-20 વર્લ્ડ કપની હાઈ-વૉલ્ટેજ સેમિ ફાઇનલ છે જેમાં વર્લ્ડ નંબર-વન ભારતીય ટીમ જબરદસ્ત પર્ફોર્મ કરીને ઇતિહાસને ખોટો પાડે તો નવાઈ નહીં. બન્ને ટીમ ત્રીજા વર્લ્ડ કપ ટાઇટલ માટે આજે ફાઇનલમાં પહોંચવા કમર કસશે.

ખાસ કરીને વર્લ્ડ કપના નૉકઆઉટમાં વાનખેડે (Wankhede) સ્ટેડિયમ ભારત માટે બહુ સારું નથી રહ્યું. 2023માં ન્યૂ ઝીલૅન્ડ સામેની જીતને બાજુ પર રાખીએ તો ભારતે આ મેદાન પર ત્રણ આઇસીસી નૉકઆઉટ મુકાબલામાંથી બે મુકાબલામાં પરાજય જોવો પડ્યો છે. એમાં 1987ના વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલ પણ સામેલ છે જેમાં ઇંગ્લૅન્ડે ભારતને હરાવ્યું હતું. એ મૅચમાં ગે્રહામ ગૂચે 115 રન કર્યા હતા જેના થકી ઇંગ્લૅન્ડે 254 રન બનાવ્યા એ પછી ભારતની ટીમનો દાવ 45.3 ઓવરમાં 219 રનના ટોટલ પર સમેટાઈ ગયો હતો. એ મૅચમાં મોહમ્મદ અઝહરુદ્દીને 64 રન કર્યા હતા.

સૂર્યા અને બ્રૂક મજબૂત બૅટિંગ માટે જાણીતા

નવાઈની વાત એ છે કે આ વખતે વર્લ્ડ કપની સેમિ ફાઇનલ છે અને સામે ઇંગ્લૅન્ડની જ ટીમ છે. જોકે આ વિશ્વ કપમાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારત (India)ની ટીમ અને હૅરી બ્રૂકની કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડ (England)ની ટીમ ક્યારેક થોડી નાજુક સ્થિતિમાં જોવા મળી હતી. એ જોતાં આજે કઈ ટીમ ફરી નાજુક સ્થિતિમાં આવી જશે અને કોણ હાવી થઈ જશે એ અત્યારે કહી ન શકાય. ખાસ કરીને બન્નેના કૅપ્ટન આજે સારું રમશે કે કેમ એ જોવું રહ્યું. બન્ને સુકાની મૅચ-વિનિંગ બૅટિંગ પર્ફોર્મન્સ માટે જાણીતા છે.

સાવધાન...વિલ જૅક્સ ચાર અવૉર્ડ જીત્યો છે

ભારતમાં બન્ને દેશ વચ્ચે થયેલા મુકાબલાઓમાં ઇંગ્લૅન્ડથી ભારત 10-6થી આગળ છે. પાછલી દસમાંથી સાત મૅચમાં ભારત જીત્યું છે. આ વર્લ્ડ કપમાં ભારતના ટૉપ સાતમાંથી છ બૅટ્સમેન ઓછામાં ઓછી એક હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યા છે. સ્પિનના દાવપેચ જાણીતો ઇંગ્લૅન્ડનો બૅટિંગ ઑલરાઉન્ડર વિલ જૅક્સ આ વખતની ટૂર્નામેન્ટમાં ચાર વખત મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી ચૂક્યો છે.