Thu Jun 18 2026

Logo

IND vs ENG Semifinal: આજે ટીમ ઈન્ડિયાની એક ભૂલ અને રોળાઈ જશે રેકૉર્ડ-બ્રેક ત્રીજા ટાઈટલનું સપનું...

2026-03-05 14:34:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે ક્રિકેટ વર્લ્ડની સૌથી મોટી રોમાંચક મેચ રમાવવા જઈ રહી છે. ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ આમને-સામને ટકરાવવા જઈ રહી છે. 'સૂર્યા બ્રિગેડ' માટે આ માત્ર મેચ નથી, પણ 2024ની વિજયગાથાને ફરી જીવંત કરવાની અને ફાઈનલમાં પ્રવેશવાની સુવર્ણ તક છે. જોકે, આ બધા વચ્ચે ચર્ચા થઈ રહી છી ટીમ ઈન્ડિયાની એક નાનકડી ભૂલની કે જે તેના માટે મુસીબત બની શકે છે. ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલ ખુદ એ ભૂલને લઈને ચિંતામાં છે. ચાલો જોઈએ શું છે આ ભૂલ અને કેવો છે ઈન્ડિયા વર્સીસ ઈંગ્લેન્ડની મેચનો ઈતિહાસ... 

ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો ડર: 'કેચ છૂટી તો મેચ છૂટી'
બેટિંગ અને બોલિંગમાં મજબૂત દેખાતી ટીમ ઈન્ડિયાની નબળી કડી તેની ફિલ્ડિંગ સાબિત થઈ રહી છે અને જે આંકાં સામે આવી રહ્યા છે એ ખરેખર ટેન્શન વધારનારા જ છે. આ વર્લ્ડ કપ એડિશનમાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ 17 કેચ છોડ્યા છે. જ્યારે બીજા નંબરે છે ટીમ શ્રીલંકા. શ્રીલંકન ટીમે 11  કેચ છોડ્યા છે. ઈંગ્લેન્ડ જેવી આક્રમક ટીમ સામે જો જોસ બટલર કે ફિલ સોલ્ટ જેવા બેટ્સમેનનો કેચ છૂટશે, તો તે ભારતને ફાઈનલની રેસમાંથી બહાર કરી શકે છે અને ટીમ ઈન્ડિયાનું રેકોર્ડ બ્રેક ત્રણ ટાઈટલ જિતવાનું સપનું રોળાઈ જશે. 

બોલિંગ કોચ મોર્ને મોર્કલે આપી ચેતવણી
ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કલે પણ સ્વીકાર્યું છે કે ટીમ ફિલ્ડિંગમાં ૧૫-૨૦ રન વધારાના આપી રહી છે. સેમીફાઈનલ જેવી મોટી મેચમાં એક-એક રન અને એક-એક કેચની કિંમત સોના બરાબર હોય છે. ટીમ આ નબળાઈ પર સતત કામ કરી રહી છે, પણ મેદાન પર તેનું અમલીકરણ સૌથી મોટો પડકાર છે.

ભૂતકાળના આંકડાઓમાં કઈ ટીમનું પલડું વધારે ભારે?
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં જંગ હવે એક પરંપરા બની ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લાં ત્રણ વર્લ્ડ કપમાં આ બંને ટીમો સતત ત્રીજી વખત આજે સેમીફાઈનલમાં એકબીજાની સામે મેદાનમાં ઉતરી રહી છે. નજર કરીએ ભૂતકાળના રેકોર્ડ પર તો 2022માં ઈંગ્લેન્ડની ટીમે ઈન્ડિયન ટીમને હરાવીને બહાર કરી દીધી હતી. જેના જવાબમાં 2024માં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી હતી. હવે આ બધા વચ્ચે આજે 2026માં રમાનારી બીજી સેમિફાઈનલમાં જોવા મળશે તે આખરે કઈ ટીમનું પલડું વધારે ભારી છે. 

વર્લ્ડ કપમાં કેવું બંને ટીમનું પર્ફોર્મન્સ?
ઈન્ટરનેશનલ ટી20ની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 29 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 17 અને ઈંગ્લેન્ડે 12 મેચમાં વિજય હાંસિલ કર્યો હતો. વર્લ્ડ કપની વાત કરીએ તો રમાયેલી પાંચ મેચમાંથી 3 મેચ સાથે ટીમ ઈન્ડિયાનું પલડું ત્યાં પણ ભારે જ છે જ્યારે ઈંગ્લેન્ડ બે ક૫ સાથે પાછળ ચાલી રહ્યું છે. ટીમ ઈન્ડિયા સતત છઠ્ઠી વખત અને ઈંગ્લેન્ડ સતત પાંચમી વખત ટી20 વર્લ્ડ કપના સેમીફાઈનલ સ્ટેજ પર પહોંચ્યું છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

ટીમ ઈન્ડિયા:

સંજૂ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી. 

ટીમ ઈંગ્લેન્ડ:
ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કરન, વિલ જેક્સ, લિયમ ડોસન, રેહાન અહેમદ, જોફ્રા આર્ચર અને આદિલ રશીદ.