અમદાવાદ: અમેરિકામાં ઘણા ગુજરાતીઓ ગેરકાયદે કામ કરતા ઝડપાયા હોય છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં સિનિયર સિટીઝનને છેતરતી ટોળકીના ગુજરાતી સૂત્રધારની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે 88 કરોડનો બોન્ડ ફટકાર્યો હતો.
શું છે મામલો
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સિનિયર સિટીઝનનેટાર્ગેટ કરતી ટોળકી ચલાવવાના આરોપસર પકડાયેલા એક ગુજરાતી શખ્સને કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો હતો અને તેની જામીન રકમ (બોન્ડ) 1 કરોડ ડૉલર (આશરે રૂ. 88 કરોડ) નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત, અમેરિકી સત્તાવાળાઓએ તેના પર ઇમિગ્રેશન ડિટેઇનર પણ લાદ્યો હતો.
ફ્રેન્ડ્સવુડ પોલીસ વિભાગના તપાસકર્તાઓએ 3 ઓક્ટોબરના રોજ રિચમન્ડ, ટેક્સાસ ખાતેના એક રહેઠાણમાંથી ગેલવેસ્ટન અને ફોર્ટ બેન્ડ કાઉન્ટી દ્વારા જારી કરાયેલા વોરંટના આધારે સુચિત પટેલની ધરપકડ કરી હતી. તેના પર સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થવા અને 3 લાખ ડૉલરથી ઓછી રકમની ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ટેક્સાસ કાયદા હેઠળ ફર્સ્ટ-ડિગ્રી ફેલોની ગણાય છે.
મકાનની તલાશી દરમિયાન તપાસકર્તાઓએ આશરે ડૉલર 4,01,565.40 (અંદાજે રૂ. 3.5 કરોડ) ની કિંમતનું સોનું, ચાંદી અને રોકડ જપ્ત કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ તપાસ દરમિયાન તાજેતરની તલાશીઓમાં જપ્ત કરાયેલી કુલ નાણાકીય સંપત્તિ ડૉલર 7,50,000 (આશરે રૂ. 6.6 કરોડ) થી વધુ થઈ હતી.
આ કેસની તપાસ 15 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી. ફ્રેન્ડ્સવુડના એક સિનિયર સિટીઝને ફેડરલ એજન્ટ હોવાનો ઢોંગ કરનાર એક વ્યક્તિ દ્વારા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તપાસ શરૂ કરાઈ હતી. ભોગ બનનાર સિનિયર સિટીઝનને ભોળવીને ડૉલર 25,000 ના ગિફ્ટ કાર્ડ્સ લેવડાવ્યા હતા અને તેમની બચતના આશરે ડૉલર 1,85,000 સોનાના બિસ્કિટમાં કન્વર્ટ કરાવીને કુરિયરને સોંપવા મજબૂર કરવામાં આવ્યા હતા.
તપાસકર્તાઓએ કુરિયર તરીકે કેલિફોર્નિયાના 27 વર્ષીય રાજદીપ સિંહની ઓળખ કરી હતી. મેડોઝ પ્લેસ પોલીસ વિભાગની મદદથી 16 સપ્ટેમ્બરે ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછના આધારે તપાસકર્તાઓ સુચિત પટેલ સુધી પહોંચ્યા હતા.
ફ્રેન્ડ્સવુડ પોલીસ ચીફ જોશ રોજર્સે જણાવ્યું હતું કે તપાસકર્તાઓ જપ્ત કરાયેલી અસ્કયામતોના સાચા માલિકોની ઓળખ કરવા અને આમાં સામેલ તમામ આરોપીઓને જવાબદાર ઠેરવવા માટે કામ કરી રહ્યા છે. સુચિત પટેલે હ્યુસ્ટનના ઘણા સિનિયર સિટીઝન સાથે થયેલી છેતરપિંડીમાં પણ સંડોવાયેલો હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેથી પોલીસે લોકોને માહિતી આપવા અપીલ કરી હતી.