Thu Jun 18 2026

Logo

વાનખેડેમાં ગુરુવારે ખેલ ખરાખરીનો...

2026-03-04 22:06:08
Author: Ajay Motiwala
Article Image

સૂર્યકુમારના વર્લ્ડ નંબર-વન શૂરવીરો વટ પાડશે કે હૅરી બ્રૂકના વર્લ્ડ નંબર-ટૂ બળિયાઓ મેદાન મારી જશે?: સાંજે 7.00 વાગ્યાથી સેમિ ફાઇનલ જંગ

મુંબઈઃ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં 35,000-પ્લસ પ્રેક્ષકોની હાજરીમાં ટી-20 વર્લ્ડ કપની રોમાંચક સેમિ ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે. ટી-20ના રૅન્કિંગમાં ભારત (India) વર્લ્ડ નંબર-વન છે અને ઇંગ્લૅન્ડ બીજા ક્રમે છે. બન્ને ટીમ સ્પિનરોના જાદુથી જીતી શકે એમ છે અને બન્ને પાસે મજબૂત બૅટિંગ લાઇન-અપ પણ છે.

બન્ને પાસે બે-બે તાજ છે

ભારત બે વખત (2007માં અને 2024માં) ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂક્યું છે, જ્યારે ઇંગ્લૅન્ડ (England) પણ બે વખત તાજ જીત્યું છે અને એ એને 2010માં તથા 2022માં મળ્યો હતો. 2010માં પૉલ કૉલિંગવૂડની ટીમે સેમિ ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું અને ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે જીતીને ટ્રોફી જીતી લીધી હતી. 2022માં જૉસ બટલરના સુકાનમાં ઇંગ્લૅન્ડે રોહિત શર્માના નેતૃત્વમાં રમનાર ભારતીય ટીમને પરાજિત કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં બ્રિટિશ ટીમને પાકિસ્તાનને પછાડ્યું હતું. વાત નીકળી છે તો કહી દેવાનું કે ભારતે 2022ના ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલની હારનો બદલો ઇંગ્લૅન્ડ સામે 2024ની સેમિ ફાઇનલમાં લઈ જ લીધો હતો, પરંતુ હવે ફરી બન્ને ટીમ સેમિમાં સામસામે આવી છે એટલે બ્રિટિશ ટીમને ફરી એક વખત હરાવીને ટૂર્નામેન્ટની બહાર કરવાનો ભારતને મોકો મળ્યો છે. યાદ હશે જ કે 2024ની સેમિમાં ઇંગ્લૅન્ડને હરાવ્યા બાદ ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને પરાજિત કર્યું હતું.

ભારતનો એકેએક ખેલાડી મૅચ-વિનર

આ વખતે ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયનના ટૅગ સાથે રમી રહ્યું અને વર્લ્ડ નંબર-વન પણ છે. સૂર્યકુમારનો એકેએક શૂરવીર મૅચ-વિનર છે એટલે વાનખેડેમાં ભારતને નમાવવાનું ઇંગ્લૅન્ડ માટે ખૂબ મુશ્કેલ કામ છે. બીજી તરફ, કૅપ્ટન હૅરી બ્રૂકને બાદ કરતા ઇંગ્લૅન્ડની ટીમના ખ્યાતનામ બૅટ્સમેનો જૉસ બટલર, ફિલ સૉલ્ટ, જૅકબ બેથેલ આ વર્લ્ડ કપમાં સતત સારું રમવામાં નિષ્ફળ ગયા છે જેનો ભારતીય બોલર્સ ફાયદો ઉઠાવી શકશે.

હેડ-ટૂ-હેડમાં ભારત બ્રિટિશરોથી આગળ

(1) ટી-20 વર્લ્ડ કપમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચ રમાઈ છે જેમાં ભારત 3-2થી આગળ છે. આ પાંચમાંથી ઉપરાઉપરી બે સેમિ ફાઇનલ (2022 તથા 2024)માં બન્ને ટીમ સામસામે આવી હતી જેમાં તેઓ 1-1થી બરાબરીમાં હતા. ટી-20માં એકંદરે પણ ભારત બ્રિટિશરોથી આગળ છે. 17 ભારત અને 12 ઇંગ્લૅન્ડ જીત્યું છે. ભારત ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે છેલ્લી સાતમાંથી છ ટી-20 મૅચ જીત્યું છે. એમાં છેલ્લો મુકાબલો વાનખેડેમાં ફેબ્રુઆરી, 2025માં થયો હતો અને ભારતે અભિષેક શર્માના 135 રનની મદદથી એમાં 150 રનના માર્જિનથી શાનદાર વિજય મેળવ્યો હતો. અભિષેકે એમાં 13 છગ્ગા ફટકાર્યા હતા. એ જોતાં ગુરુવારે બ્રિટિશરો તેને કાબૂમાં રાખવા કોઈ કસર નહીં છોડે.