(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે જિલ્લાના ઓલ્ડ ડોમ્બિવલી વિસ્તારમાં ડીપ ફ્રીઝરમાંથી કરંટ લીકેજ થવાને કારણે ૩૭ વર્ષના આઈસક્રીમ દુકાનના માલિકનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. આ ઘટના ૨૭ ઑગસ્ટની સાંજે બની હતી અને પીડિતની ઓળખ જગદીશ ગદરી તરીકે થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ જગદીશ ગદરી ડીપ ફ્રીઝરમાં સ્ટોક ગોઠવી રહ્યો હતો, ત્યારે અચાનક ઉપકરણમાંથી વીજકરંટ પસાર થઈ ગયો, જેના કારણે તેને ગંભીર આંચકો લાગ્યો અને તે જમીન પર પડી ગયો હતો. તેની આજુબાજુના લોકો તેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હાજર ડૉકટરોએ તેને મૃત જાહેર કર્યો.
પોલીસે જણાવ્યું હતું કે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. વિષ્ણુ નગર પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર