Mon Jun 01 2026

Logo

ગુજરાત સહિત 27 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર: જાણો સંપૂર્ણ કાર્યક્રમ

2026-06-01 17:57:35
Author: Devayat Khatana
Article Image

ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન, 18 જૂને મતદાન અને પરિણામો જાહેર થશે

નવી દિલ્હી:  ચૂંટણી પંચે ગુજરાત સહિત અન્ય રાજ્યોની 27 રાજ્યસભા બેઠકો અને 17 વિધાન પરિષદની બેઠકો પર ચૂંટણી યોજવા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. સત્તાવાર જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 8 જૂન બપોરે 3  વાગ્યા સુધી રાખવામાં આવી છે. ત્યારબાદ 9 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 11 જૂન સુધીમાં નામ પાછું ખેંચી શકાશે. આ તમામ બેઠકો માટે 18 જૂનના રોજ સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તે જ દિવસે મતોની ગણતરી પણ કરવામાં આવશે.

રાજ્યસભાની કુલ 27 બેઠકોના સમીકરણો જોવામાં આવે તો તેમાં ગુજરાત સહિત 10 અલગ-અલગ રાજ્યોની 24 બેઠક પર દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની છે. જ્યારે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં ખાલી પડેલી એક-એક રાજ્યસભા બેઠક માટે પેટાચૂંટણી યોજવા માટે પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

ચૂંટણી પંચના અહેવાલ અનુસાર આંધ્ર પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટકની 24 રાજ્યસભાની બેઠક માટે દ્વિવાર્ષિક ચૂંટણી થશે એના સિવાય મહારાષ્ટ્ર સહિતના ત્રણ રાજ્યસભાની એક-એક બેઠક માટે પેટાચૂંટણી થશે, જેથી ચૂંટણી થનાર ઉપલા ગૃહની સંખ્યા 27 થશે. ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે અને રિટર્નિંગ ઓફિસર અને સહાયક રિટર્નિંગ ઓફિસરની પણ નિમણૂક કરી છે. આ નિમણૂકનું વિવરણ ભારતના રાજપત્ર અને સંબંધિત રાજ્યના રાજપત્રોમાં પ્રકાશિત કર્યું છે.

રાજ્યસભાની સાથે સાથે 17 વિધાન પરિષદની બેઠકો માટે પણ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં બિહાર રાજ્યની 9 વિધાન પરિષદ બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણી અને 1 બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ ઉપરાંત, કર્ણાટક રાજ્યની 7 વિધાન પરિષદ બેઠકો માટે પણ દ્વિવાર્ષિક ચૂંટણી યોજવામાં આવશે.