મુંબઈઃ અહીં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ (એમઆઇ) સામે આઇપીએલ-19ની લીગ મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના કૅપ્ટન અજિંક્ય રહાણે (67 રન, 40 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) અને સાથી ઓપનર ફિન ઍલન (37 રન, 17 બૉલ, બે સિક્સર, છ ફોર)ની જોડી ટીમ માટે મોટા ટોટલ માટેનો મજબૂત પાયો નાખી રહ્યા હતા એ દરમ્યાન એક તબક્કે કૅપ્ટન હાર્દિક પંડ્યા તેમ જ ભૂતપૂર્વ સુકાની રોહિત શર્મા સહિત ટીમના બધા ખેલાડીઓ ચિંતિત જણાયા હતા, કારણકે ત્યારે હાર્દિક (Hardik)ની એક જ ઓવરમાં 26 રન બન્યા હતા. એક તબકકે એવું લાગતું હતું કે રોહિતે જાણે કૅપ્ટન હાર્દિક પર કોઈક વાતે ઠપકો આપ્યો હતો.

રહાણે અને તાજેતરના ટી-20 વર્લ્ડ કપના હીરો ઍલનની જોડી શરૂઆતથી જ ધમાકેદાર રમી હતી. ટ્રેન્ટ બૉલ્ટની પ્રારંભિક ઓવરમાં 10 રન અને ત્યાર બાદ હાર્દિકની બીજી ઓવરમાં ફક્ત ચાર રન બન્યા હતા. જોકે અફઘાનિસ્તાનથી આઇપીએલમાં પહેલી વખત રમવા આવેલા રાઇટ-આર્મ સ્પિનર એએમ ગઝનફરની ત્રીજી ઓવરથી ખરા ધમાકા શરૂ થયા હતા. એ ઓવરમાં 17 રન બન્યા હતા. ઍલને બે છગ્ગા ઉપરાંત એક ચોગ્ગો ફટકારીને ગઝનફરને સંકેત આપી દીધો હતો કે આઇપીએલ વિશ્વની સર્વોત્તમ ક્રિકેટ લીગ છે અને એમાં સફળ થવા માટે લોઢાના ચણા ચાવવા પડે.

ગઝનફરની 17 રનવાળી ઓવર બાદ હાર્દિકની ઓવર વધુ ખર્ચાળ બની હતી. એમાં 26 રન બન્યા હતા. પહેલાં રહાણે (Rahane)એ બે સિક્સર ફટકારી હતી અને ત્યાર બાદ ઍલને ત્રણ ફોર ફટકારી હતી.
ચાર જ ઓવરમાં કોલકાતાનો સ્કોર 0/57 થઈ ગયો હતો. હાર્દિકે તરત જ `આગ બુઝાવવા' જસપ્રીત બુમરાહને મોરચા પર ગોઠવી દીધો હતો. જોકે તેની ઓવર પણ ખાસ કંઈ અસરદાર નહોતી. ઍલન અને રહાણેએ એક-એક ફોર ફટકારી હતી અને એ ઓવરમાં 11 રન બન્યા હતા. હા, બુમરાહ પછી હાર્દિકે શાર્દુલ ઠાકુરને જવાબદારી સોંપી હતી અને તે સફળ થયો હતો. શાર્દુલના બીજા જ બૉલમાં તિલક વર્માના હાથમાં ઍલન કૅચઆઉટ થયો હતો.