Sun May 31 2026

Logo

હિમાચલ પ્રદેશમાં ભયાનક અકસ્માત: સાચ પાસ નજીક ટેક્સી ખીણમાં ખાબકતાં 8 પ્રવાસીના મોત

2026-05-31 19:18:40
Author: Devayat Khatana
Article Image

ડેલહાઉસીથી ફરવા નીકળેલા કર્ણાટક અને છત્તીસગઢના પરિવારો કાળનો કોળિયો બન્યા, GPS લોકેશન દ્વારા અકસ્માતની જાણ થઈ

દહેરાદૂન: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સાચ પાસ માર્ગ પર એક  ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ચાલક સહિત કુલ આઠ લોકોનાં મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, બેંગલુરુ અને છત્તીસગઢથી આવેલા બે પ્રવાસી પરિવારો  ડેલહાઉસીથી એક જ ટેક્સીમાં સાચ પાસ ફરવા ગયા હતા, ત્યાંથી પરત ફરતી વખતે વળાંક પાસે તેમની ટેક્સી ઊંડી ખીણમાં ખાબકતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

મળતી વિગતો અનુસાર બેંગ્લુરુથી ફરવા આવેલા એક પરિવારે ડેલહાઉસીમાં પહાડો અને બરફની મજા માણવા માટે એક ટેક્સી બુક કરાવી હતી. દરમિયાન તેમણે અન્ય એક પ્રવાસી પરિવાર સાથે વાતચીત કરી અને બંને પરિવારોએ સાથે મળીને ટેક્સી શેર કરવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું હતું ત્યાર બાદ શનિવારે બંને પરિવારો ડેલહાઉસીથી ટેક્સીમાં બૈરાગઢ-કિલાડ માર્ગ પર સાચ જોત તરફ જવા રવાના થયા હતા. જોકે, સાચ પાસથી બૈરાગઢ પરત ફરતી વખતે વળાંક પર વાહન ઊંડી ખીણમાં પડ્યું હતું.

પ્રવાસીઓ દ્વારા બુક કરાવવામાં આવેલી ટેક્સી લાંબા સમય સુધી ડેલહાઉસી પરત ન ફરતાં ટેક્સી માલિકને ચિંતા થવા લાગી હતી. તેમણે  GPS સિસ્ટમ દ્વારા વાહનનું લોકેશન ચેક કર્યું, જેમાં કાર કાલાવન પાસે એક જ જગ્યાએ ઊભી હોવાનું અને તેમાં કોઈ હિલચાલ ન હોવાનું જાણવા મળ્યું હતું. 

શનિવારે આ અંગેની જાણ તીસા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ દુર્ઘટના એટલી ભયાનક હતી કે કારમાં સવાર તમામ આઠ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં વાહન ચાલક વિશ્વાસ સલ્હોતા (રહે. બનિખેત) તેમ જ કર્ણાટક અને છત્તીસગઢના પ્રવાસીઓ અરવિંદ ચંદ્રાકર, પ્રાચી, દર્શ, અકશદ, પી.જી. કાર્તિઘાયન, મણિમાલા અને નંદનનો સમાવેશ થાય છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ચંબા ખાતે મોકલી આપ્યા હતાં અને બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.